ગ્રેટર નોઈડાના સેક્ટર 150માં હચમચાવી દેતી ઘટના! 27 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતાની કાર અંડર-કન્સ્ટ્રક્શન મોલના પાણી ભરેલા ખાડામાં ખાબકી. પિતાને કર્યો હતો છેલ્લો ફોન. જાણો સમગ્ર ઘટના.

નોઈડા, સોમવાર
પ્રશાસનની બેદરકારી ક્યારેક નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થાય છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ ગ્રેટર નોઈડામાં જોવા મળ્યું છે. નોઈડાના સેક્ટર 150માં બનેલી એક હ્રદયદ્રાવક ઘટનામાં 27 વર્ષીય આશાસ્પદ સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતાએ જીવ ગુમાવ્યો છે. ઓફિસથી ઘરે પરત ફરી રહેલા યુવરાજની કાર ગાઢ ધુમ્મસના કારણે રસ્તા પરના એક ખુલ્લા અને પાણીથી ભરેલા ખાડામાં ખાબકી હતી.
ધુમ્મસ અને તંત્રની લાપરવાહી બની કાળ
પ્રાપ્ત વિગતો મુજબ, શુક્રવારે રાત્રે યુવરાજ મહેતા ગુરુગ્રામ સ્થિત પોતાની ઓફિસથી કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રિના સમયે રસ્તા પર ભારે ધુમ્મસ હતું. આ દરમિયાન એક વળાંક પાસે અંડર-કન્સ્ટ્રક્શન મોલનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં બેઝમેન્ટમાં ઊંડો ખાડો ખોદેલો હતો અને તેમાં પાણી ભરેલું હતું. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે યુવરાજ કાર પરનો કાબૂ ગુમાવી બેઠા અને કાર સીધી પાણી ભરેલા ઊંડા ખાડામાં જઈ પડી.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આટલો મોટો ખાડો હોવા છતાં ત્યાં કોઈ પણ પ્રકારના ચેતવણી બોર્ડ, બેરિકેડિંગ કે રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા નહોતા. સ્ટ્રીટ લાઈટની પણ કોઈ વ્યવસ્થા નહોતી, જે તંત્રની ગંભીર બેદરકારી છતી કરે છે.
‘પપ્પા મને બચાવી લો…’ – છેલ્લો ફોન
આ અકસ્માતની સૌથી કરુણ પળ ત્યારે આવી જ્યારે ડૂબતી વખતે યુવરાજે પોતાના પિતા રાજકુમાર મહેતાને ફોન કર્યો હતો. મોત સામે ઝઝૂમી રહેલા યુવરાજે ફોન પર કહ્યું હતું કે, “પપ્પા, હું પાણીથી ભરેલા ઊંડા ખાડામાં પડી ગયો છું, હું ડૂબી રહ્યો છું, મને બચાવી લો, હું મરવા માંગતો નથી.” આ શબ્દો સાંભળીને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, પરંતુ કમનસીબે તે છેલ્લી વાતચીત સાબિત થઈ.
ડિલિવરી બોયે દેખાડી અદભુત હિંમત
ઘટના સ્થળે હાજર લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન ફ્લિપકાર્ટમાં ડિલિવરી એજન્ટ તરીકે કામ કરતા મોનિંદરે જે સાહસ બતાવ્યું તેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. મોનિંદરે જોયું કે યુવરાજ કારની અંદર ટોર્ચ ચાલુ કરીને મદદ માટે બૂમો પાડી રહ્યો હતો.
પરિસ્થિતિની ગંભીરતા જોઈને મોનિંદરે પોતાની કમર પર દોરડું બાંધ્યું અને જીવના જોખમે લગભગ 70 ફૂટ ઊંડા પાણી ભરેલા ખાડામાં છલાંગ લગાવી દીધી. જોકે, કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. મોનિંદર ત્યાં પહોંચે તે પહેલાં જ યુવરાજનો શ્વાસ થંભી ગયો હતો. બાદમાં સ્થાનિક પોલીસ અને NDRFની ટીમે લગભગ 5 કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ ઓપરેશન પૂરું કર્યું હતું, પણ યુવકને બચાવી શકાયો નહીં.
10 દિવસ પહેલાં પણ થયો હતો અકસ્માત
ઘટનાના સાક્ષી અને મદદ કરનાર મોનિંદરે વહીવટી તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, આ જીવલેણ ખાડામાં માત્ર 10 દિવસ પહેલાં જ એક ટ્રક પણ ખાબક્યો હતો. તેમ છતાં, તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ બોધપાઠ લેવામાં આવ્યો નહીં અને સુરક્ષા માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા નહીં. જો સમયે યોગ્ય બેરિકેડિંગ કરવામાં આવ્યું હોત, તો આજે 27 વર્ષના યુવાનનો જીવ બચી ગયો હોત.











