ગુજરાત કોંગ્રેસમાં ગ્રહણ: જિજ્ઞેશ મેવાણીને રોકવા નેતાઓ મેદાને, ભરતસિંહ સોલંકીથી હાઈકમાન્ડ નારાજ હોવાની ચર્ચા

ગુજરાત કોંગ્રેસમાં જિજ્ઞેશ મેવાણીને કાર્યકારી અધ્યક્ષ બનતા અટકાવવા આંતરિક જૂથવાદ વકર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકીની ચંચુપાત અને અમિત ચાવડાની નવી ટીમ અંગેના તમામ અપડેટ્સ વાંચો અહીં.

ગાંધીનગર, સોમવાર
ગુજરાત કોંગ્રેસમાં અત્યારે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે પક્ષ સંગઠનને મજબૂત કરવાને બદલે આંતરિક ડખાઓમાં અટવાયો છે. તાજેતરમાં સામે આવેલી વિગતો મુજબ, કોંગ્રેસના એક જૂથ દ્વારા યુવા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને રોકવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, જેના કારણે પ્રદેશ કોંગ્રેસના માળખાની રચના પણ અટકી પડી છે.

મેવાણી સામે આંતરિક મોરચો અને હોદ્દાની ભાંજગડ
એક તરફ યુવા નેતા જિજ્ઞેશ મેવાણી ગુજરાતમાં વ્યાપેલા દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે રસ્તા પર ઉતરીને મોરચો માંડી રહ્યા છે અને સરકારને ઘેરી રહ્યા છે. તો બીજી તરફ, ઘરના જ નેતાઓ તેમના માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે. કોંગ્રેસના જ પ્રદેશ નેતાઓનો એક વર્ગ મેવાણીને કાર્યકારી અધ્યક્ષ બનતા રોકવા માટે મેદાને પડ્યો છે. આ જૂથવાદ એટલી હદે વકર્યો છે કે, એક હોદ્દાની ખેંચતાણમાં આખું સંગઠનનું માળખું ઘોંચમાં પડ્યું છે. મેવાણીને કટ ટુ સાઈઝ કરવા માટે સક્રિય થયેલા વિરોધી જૂથે તો ત્યાં સુધી રજૂઆત કરી દીધી છે કે, પ્રદેશ માળખામાં કાર્યકારી અધ્યક્ષનો હોદ્દો જ રાખવો ન જોઈએ. હવે આ મામલો છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યો છે.

ભરતસિંહ સોલંકીનો ચંચુપાત અને હાઈકમાન્ડની નારાજગી
બીજી તરફ, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતમાં નિષ્ક્રિય અથવા નબળા નેતાઓ એટલે કે લંગડા ઘોડાઓને પક્ષમાંથી કાઢવાને બદલે સાઈડલાઈન કરવાની રણનીતિ અપનાવી છે. જેના ભાગરૂપે જગદીશ ઠાકોર અને સિદ્ધાર્થ પટેલ જેવા વરિષ્ઠ નેતાઓએ સ્વેચ્છાએ માર્ગદર્શક મંડળમાં સ્થાન સ્વીકારી લીધું છે. જોકે, ભરતસિંહ સોલંકી દ્વારા અત્યારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના મળતિયાઓને ટિકિટ અપાવવા અને સંગઠનમાં ગોઠવવા માટે ચંચુપાત શરૂ કરી દેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભરતસિંહ સોલંકીએ પોતાના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપેટ પ્રશંસા કરી હતી. આ ઘટનાને કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ ભરતસિંહ સોલંકીથી ભારોભાર નારાજ છે. સંગઠનમાં પોતાના લોકોને ગોઠવવાના તેમના હવાતિયા પક્ષની શિસ્ત અને રણનીતિ સામે સવાલો ઉભા કરી રહ્યા છે.

અમિત ચાવડાને છૂટો દોર અને આક્રમક ટીમ
વર્તમાન સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પર ભરોસો મૂકીને તેમને નિર્ણયો લેવા માટે છૂટો દોર આપ્યો છે. અમિત ચાવડાએ પોતાની ટીમમાં આક્રમક નેતાઓને સ્થાન આપ્યું છે. જેમાં જિજ્ઞેશ મેવાણી ઉપરાંત લાલજી દેસાઈ, ગેનીબેન ઠાકોર, પાલ આંબલિયા, અનંત પટેલ, કિરીટ પટેલ અને વિમલ ચુડાસમા જેવા લડાયક નેતાઓનો સમાવેશ થાય છે. આ ટીમને અને તેમની આક્રોશ રેલીઓને પ્રજાનું વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. જોકે, આ બાબત પક્ષના વર્ષો જૂના અને નિષ્ક્રિય નેતાઓને આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!