અંબાજીમાં ભક્તિનો મહાસાગર! 3 દિવસમાં 3.90 લાખ ભક્તોએ કરી પરિક્રમા, ગબ્બર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો

અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ભક્તિભાવ પૂર્વક સંપન્ન થયો છે. 3 દિવસમાં 3.9 લાખ ભક્તોએ ગબ્બર પર પરિક્રમા કરી હતી. જાણો મહોત્સવની રોચક વિગતો અને આંકડાઓ.

અંબાજી, સોમવાર
યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું સમાપન થઈ ગયું છે. છેલ્લા ત્રણ દિવસથી ગબ્બર પર્વત અને આસપાસના વિસ્તારમાં શ્રદ્ધાનું જાણે ઘોડાપૂર ઉમટ્યું હતું. અરવલ્લીની ગીરીમાળાઓ બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠી હતી. આ મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

3 દિવસમાં લાખો ભક્તોએ લીધો લાભ
મહોત્સવના છેલ્લા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરીએ માઘી પૂનમ હોવાથી ભક્તોનો સૌથી વધુ ધસારો જોવા મળ્યો હતો. સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, માત્ર માઘી પૂનમના દિવસે જ 1.43 લાખ ભક્તોએ પરિક્રમા કરી હતી. જ્યારે સમગ્ર ત્રણ દિવસના મહોત્સવ દરમિયાન કુલ 3.9 લાખ ભક્તોએ ગબ્બર પર 51 શક્તિપીઠની પરિક્રમા પૂરી કરી ધન્યતા અનુભવી હતી. આખા મહોત્સવ દરમિયાન અંબાજીમાં કુલ 5.01 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.

પરિક્રમા કરનાર ભક્તોના આંકડા:
પ્રથમ દિવસ: 69,283 ભક્તો
બીજો દિવસ: 96,735 ભક્તો
ત્રીજો દિવસ: 1.43 લાખ ભક્તો
આ ઉપરાંત, અંબાજી મંદિરમાં પણ દર્શનાર્થીઓની ભારે ભીડ રહી હતી. છેલ્લા દિવસે 90,181 ભક્તોએ દર્શન કર્યા હતા, જ્યારે રોપ-વે સેવાનો લાભ 16,378 લોકોએ લીધો હતો.

દર્શન સ્પર્ધા અને ઇનામોની વણઝાર
મહોત્સવને વધુ રસપ્રદ બનાવવા માટે તંત્ર દ્વારા દર્શન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1012 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધા ઓપન, એમ્પ્લોઈ, બોયઝ અને ગર્લ્સ એમ ચાર કેટેગરીમાં યોજાઈ હતી. વિજેતાઓ પર પણ માતાજીની સાથે સાથે ઇનામોની કૃપા વરસી હતી:

પ્રથમ ઇનામ: 5100 રૂપિયા
બીજું ઇનામ: 3100 રૂપિયા
ત્રીજું ઇનામ: 2100 રૂપિયા

આ સિવાય ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન સ્વરૂપે 200 રૂપિયા અને પ્રમાણપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા.

લાખો ભક્તો માટે ભોજન અને પ્રસાદની વ્યવસ્થા
આટલી વિશાળ સંખ્યામાં આવતા યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર ખડેપગે રહ્યું હતું. યાત્રિકો માટે 4 થી વધુ સ્થળોએ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં અંબિકા ભોજનાલય, આરટીઓ સર્કલ, જીએમડીસી ગ્રાઉન્ડ અને કોલેજ રોડ જેવા મુખ્ય પોઈન્ટ્સ પર ડોમ ઉભા કરાયા હતા.

મહોત્સવ દરમિયાન 1.34 લાખ ભક્તોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદ લીધો હતો.
1.44 લાખ મોહનથાળના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
12,198 ચીકીના પેકેટ ભક્તોને અપાયા હતા.
ટ્રાફિકની સમસ્યા અને પોલીસની કામગીરી

માઘી પૂનમ અને મહોત્સવનો છેલ્લો દિવસ હોવાથી વહેલી સવારથી જ ગબ્બર માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસ તંત્રએ સતર્કતા દાખવીને થોડા જ કલાકોમાં ટ્રાફિક હળવો કરી દીધો હતો અને વ્યવસ્થા જાળવી રાખી હતી. સમગ્ર આયોજન દરમિયાન ભક્તોએ શિસ્તબદ્ધ રીતે દર્શન અને પરિક્રમાનો લ્હાવો લીધો હતો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!