ગુજરાતમાં વસ્તી ગણતરી-2027 માટે તંત્ર સજ્જ: સંપૂર્ણ ડિજિટલ થશે કામગીરી, ગણતરીકારોને 25,000 સુધીની કમાણી કરવાની તક

ગુજરાતમાં વસ્તી ગણતરી-2027 માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આ વખતે ગણતરી સંપૂર્ણ ડિજિટલ પદ્ધતિથી થશે. કામગીરી કરનારને 25,000 સુધીનું માનદ વેતન મળશે. વાંચો વિગતવાર અહેવાલ.

ગાંધીનગર, રવિવાર
ભારત સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરી-2027 માટેની તૈયારીઓ હવે વેગવંતી બનાવી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ આ અંગેની ગતિવિધિઓ તેજ થઈ છે. ગૃહ મંત્રાલયના ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ આ વખતની વસ્તી ગણતરી અગાઉ કરતાં ઘણી અલગ અને હાઈટેક રહેવાની છે.

સૌથી મોટી વાત એ છે કે આ વખતે કાગળ-પેન નહીં પણ મોબાઈલ અને ટેબલેટના માધ્યમથી સંપૂર્ણ ‘ડિજિટલ’ ડેટા એકત્ર કરવામાં આવશે. આવો જાણીએ, આ કામગીરી કઈ રીતે થશે અને તેમાં જોડાનાર કર્મચારીઓને શું લાભ મળશે.

બે તબક્કામાં થશે વસ્તી ગણતરી
સરકારી પરિપત્ર મુજબ, વસ્તી ગણતરીની કામગીરી મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવી છે:

પ્રથમ તબક્કો: આમાં ઘરયાદી અને મકાન ગણતરી (House Listing Operations – HLO) કરવામાં આવશે.
બીજો તબક્કો: આમાં મુખ્ય વસ્તી ગણતરી (Population Enumeration – PE) હાથ ધરવામાં આવશે.

ગણતરીકારોને 25,000 સુધીનું વેતન મળશે
આ કામગીરીમાં જોડાનાર ગણતરીકારો, સુપરવાઈઝરો અને અન્ય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેમના માનદ વેતનમાં સ્પષ્ટતા કરી છે.

HLO (મકાન ગણતરી) માટે: પ્રતિ ગણતરીકારને 9,000 રૂપિયા.
PE (વસ્તી ગણતરી) માટે: પ્રતિ ગણતરીકારને 16,000 રૂપિયા.

આમ, બંને તબક્કાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ગણતરીકારને કુલ 25,000 રૂપિયા સુધીનું માનદ વેતન મળશે. આ ઉપરાંત સુપરવાઈઝરો અને અધિકારીઓ માટે પણ વેતનની જોગવાઈ કરવામાં આવી છે. વસ્તી ગણતરીનું કામ સુચારુ રીતે ચાલે તે માટે રાજ્યથી લઈને તાલુકા સ્તર સુધી અલગ-અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે. આ રકમનો ઉપયોગ IT સાધનો, વાહનોના પેટ્રોલ-ડીઝલ (POL) ખર્ચ અને અન્ય લોજિસ્ટિક્સ માટે કરવામાં આવશે.

રાજ્ય સ્તરે: 10 લાખ સુધીની જોગવાઈ.
જિલ્લા અને મહાનગરપાલિકા સ્તરે: 5 લાખ સુધી.
તાલુકા સ્તરે: 1 લાખ સુધીનું બજેટ.

હાઈટેક ટ્રેનિંગ અને રિયલ ટાઈમ મોનિટરિંગ
હવે જમાનો બદલાયો છે ત્યારે વસ્તી ગણતરીની રીત પણ બદલાઈ છે. ગણતરીકારો અને સુપરવાઈઝરોને આધુનિક ટેક્નોલોજીની ખાસ તાલીમ આપવામાં આવશે. ડેટા એકત્ર કરવા માટે ખાસ મોબાઈલ એપ્લિકેશન અને CMMS પોર્ટલનો ઉપયોગ થશે, જેથી રિયલ-ટાઈમ મોનિટરિંગ થઈ શકે.

આ માટે એક મોટી ફોજ તૈયાર કરવામાં આવશે, આશરે 100 રાષ્ટ્રીય ટ્રેનર્સ, 2000 જેટલા માસ્ટર ટ્રેનર્સ, 44,000 ફીલ્ડ ટ્રેનર્સ, આ ટ્રેનર્સ લાખો ગણતરીકારોને ડિજિટલ ડેટા કલેક્શનની તાલીમ આપશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ડેટાની ગુણવત્તા સુધારવાનો અને પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે. આ વસ્તી ગણતરીના આંકડા દેશની ભવિષ્યની વિકાસ યોજનાઓ માટે પાયાનું કામ કરશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!