રાજકોટના હેમુ ગઢવી હોલમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકને લઈને ભારે હોબાળો. કોંગ્રેસે સ્ટેજ પર તોડફોડ કરી, પોલીસે 40 કાર્યકર્તાઓની અટકાયત કરી. જાણો વિગતવાર સમગ્ર મામલો.

રાજકોટ, રવિવાર
રાજકોટમાં શુક્રવારે રાત્રે એક નાટકના મંચન દરમિયાન ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. શહેરના જાણીતા હેમુ ગઢવી હોલ ખાતે 7 ફેબ્રુઆરીની રાત્રે ‘હું નથુરામ ગોડસે’ નાટક ભજવવામાં આવનાર હતું, પરંતુ શો શરૂ થાય તે પહેલાં જ હોલમાં જબરદસ્ત બબાલ થઈ ગઈ હતી.
શું હતી સમગ્ર ઘટના?
નાટક શરૂ થાય તે પહેલાં જ રાજકોટ શહેર કોંગ્રેસ અને NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં હોલ પર પહોંચી ગયા હતા. કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વાત એટલી વધી ગઈ હતી કે તેઓ સીધા સ્ટેજ પર ચડી ગયા હતા. ગુસ્સે ભરાયેલા કાર્યકરોએ નાટકના સેટ પર તોડફોડ કરી હતી, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.
મામલો વધુ બિચકતા પોલીસ કાફલો વચ્ચે પડ્યો હતો. પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ અને રકઝકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોંગ્રેસના યુવા કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધ ચાલુ રહેતા અંતે પોલીસે કડક કાર્યવાહી કરી હતી.
40 કાર્યકર્તાઓની અટકાયત
હોલ પર હંગામો મચાવવા અને તોડફોડ કરવા બદલ પોલીસે ઘટનાસ્થળેથી જ આશરે 40 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીના ગુજરાતમાં ગોડસેનું મહિમા મંડન નહીં ચાલે: કોંગ્રેસ
આ ઉગ્ર વિરોધ પાછળનું કારણ જણાવતા કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે. આ નાટકના માધ્યમથી બાપુના હત્યારા નથુરામ ગોડસેને ‘હીરો’ તરીકે રજૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે અમે ક્યારેય સાંખી લઈશું નહીં. કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ‘ગાંધીના ગુજરાત’માં ગોડસેના ગુણગાન ગાતા કાર્યક્રમો ચલાવી લેવામાં આવશે નહીં. કોંગ્રેસના પ્રવક્તાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, “આઝાદ ભારતના પહેલા આતંકવાદી નથુરામ ગોડસેને હીરો કેવી રીતે બનાવી શકાય? અમે રાજ્યમાં ક્યાંય પણ આ શો થવા દઈશું નહીં.”
નાટકના નિર્માતાનો બચાવ
બીજી તરફ, નાટકના આયોજકો અને નિર્માતાએ આ વિરોધ સામે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, “જે લોકો પોતાને ગાંધીવાદી ગણાવે છે, તેઓ હિંસાનો માર્ગ કેમ અપનાવી રહ્યા છે?” નિર્માતાએ સ્પષ્ટતા કરી હતી કે, લોકો નાટક જોયા વગર જ ખોટી રીતે વિરોધ કરી રહ્યા છે. આ નાટકનો હેતુ કોઈને નીચા દેખાડવાનો કે નવો વિવાદ ઉભો કરવાનો નથી, પરંતુ માત્ર ઐતિહાસિક પાસા રજૂ કરવાનો છે.
જામનગરમાં શો, વિરોધની ભીતિ
રાજકોટમાં થયેલા આ તણાવ બાદ હવે નાટકના ભવિષ્ય પર પ્રશ્નાર્થ મુકાયો છે. 8 ફેબ્રુઆરીએ જામનગરમાં પણ આ નાટકનો શો યોજાવાનો છે. જોકે, કોંગ્રેસના આક્રમક મૂડને જોતા જામનગરમાં પણ વિરોધ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જ્યાં પણ આ નાટક યોજાશે, ત્યાં તેઓ વિરોધ નોંધાવશે.










