વાહનચાલકો સાવધાન: ગાડી પર આંખો અંજાવી દેતી LED લાઈટ લગાવી તો થશે જેલ અને દંડ, ગુજરાત સરકારનો કડક આદેશ

ગુજરાત સરકારે વાહનો પર આંખો અંજાવી દેતી સફેદ LED લાઈટ લગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આવી લાઈટ સાથે પકડાશો તો જેલ અને દંડ થશે. અકસ્માતો રોકવા માટે લેવાયેલા આ મોટા નિર્ણય વિશે વિગતે જાણો.

ગાંધીનગર, ગુરૂવાર
જો તમે તમારા વાહન પર કંપની ફિટેડ લાઈટ સિવાયની બીજી કોઈ વધારાની અથવા વધુ પાવરવાળી લાઈટ લગાવી છે, તો હવે ચેતી જજો. ગુજરાત સરકારે વાહનો પર ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી આંખો અંજાવી દેતી LED લાઈટ સામે લાલ આંખ કરી છે. રાજ્યમાં વધતા જતા રોડ અકસ્માતોને ધ્યાનમાં રાખીને સરકારે હવે આવા વાહનચાલકો સામે જેલ અથવા દંડની કડક કાર્યવાહી કરવાનો મોટો નિર્ણય લીધો છે.

શા માટે લેવાયો આ નિર્ણય?
રાત્રિના સમયે ડ્રાઈવિંગ કરતી વખતે સામેથી આવતા વાહનોની અતિશય તેજ સફેદ LED લાઈટના કારણે અનેક વાહનચાલકો પરેશાન થાય છે. આ અતિ તીવ્રતાવાળી હેડ લાઈટ સીધી સામેવાળા ડ્રાઈવરની આંખોમાં વાગે છે, જેના કારણે થોડી સેકન્ડો માટે કંઈ દેખાતું બંધ થઈ જાય છે (આંખો અંજાઈ જાય છે). આ કારણોસર રાત્રે ગંભીર અકસ્માતો થવાની સંભાવના ખૂબ વધી જાય છે અને ઘણા કિસ્સાઓમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે.

આ ગંભીર સમસ્યાને લઈને તંત્રને અનેક ફરિયાદો અને રજૂઆતો મળી હતી, જેને ધ્યાનમાં રાખીને હવે ગુજરાતના વાહન વ્યવહાર વિભાગે કડક વલણ અપનાવ્યું છે.

વાહન વ્યવહાર કમિશ્નરની કડક સૂચના
વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે વાહનો પર અનઅધિકૃત રીતે LED લાઈટ અથવા હાઈ-બીમ વાળા હેડલેમ્પ લગાવેલા હશે, તેમની સામે હવે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. સરકારનો ઉદેશ્ય સ્પષ્ટ છે કે ખોટી રીતે લાઈટ લગાવનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જેથી અકસ્માતો ઘટાડી શકાય. હવે જો કોઈ વાહન આવી લાઈટ સાથે પકડાશે તો તેને દંડ ભરવો પડી શકે છે અથવા જેલની હવા પણ ખાવી પડી શકે છે.

ડીલરો સામે પણ થશે કાર્યવાહી
માત્ર વાહનચાલકો જ નહીં, પરંતુ વાહનો વેચતા ડીલરો અને એસેસરીઝનું કામ કરતા લોકો માટે પણ સૂચના જાહેર કરવામાં આવી છે. વાહન વ્યવહાર કમિશ્નરે તમામ ડીલરશીપને તાકીદ કરી છે કે તેમણે ગ્રાહકોને વાહનો પર આવી ગેરકાયદેસર LED લાઈટ લગાવી આપવી નહીં.

આગામી દિવસોમાં રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અને સઘન એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવશે. તેથી, જો તમારા વાહનમાં પણ આવી આંખો અંજાવી દેતી લાઈટ હોય, તો આજે જ તેને દૂર કરાવી લેવી હિતાવહ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!