સરપંચ બનવાની લાલચે બાપ બન્યો હત્યારો, દીકરીની હત્યાનો હચમચાવી દેનારો ખુલાસો

મહારાષ્ટ્રના નિઝામાબાદમાં સરપંચ ચૂંટણી લડવા માટે એક બાપે પોતાની દીકરીની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસે કર્યો છે.

મહારાષ્ટ્ર, બુધવાર
મહારાષ્ટ્રમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે માનવતા અને સમાજ બંનેને હચમચાવી દે એવો છે. સરપંચની ચૂંટણી લડવાની લાલચમાં એક વ્યક્તિએ પોતાની જ સગી દીકરીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે સમગ્ર કેસ ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, નિઝામાબાદ જિલ્લાના કેરૂર ગામનો રહેવાસી પાંડુરંગ સરપંચની ચૂંટણી લડવા માગતો હતો. પરંતુ રાજ્યમાં લાગુ બે સંતાનના કાયદા મુજબ તેને ચૂંટણી લડવાની મંજૂરી નહોતી, કારણ કે તેને કુલ ત્રણ સંતાનો હતા. આ અયોગ્યતા તેને સતત કચોટતી હતી.

આ સમસ્યામાંથી બહાર આવવા માટે પાંડુરંગે અમાનવીય નિર્ણય લીધો. તેણે પોતાની દીકરી પ્રાચીને નિઝામાબાદ જિલ્લાના અડાપલ્લી નજીક આવેલી નિઝામસાગર નહેર પાસે લઈ જઈ કેનાલમાં ધક્કો મારી દીધો. પાણીમાં ડૂબી જતાં પ્રાચીનું ઘટનાસ્થળે જ મોત થયું.

પ્રાથમિક રીતે આ ઘટનાને અકસ્માત બતાવવાનો પ્રયાસ થયો હતો. પરંતુ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સમગ્ર સચ્ચાઈ બહાર આવી. કડક પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ કર્યો, જેના બાદ પાંડુરંગની ધરપકડ કરવામાં આવી.

આ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો કે ઘટનાથી પહેલાં પાંડુરંગે હાલના સરપંચ ગણેશ શિંદે સાથે વાતચીત કરી હતી. આ આધારે પોલીસે ગણેશ શિંદેની પણ ધરપકડ કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે કે હત્યામાં કોઈ અન્ય વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં.

માત્ર ચૂંટણી લડવા માટે એક બાપે પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારી દેવાની આ ઘટના સમગ્ર સમાજ માટે ચેતવણી સમાન છે. પરિવાર, ગામ અને આસપાસના વિસ્તારમાં શોક સાથે ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે. આ કિસ્સાએ સત્તાની લાલચ કેટલી ભયાનક બની શકે છે તેનો કડવો સત્ય સામે લાવી દીધો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!