UPSC એ વર્ષ 2026ની પરીક્ષા માટે નવા અને કડક નિયમો જાહેર કર્યા છે. હવે કાર્યરત IAS અને IFS અધિકારીઓ ફરી પરીક્ષા આપી શકશે નહીં. જાણો IPS માટેના નવા નિયમો અને AI સુરક્ષા વિશેની સંપૂર્ણ વિગત.

અમદાવાદ, ગુરૂવાર
સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા 4 ફેબ્રુઆરી 2026ના રોજ સિવિલ સેવા પરીક્ષા (CSE) માટેનું સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે આયોગે પરીક્ષાના નિયમો અને સુરક્ષા વ્યવસ્થામાં કેટલાક એવા મોટા ફેરફારો કર્યા છે, જેની સીધી અસર અત્યારે નોકરી કરી રહેલા અધિકારીઓ અને નવા ઉમેદવારો પર પડશે.
IAS અને IFS અધિકારીઓ માટે હવે દરવાજા બંધ
નવા નિયમો મુજબ, જે ઉમેદવારો અગાઉની પરીક્ષા પાસ કરીને IAS (ભારતીય વહીવટી સેવા) અથવા IFS (ભારતીય વિદેશ સેવા) માં જોડાઈ ગયા છે, તેઓ હવે 2026ની પરીક્ષામાં બેસી શકશે નહીં. એટલું જ નહીં, જો કોઈ ઉમેદવાર પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરી લે અને મુખ્ય પરીક્ષા (Mains) પહેલા તેની નિમણૂક આ સેવાઓમાં થઈ જાય, તો તે મુખ્ય પરીક્ષા આપવા માટે લાયક ગણાશે નહીં.
IPS અધિકારીઓ માટે પણ આ વખતે નિયમો કડક બનાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ પહેલાથી જ IPS તરીકે ફરજ બજાવે છે, તો તે 2026ની પરીક્ષા પાસ કર્યા પછી ફરીથી IPS કેડર પસંદ કરી શકશે નહીં. તેણે અન્ય સેવાઓનો વિકલ્પ જ પસંદ કરવો પડશે.
જૂના અધિકારીઓ માટે 2027 સુધીની છેલ્લી તક
જે અધિકારીઓ 2025 કે તેનાથી પહેલા UPSC પાસ કરીને IAS, IPS કે IRS જેવી સેવાઓમાં જોડાયા છે, તેમને સરકારે થોડી રાહત આપી છે. આવા અધિકારીઓ પોતાના બાકી રહેલા પ્રયત્નો (Attempts) વર્ષ 2026 અને 2027 દરમિયાન વાપરી શકશે. આ બે વર્ષમાં પરીક્ષા આપવા માટે તેમણે પોતાની વર્તમાન નોકરીમાંથી રાજીનામું આપવાની જરૂર રહેશે નહીં. પરંતુ જો તેઓ 2028માં પરીક્ષા આપવાનું વિચારશે, તો તેમણે પહેલા ફરજ પરથી રાજીનામું આપવું પડશે.
ટ્રેનિંગ અને મંજૂરીના નવા નિયમો
જો કોઈ ઉમેદવાર 2026ની પરીક્ષામાં સફળ થઈને ‘ગ્રુપ A’ સેવામાં પસંદ થાય છે અને વધુ સારા રેન્ક માટે 2027માં ફરી પરીક્ષા આપવા માંગે છે, તો તેણે જે-તે વિભાગ પાસેથી ‘ટ્રેનિંગમાંથી મુક્તિ’ (Exemption) લેવી પડશે. જો કોઈ ઉમેદવાર આવી સત્તાવાર મંજૂરી લીધા વગર ટ્રેનિંગમાં ગેરહાજર રહેશે, તો તેનું 2026નું આવેદન રદ ગણવામાં આવશે. વધુમાં, 2027માં સફળ થયા પછી ઉમેદવારે બેમાંથી એક જ સેવાની પસંદગી કરવાની રહેશે.
AI અને બાયોમેટ્રિક સુરક્ષાથી સજ્જ હશે પરીક્ષા
પરીક્ષામાં થતી ગેરરીતિઓ રોકવા માટે UPSC હવે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરશે. હવેથી પરીક્ષા કેન્દ્રો પર AI આધારિત ‘ફેશિયલ રિકોગ્નિશન’ અને ‘આધાર વેરિફિકેશન’ ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉમેદવારો માટે એક નવું ચાર તબક્કાનું પોર્ટલ તૈયાર કરાયું છે જે સીધું આધાર સાથે જોડાયેલું હશે, જેથી કોઈ અન્ય વ્યક્તિ પરીક્ષા ન આપી શકે.
શૈક્ષણિક લાયકાત
IAS માટે: કોઈપણ વિષયમાં સ્નાતક (Bachelor’s Degree) હોવું જરૂરી છે.
IFS માટે: એનિમલ હસબન્ડરી, બોટની, કેમિસ્ટ્રી અથવા મેથેમેટિક્સ જેવા ચોક્કસ વિષયો સાથેની સ્નાતકની ડિગ્રી અનિવાર્ય છે.
UPSC દ્વારા કરવામાં આવેલા આ ફેરફારોનો મુખ્ય હેતુ સેવાઓની ફાળવણીમાં પારદર્શિતા લાવવાનો અને ટેકનોલોજી દ્વારા પરીક્ષાની સુરક્ષા મજબૂત કરવાનો છે.











