ગાંધીનગર LCBએ માણસાના પુંધરા ગામમાં દરોડો પાડીને હાઈ-ટેક જુગારધામ ઝડપી પાડ્યું. વોટ્સએપ પર વરલી મટકાના આંકડા લખાવતો સટોડિયો 2.75 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો. જાણો કઈ રીતે ચાલતું હતું આખું નેટવર્ક.

ગાંધીનગર, સોમવાર
ગાંધીનગર જિલ્લામાં દારૂ અને જુગારની બદીને ડામવા માટે પોલીસ સતત સક્રિય છે. ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ એ એક મોટી કાર્યવાહી કરી છે. માણસા તાલુકામાં ઓનલાઈન અને વોટ્સએપ મારફતે ચાલતા વરલી મટકાના એક હાઈ-પ્રોફાઈલ નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક સટોડિયાને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે, જેના તાર વિજાપુર સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
પુંધરા ગામના તળાવ પાસે LCB ત્રાટકી
જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના મુજબ, LCB પીઆઈ દિવાનસિંહ વાળા અને તેમની ટીમ માણસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને એક ચોક્કસ બાતમી મળી હતી. બાતમી એવી હતી કે મહુડીથી લોદરા તરફ જતા રોડ પર આવેલા પુંધરા ગામના તળાવ પાસે એક શંકાસ્પદ સફેદ કલરની ગાડી ઉભી છે. આ ગાડીમાં બેઠેલો એક વ્યક્તિ મોબાઈલ ફોન પર વરલી મટકાનો જુગાર રમી રહ્યો છે. આ માહિતી મળતા જ પોલીસની ટીમે તાત્કાલિક તે સ્થળે દરોડો પાડ્યો હતો.
હોન્ડા અમેજ ગાડીમાં બેસીને રમાતો હતો સટ્ટો
પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરતા ત્યાં એક હોન્ડા અમેજ ગાડી મળી આવી હતી. જેમાં તપાસ કરતા કિરણ શૈલેષભાઇ પટેલ (રહે. પુંધરા) નામનો શખ્સ મોબાઈલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો ઝડપાયો હતો. પોલીસે તેની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
આઈફોન ચેક કરતા ખૂલ્યું વિજાપુર કનેક્શન
પોલીસે આરોપી કિરણ પટેલ પાસે રહેલો કિંમતી ‘એપલ આઈફોન-16 પ્રોમેક્સ’ ચેક કર્યો ત્યારે આખું કૌભાંડ સામે આવ્યું હતું. તેના વોટ્સએપમાં ‘હરેશ રાઠોડ’ (જેનું પૂરું નામ હરેશ નટુભાઇ ઠાકોર, રહે. વિજાપુર) નામના બુકી સાથે વરલી મટકાના આંકડાઓની લેવડદેવડની ચેટ મળી આવી હતી.
આરોપી મોબાઈલ એપ્લિકેશન્સ મારફતે નીચે મુજબની ગેમ્સ પર સટ્ટો રમતો હતો:
ટાઈમ ઓપન
ટાઈમ બેન
મિલન ઓપન
કલ્યાણ ઓપન
3.27 લાખના આંકડા લખાયા હતા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, સટોડિયા કિરણ પટેલે આ અલગ-અલગ એપ્લિકેશનો અને વોટ્સએપ દ્વારા કુલ 3,27,500 રૂપિયાના આંકડા લખાવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી આઈફોન, રોકડ રકમ અને ફોરવ્હીલર ગાડી મળીને કુલ 2.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ સમગ્ર મામલે માણસા પોલીસ સ્ટેશનમાં કિરણ પટેલ (પકડાયેલ આરોપી) અને હરેશ ઠાકોર (વોન્ટેડ બુકી) વિરુદ્ધ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.











