ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. નીતિન નવીનનું નિર્વિરોધ ચૂંટાવું લગભગ નક્કી મનાય છે. જાણો નોમિનેશનથી લઈને પરિણામ સુધીનું સંપૂર્ણ શેડ્યૂલ આ અહેવાલમાં.

નવી દિલ્હી, શુક્રવાર
ભારતીય જનતા પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે, તે અંગેની અટકળોનો હવે અંત આવવા જઈ રહ્યો છે. પાર્ટીએ અધ્યક્ષ પદની ચૂંટણી માટે સત્તાવાર તારીખ અને કાર્યક્રમ જાહેર કરી દીધા છે. આ પ્રક્રિયા 19 જાન્યુઆરીથી શરૂ થશે અને 20 જાન્યુઆરી, 2026 સુધીમાં પૂર્ણ થશે. હાલમાં બિહારના દિગ્ગજ નેતા નીતિન નવીન ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને હવે તેઓ પૂર્ણકાલીન અધ્યક્ષ બને તેવી પ્રબળ શક્યતાઓ છે.
ચૂંટણીનું સંપૂર્ણ શેડ્યૂલ: માત્ર 2 દિવસમાં પ્રક્રિયા પૂરી
ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી અને રાજ્યસભા સાંસદ કે. લક્ષ્મણે શુક્રવારે ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સમગ્ર પ્રક્રિયા દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટર ખાતે યોજાશે.
જાહેર થયેલા શિડ્યુલ મુજબ કાર્યક્રમ નીચે મુજબ રહેશે:
નોમિનેશન (ઉમેદવારી પત્ર ભરવું): 19 જાન્યુઆરીના રોજ બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી.
ચકાસણી (Scrutiny): ઉમેદવારી પત્રો અને દસ્તાવેજોની તપાસ 19 જાન્યુઆરીએ સાંજે 4 થી 5 વાગ્યા વચ્ચે થશે.
નામ પરત ખેંચવું: જો કોઈ ઉમેદવાર નામ પાછું ખેંચવા માંગતો હોય, તો તે જ દિવસે સાંજે 5 થી 6 વાગ્યા સુધીમાં ખેંચી શકશે.
વોટિંગ અને પરિણામ: જો જરૂર પડે તો 20 જાન્યુઆરીએ મતદાન થશે અને તે જ દિવસે નવા અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
જોકે, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે નીતિન નવીન સિવાય અન્ય કોઈ નેતા દાવેદારી નોંધાવે તેવી શક્યતા નહિવત છે. તેથી, તેઓ નિર્વિરોધ ચૂંટાઈ આવે તે લગભગ નક્કી માનવામાં આવે છે.
કોણ છે નીતિન નવીન?
45 વર્ષીય નીતિન નવીન ભાજપના યુવા અને તેજ-તર્રાર નેતા તરીકે ઓળખાય છે. તેઓ રાજકીય રીતે મજબૂત પીઠબળ અને સંઘ (RSS) ની વિચારધારા સાથે જોડાયેલા છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ નવીન કિશોર પ્રસાદ સિંહાના પુત્ર છે. પિતાના અવસાન બાદ તેઓ રાજનીતિમાં સક્રિય થયા. નીતિન નવીન પટનાની બાંકીપુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને અત્યાર સુધીમાં 5 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વવાળી NDA સરકારમાં તેઓ બે વાર મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત, છત્તીસગઢમાં ભાજપના પ્રભારી તરીકે તેમનું કામ ખૂબ વખાણવામાં આવ્યું હતું, જ્યાં તેમણે સંગઠનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
14 ડિસેમ્બરના રોજ તેમને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને કામ કરવાની શૈલીને જોતા પાર્ટીએ તેમને મોટી જવાબદારી સોંપવાનું નક્કી કર્યું છે. હવે માત્ર 20 જાન્યુઆરીની રાહ જોવાઈ રહી છે, જ્યારે સત્તાવાર રીતે તેમના નામ પર મહોર લાગશે.











