સોના અને ચાંદીના ભાવમાં અસહ્ય મોંઘવારી! એક જ સપ્તાહમાં સોનું 4471 રૂપિયા અને ચાંદી 39,000 રૂપિયા મોંઘી થઈ. જાણો ભાવ વધારાના મુખ્ય કારણો અને રોકાણકારો માટે મહત્વની ટિપ્સ.

અમદાવાદ, રવિવાર
જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો હાલ બજેટ થોડું ખોરવાઈ શકે છે. ચાલુ સપ્તાહમાં બુલિયન માર્કેટમાં જાણે આગ લાગી હોય તેવી તેજી જોવા મળી છે. સોના અને ચાંદીના ભાવે જોરદાર સપાટો બોલાવ્યો છે, જેમાં ખાસ કરીને ચાંદીના ભાવમાં જે ઉછાળો આવ્યો છે તે ચોંકાવનારો છે.
એક સપ્તાહમાં ભાવ ક્યાં પહોંચ્યા?
બજારના આંકડા પર નજર કરીએ તો, ચાલુ સપ્તાહમાં સોનાના ભાવમાં 4,471 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા સાથે સોનું પ્રતિ 10 ગ્રામ 1,41,593 રૂપિયાની રેકોર્ડ સપાટી પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે એટલે કે 9 જાન્યુઆરી, શુક્રવારે સોનું 1,37,122 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું.
બીજી તરફ, ચાંદીમાં તો જાણે તોફાન આવ્યું છે. ચાંદીના ભાવ 2,42,808 પ્રતિ કિલોથી વધીને સીધા 2,81,890 રૂપિયા સુધી પહોંચી ગયા છે. મતલબ કે, માત્ર એક જ સપ્તાહની અંદર ચાંદીમાં 39,082 રૂપિયાનો જંગી વધારો નોંધાયો છે.
2025માં રોકાણકારોને ચાંદી ફળી ગઈ
ગયા વર્ષના એટલે કે 2025ના આંકડા જોઈએ તો સોના કરતા ચાંદીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. 2025માં સોનામાં 75% રિટર્ન મળ્યું હતું, જ્યારે ચાંદીમાં 167% નો વધારો થયો હતો.
સોનું: 31 ડિસેમ્બર 2024ના રોજ જે ભાવ 76,162 રૂપિયા હતો, તે 31 ડિસેમ્બર 2025ના રોજ વધીને 1,33,195 રૂપિયા થઈ ગયો હતો. (57,033 રૂપિયાનો વધારો).
ચાંદી: 31 ડિસેમ્બર 2024ના રોજ 86,017 રૂપિયાનો ભાવ હતો, જે વર્ષના છેલ્લા દિવસે 2,30,420 રૂપિયા પર પહોંચ્યો હતો. (1,44,403 રૂપિયાનો વધારો).
સોનું મોંઘું થવાના 3 મુખ્ય કારણો
ડોલરની નબળાઈ: અમેરિકામાં વ્યાજદરો ઘટવાને કારણે ડોલર નબળો પડ્યો છે. જેના કારણે સોનું સાચવવાનો (હોલ્ડિંગ) ખર્ચ ઓછો થતા લોકો સોના તરફ વળ્યા છે.
યુદ્ધનો ડર: રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક તણાવને લીધે રોકાણકારો ડરી રહ્યા છે અને સુરક્ષિત રોકાણ તરીકે સોનાની ખરીદી કરી રહ્યા છે.
સેન્ટ્રલ બેન્કોની ખરીદી: ચીન જેવા દેશોની રિઝર્વ બેન્ક મોટા પાયે સોનું ભેગું કરી રહી છે. એક અંદાજ મુજબ વર્ષમાં 900 ટનથી વધુ સોનું ખરીદવામાં આવ્યું છે, જેથી માંગ વધતા ભાવ વધ્યા છે.
ચાંદી કેમ આટલી બધી ઉછળી?
ઔદ્યોગિક માંગ: સોલર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) સેક્ટરમાં ચાંદીનો વપરાશ ખૂબ વધ્યો છે. હવે ચાંદી માત્ર ઘરેણાં નહીં પણ ઉદ્યોગો માટે કાચો માલ બની ગઈ છે.
ટ્રમ્પ ટેરિફની અસર: અમેરિકન કંપનીઓને ડર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ (ટેક્સ) વધારશે, તેથી આ ધમકીઓ વચ્ચે કંપનીઓ મોટી માત્રામાં ચાંદીનો સ્ટોક કરી રહી છે, જેનાથી અછત સર્જાઈ છે.
ઉત્પાદકોમાં ગભરાટ: ઉત્પાદન બંધ થવાના ડરને કારણે મેન્યુફેક્ચરર્સ જરૂરિયાત કરતા વધારે ચાંદી ખરીદી રહ્યા છે. આ પેનિક બાઈંગ (Panic Buying) ને કારણે આગામી મહિનાઓમાં પણ ચાંદી ચમકતી રહે તેવી શક્યતા છે.
સોનું ખરીદતા પહેલા આ 2 વાત ખાસ યાદ રાખો
જો તમે આ ભાવ વધારા વચ્ચે પણ ખરીદી કરવા જઈ રહ્યા હોવ, તો છેતરાવાથી બચવા નીચેની બાબતોનું ધ્યાન રાખજો:
BIS હોલમાર્ક ચેક કરો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) નો હોલમાર્ક જોઈને જ સોનું ખરીદો. દાગીના પર એક આલ્ફાન્યૂમેરિક કોડ (જેમ કે AZ4524) હોય છે, જેનાથી સોનાની શુદ્ધતા જાણી શકાય છે.
ભાવ ક્રોસ-ચેક કરો: જ્વેલર જે ભાવ કહે તેના પર આંધળો વિશ્વાસ ન કરો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) જેવી વિશ્વસનીય વેબસાઇટ પર જઈને આજના લાઈવ રેટ ચેક કરો. યાદ રાખો કે 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના ભાવ અલગ-અલગ હોય છે.











