ચિલોડામાં વરઘોડામાં ગાડી હટાવવા જેવી નાની વાતમાં ધીંગાણું, 3-4 ઘરોમાં તોડફોડ થતાં પોલીસ દોડી આવી

Gandhinagar News: ગાંધીનગરના ચિલોડામાં વરઘોડા દરમિયાન ગાડી હટાવવા બાબતે જૂથ અથડામણ થઈ. તોફાની તત્વોએ 3 થી 4 મકાનોમાં તોડફોડ કરી. પોલીસે તપાસ શરૂ કરી છે. જાણો વિગતવાર.

ગાંધીનગર, સોમવાર
લગ્નની શરણાઈઓ વચ્ચે ક્યારેક નાની અમથી તકરાર મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરના ચિલોડા પંથકમાંથી સામે આવ્યો છે. અહીં લગ્નના વરઘોડા દરમિયાન રસ્તામાંથી માત્ર એક ગાડી હટાવવા જેવી સામાન્ય બાબતે મોટું ધીંગાણું સર્જાયું હતું. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે મામલો તોડફોડ અને મારામારી સુધી પહોંચી ગયો હતો.

શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના ચિલોડામાં આવેલા મોટા ગામમાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. જ્યારે વરરાજાનો વરઘોડો નીકળ્યો ત્યારે રસ્તામાં એક કાર ઉભી હતી. જાનૈયાઓએ કારના માલિકને માત્ર રસ્તામાંથી ગાડી સાઈડમાં લેવાનું કહ્યું હતું. પરંતુ આ સામાન્ય વાત પર કાર માલિક અને જાનૈયાઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને ઉગ્ર ઘર્ષણ શરૂ થયું હતું.

ઘરોમાં ઘૂસીને તોડફોડ કરી
વાત માત્ર બોલાચાલી પૂરતી સીમિત ન રહેતા, બંને પક્ષો વચ્ચે ધીંગાણું શરૂ થયું હતું. રોસે ભરાયેલા અમુક શખ્સોએ કાયદો હાથમાં લીધો હતો. આ જૂથ દ્વારા વરરાજાના પક્ષના અને જાનૈયાઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અંદાજે 3 થી 4 રહેણાંક મકાનોમાં તોફાની તત્વો ઘૂસી ગયા હતા અને બારી-બારણાં તેમજ ઘરવખરીની તોડફોડ કરી હતી. આ હુમલામાં એક મહિલા અને તેના ભાઈને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

ફરિયાદની અદાવતમાં ફરી હુમલો
આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે ભોગ બનનાર પક્ષે હુમલા અંગે ફરિયાદ નોંધાવી, ત્યારે તેની અદાવત રાખીને ફરીથી તેમના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. એક જૂથે ઘરમાં ઘૂસીને આતંક મચાવતા ગામમાં ભયનો માહોલ ઉભો થયો હતો. સ્થાનિકોએ પણ વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે CCTV ફૂટેજના આધારે તોફાની તત્વોને ઓળખવાની તજવીજ હાથ ધરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગામમાં ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!