અમદાવાદની DPS, સંત કબીર અને લોયોલા સહિતની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી છે. ખાલિસ્તાનના નામે આવેલા ઈમેલમાં લખ્યું- ‘તમારા બાળકોને બચાવી લો’. જાણો સ્કૂલોની અત્યારની સ્થિતિ અને પોલીસની કાર્યવાહી વિશે.

અમદાવાદ, શુક્રવાર
અમદાવાદ માટે આજની 23 જાન્યુઆરી સવાર અત્યંત ચિંતાજનક સમાચાર લઈને આવી હતી. શહેરની ઘણી જાણીતી સ્કૂલોને એકીસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર અને વાલીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. વહેલી સવારે જ સ્કૂલના સત્તાધીશોને ધમકીભર્યા ઈમેલ મળતા શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો હતો.
કઈ સ્કૂલોને મળી ધમકી?
મળતી માહિતી મુજબ, જેવી સ્કૂલો શરૂ થઈ કે તરત જ વહીવટી તંત્રના ઈનબોક્સમાં એક ડરામણો ઈમેલ આવ્યો હતો. નિશાન પર રહેલી સ્કૂલોમાં સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલ વિસ્તારની પ્રખ્યાત DPS, નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ, વસ્ત્રાપુરની સ્વયંમ સ્કૂલ અને એપલ ગ્લોબલ સ્કૂલનો સમાવેશ થાય છે. આ સમાચાર મળતા જ સ્કૂલ મેનેજમેન્ટે એક પળનો પણ વિલંબ કર્યા વગર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને વાલીઓને સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું.
ઈમેલમાં શું લખ્યું હતું?
આ ધમકીભર્યા ઈમેલમાં ખૂબ જ ગંભીર વાત લખવામાં આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. ઈમેલમાં લખ્યું હતું કે, “મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન છે, તમારા બાળકોને બચાવી લો.” આ પ્રકારના લખાણને કારણે મામલો વધારે ગંભીર બન્યો છે. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, લોકલ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો કાફલા સાથે સ્કૂલો પર પહોંચી ગઈ હતી.
વાલીઓમાં અફરાતફરીનો માહોલ
સવારના પહોરમાં જ્યારે વાલીઓને સ્કૂલમાંથી મેસેજ અને ફોન આવવા લાગ્યા કે ‘ઇમરજન્સી છે, તમારા બાળકને તાત્કાલિક ઘરે લઈ જાઓ’, ત્યારે વાલીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત વાલીઓ કામકાજ પડતું મૂકીને સ્કૂલે દોડી આવ્યા હતા. ઘણી સ્કૂલોની બહાર ટ્રાફિક જામ અને અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
DPS સ્કૂલના ફોર્મ ભરવાના આગ્રહથી વાલીઓ રોષે ભરાયા
એક તરફ બોમ્બની ધમકીનો ડર હતો, તો બીજી તરફ બોપલની DPS સ્કૂલના વલણથી વાલીઓ પરેશાન થયા હતા. DPS સ્કૂલ દ્વારા વાલીઓને બોલાવવામાં તો આવ્યા, પરંતુ બાળકોને સોંપતા પહેલા તેમની પાસે ‘સંમતિ ફોર્મ’ ભરાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. ઈમરજન્સીના સમયે બાળકને ઝડપથી સુરક્ષિત બહાર કાઢવાને બદલે સ્કૂલ પ્રશાસને પેપરવર્ક કરાવતા વાલીઓ પેનિકમાં આવી ગયા હતા અને ભારે રોષ જોવા મળ્યો હતો.
પોલીસની સઘન તપાસ ચાલુ
હાલમાં, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલના ક્લાસરૂમ, ગ્રાઉન્ડ, લોબી અને ખૂણે-ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. પ્રાથમિક તપાસમાં આ કોઈ તોફાની તત્વોનો ફેક ઈમેલ હોઈ શકે છે, પરંતુ પોલીસ સુરક્ષામાં કોઈ કચાસ છોડવા માંગતી નથી.











