ગાંધીનગર મનપાએ ટેક્સ ચોરી રોકવા હાઈટેક પ્લાન બનાવ્યો છે. હવે ડ્રોન અને AIની મદદથી મિલકતોનો સર્વે થશે અને સેકન્ડોમાં ગેરકાયદે બાંધકામ પકડાશે. જાણો આ નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે અને તમારી મિલકત પર શું અસર થશે.

ગાંધીનગર, સોમવાર
જો તમે ગાંધીનગરમાં રહો છો અને ટેક્સ બચાવવા માટે વધારાનું બાંધકામ છુપાવી રહ્યા છો, તો હવે ચેતી જજો. સ્માર્ટ સિટી ગાંધીનગર હવે સાચા અર્થમાં સ્માર્ટ અને હાઈટેક બનવા જઈ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ મિલકત વેરાની ચોરી રોકવા અને ગેરકાયદે દબાણોને પકડવા માટે ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક જેવી તૈયારી કરી લીધી છે. હવે સરકારી બાબુઓ ઘરે-ઘરે ફરવાને બદલે આકાશમાંથી ડ્રોન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મદદથી તમારા ઘરનું માપ લેશે.
ત્રીજી આંખ કેવી રીતે કામ કરશે?
ગાંધીનગર મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના ઘણા લોકો મંજૂરી કરતા વધારે બાંધકામ કરી લે છે અથવા તો રહેણાંક મકાનનો ઉપયોગ દુકાન કે ઓફિસ (કોમર્શિયલ) તરીકે કરે છે. દરેક ગલીમાં જઈને તપાસ કરવી મુશ્કેલ હોવાથી હવે ટેકનોલોજીનો ઉપયોગ થશે. આ નવી સિસ્ટમમાં સૌથી પહેલા આખા શહેરનું હાઈ-રિઝોલ્યુશન કેમેરાવાળા ડ્રોનથી 3D મેપિંગ કરવામાં આવશે. કોર્પોરેશનના કોમ્પ્યુટરમાં જૂના પ્લાન અને ટેક્સનો ડેટા પહેલેથી જ હશે. જ્યારે ડ્રોન તમારી મિલકતનો નવો ફોટો કે વિડીયો લેશે, ત્યારે AI સિસ્ટમ માત્ર સેકન્ડોમાં જ જૂના રેકોર્ડ સાથે તેની સરખામણી કરી લેશે. પતરાના શેડ કે બાલ્કની પણ પકડાઈ જશે, આ ટેકનોલોજી એટલી પાવરફુલ હશે કે નાની અમથી ભૂલ પણ પકડાઈ જશે. જો કોઈએ ધાબા પર મંજૂરી વગર પતરાનો શેડ નાખ્યો હશે.
બાલ્કની કવર કરી દીધી હશે કે વધારાનો રૂમ બનાવી દીધો હશે. મંજૂર થયેલા પ્લાન કરતા એકાદ ફૂટ પણ વધારે બાંધકામ કર્યું હશે. આવું કઈ પણ ધ્યાનમાં આવશે તો AI તે ભાગને ફોટામાં તરત જ લાલ રંગ (Red Mark) થી માર્ક કરી દેશે. આ પ્રોજેક્ટથી માત્ર ટેક્સ જ નહીં પણ ટાઉન પ્લાનિંગના નિયમોનું પાલન પણ કડક રીતે કરાવી શકાશે.
લાગવગશાહી ખતમ થશે
ઘણીવાર ગેરકાયદે બાંધકામ પકડાય ત્યારે લોકો રાજકીય ભલામણો કે વ્હાલા દવલાની નીતિ અપનાવીને છટકી જતા હોય છે. પરંતુ આ સિસ્ટમમાં બધો ડેટા અને ફોટા પુરાવા સાથે ઓનસ્ક્રીન જનરેટ થશે. FSI કરતા વધુ બાંધકામ કે માળની સંખ્યામાં ફેરફાર સીધો સર્વર પર દેખાશે, જેના કારણે ડેટામાં છેડછાડ કરવી કે લાગવગ લગાડવી મુશ્કેલ બની જશે.
તિજોરી છલકાશે: 7 કરોડનો ફાયદો
ગાંધીનગર મનપાની હદ વધતા આવકમાં મોટો ફાયદો થયો છે. આંકડાઓ પર નજર કરીએ તો શહેરમાં નવી 11,966 મિલકતો ઉમેરાઈ છે, જેનાથી કોર્પોરેશનને Rs 7.05 કરોડનો સીધો ફાયદો થયો છે. રહેણાંક મિલકતોમાં 10,151 નો વધારો થયો છે. ગત વર્ષે 1,66,890 મિલકતો હતી જે વધીને હવે 1,77,044 થઈ છે. કોમર્શિયલ મિલકતો પણ વધીને 35,302 થઈ છે. કુલ મિલકતોની સંખ્યા 2024-25 ની સરખામણીએ વધીને 2,12,343 થઈ છે. નાણાકીય વર્ષ 2025-26 માટે મિલકત વેરાનું કુલ માંગણું Rs 85,09,34,583 પર પહોંચ્યું છે. તંત્રએ અત્યાર સુધીમાં Rs 64,05,91,747 ની વસૂલાત પણ કરી લીધી છે. આ વધારાની આવકથી શહેરના વિકાસ કાર્યોને નવો વેગ મળશે. આમ, ગાંધીનગર હવે ટેકનોલોજીના સથવારે વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા જઈ રહ્યું છે, ત્યારે મિલકતધારકોએ પણ નિયમોનું પાલન કરવું અનિવાર્ય બની રહેશે.











