ગુજરાત જમીન વિકાસ નિગમના નિવૃત્ત કર્મચારીઓ 5-5 વર્ષથી પોતાના હક્કના નાણાં માટે સંઘર્ષ કરી રહ્યા છે. સાતમા પગાર પંચ, ગ્રેજ્યુઈટી અને પેન્શન જેવા લાભો ન મળતા તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે. જાણો સમગ્ર વિગત.

ગાંધીનગર, સોમવાર
ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાંથી નિવૃત્ત થયેલા સિનિયર સિટીઝન કર્મચારીઓ માટે નિવૃત્તિ પછીની શાંતિપૂર્ણ જિંદગી એક સંઘર્ષ બની ગઈ છે. પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષો નિગમને સમર્પિત કર્યા પછી, આજે તેઓ પોતાના જ હક્કના નાણાં મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. નિવૃત્તિને 5-5 વર્ષ વીતી ગયા છતાં સાતમા પગાર પંચ, ગ્રેજ્યુઈટી અને પેન્શન જેવા લાભો ન મળતા, આખરે તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ મદદ માટે ગુહાર લગાવી છે.
વર્ષ 2019થી CPF અને વ્યાજની ચુકવણી અટકી
નિવૃત્ત કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રીને અપાયેલા આવેદનપત્રમાં અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. તેમની મુખ્ય ફરિયાદ એ છે કે વર્ષ 2019થી નિવૃત્ત થયેલા કર્મચારીઓને તેમના સી.પી.એફ. (CPF) ખાતાની રકમ અને તેના પર મળવાપાત્ર વ્યાજની ચુકવણી કરવામાં આવી નથી. આર્થિક રીતે નબળા પડેલા આ સિનિયર સિટીઝનો માટે આ રકમ જીવનનિર્વાહનો મુખ્ય આધાર છે, જે લાંબા સમયથી અટવાયેલી પડી છે.
ગ્રેજ્યુઈટીમાં પણ જૂના નિયમોનું પાલન
કેન્દ્ર સરકારના નિયમ મુજબ ગ્રેજ્યુઈટીની મર્યાદા 20 લાખ કરી દેવામાં આવી છે, પરંતુ નિગમના અધિકારીઓ હજુ પણ જૂની 10 લાખની મર્યાદા મુજબ જ ચુકવણું કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, રાજ્યના કૃષિ વિભાગે 20 લાખની મર્યાદા મુજબ બાકીની રકમ ચૂકવવા માટે મંજૂરી આપી દીધી છે, તેમ છતાં વહીવટી પ્રક્રિયાના બહાના હેઠળ નાણાં ફાળવવામાં વિલંબ થઈ રહ્યો છે.
EPFO અને ઉચ્ચતર પગાર ધોરણના લાભો પણ રોકાયા
આર્થિક સંકટનો સામનો કરી રહેલા કર્મચારીઓની સમસ્યા અહીં જ અટકતી નથી. તેમને વર્ષ 2018 પછીના સાતમા પગાર પંચના લાભો અને વર્ષ 2015થી મંજૂર થયેલા ઉચ્ચતર પગાર ધોરણના નાણાકીય લાભો પણ ચૂકવાયા નથી. વધુમાં, હાયર પેન્શન મેળવવા માટે આશરે 174 જેટલા કર્મચારીઓનો ડેટા ઇ.પી.એફ.ઓ. (EPFO) કચેરીમાં અપલોડ કરવાનો હોય છે, પરંતુ નિગમના અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે આ પ્રક્રિયા પણ અટકી પડી છે, જેના લીધે તેમનું પેન્શન પણ જોખમમાં છે.
ધક્કા ખાઈને કંટાળ્યા, હવે ઉગ્ર રજૂઆતની ચીમકી
સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો અને સરકારના ઠરાવો હોવા છતાં વહીવટી તંત્રના ઢીલા વલણને કારણે આ સિનિયર સિટીઝનોને સતત કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. ધીરજ ગુમાવી ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તેમના નાણાકીય પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે, તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર રજૂઆત કરવા માટે મજબૂર બનશે.











