ગીરમાં સિંહોના ઘરમાં ગેરકાયદે બાંધકામો પર તવાઈ, હાઈકોર્ટના આદેશ બાદ 10થી વધુ રિસોર્ટ-ફાર્મહાઉસ પર લાગ્યા તાળાં

ગુજરાત હાઈકોર્ટના કડક આદેશ બાદ ગીર સોમનાથના ભોજદે વિસ્તારમાં વન વિભાગની NOC વગર ચાલતા 10થી વધુ ગેરકાયદે રિસોર્ટ અને ફાર્મહાઉસ સીલ કરાયા. જાણો સિંહોના રક્ષણ માટે તંત્રની આ મોટી કાર્યવાહી વિશે વિગતે.

ગીર સોમનાથ, શનિવાર
એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા ગીરના જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા રિસોર્ટ અને ફાર્મહાઉસ સામે તંત્રએ લાલ આંખ કરી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીક ગીર વિસ્તારમાં વન વિભાગની જરૂરી મંજૂરી (NOC) વગર ચાલતા 10થી વધુ ફાર્મહાઉસ અને રિસોર્ટને સીલ કરી દેવામાં આવ્યા છે.

હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર આવ્યું એક્શનમાં
છેલ્લા કેટલાક સમયથી ગીર વિસ્તારમાં સિંહોને જોવા માટે આવતા પ્રવાસીઓના ધસારાને કારણે આડેધડ હોટલ, રિસોર્ટ અને ફાર્મહાઉસનું નિર્માણ થઈ રહ્યું હતું. આ ગેરકાયદેસર બાંધકામો સિંહોના કુદરતી રહેઠાણને નુકસાન પહોંચાડી રહ્યા હતા, જેની ગંભીર નોંધ ગત નવેમ્બર મહિનામાં ગુજરાત હાઈકોર્ટે લીધી હતી. કોર્ટે આવા બાંધકામો સામે કડક પગલાં લેવા સ્પષ્ટ આદેશ આપ્યો હતો. આ આદેશના અમલીકરણ માટે કલેક્ટર દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં આ મિલકતો મંજૂરી વગર ચાલતી હોવાનું સામે આવ્યું હતું. તાલાલા મામલતદાર અને વન વિભાગની ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને આ તમામ 10થી વધુ મિલકતોને તાળાં મારી દીધા છે.

વધતી સિંહોની વસ્તી અને ઘટતું રહેઠાણ
પ્રકૃતિપ્રેમીઓ લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા કે એક તરફ ગીરમાં સિંહોની વસ્તી વધીને 891ની આસપાસ પહોંચી ગઈ છે, તો બીજી તરફ તેમના કુદરતી રહેઠાણ પર માનવીય અતિક્રમણ વધી રહ્યું છે. આડેધડ બાંધકામોને કારણે સિંહોને તેમના વિસ્તારની બહાર નીકળવા મજબૂર થવું પડે છે. સરકારના એક પરિપત્ર જેમાં આવા બાંધકામોને નિયમિત કરવાની વાત હતી, તેનાથી પણ લોકોમાં નારાજગી જોવા મળી હતી.

124 ગામોમાં ચાલી રહ્યો છે સર્વે
હાઈકોર્ટના નિર્દેશ મુજબ, ગીર અભ્યારણ્ય, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, પાણીયા અને મિતિયાળા અભ્યારણ્યની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં આવતા 124 ગામોમાં ગેરકાયદેસર બાંધકામોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ માટે મામલતદાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તલાટી મંત્રીની ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો મંજૂરી વગરના તમામ બાંધકામોનો રિપોર્ટ તૈયાર કરી રહી છે, જેના આધારે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પ્રકૃતિપ્રેમીઓ આ પગલાને આવકારી રહ્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!