અમદાવાદમાં 15 ફેબ્રુઆરીથી ‘અનાજ ATM’ અને ‘ડિજિટલ કાર્ડ’ સિસ્ટમ શરૂ થશે. અમિત શાહના હસ્તે રાણીપ, ચાંદલોડિયા અને નારણપુરામાં આ ક્રાંતિકારી પ્રોજેક્ટનો પ્રારંભ થશે, જેનાથી ભ્રષ્ટાચાર અટકશે.

અમદાવાદ, ગુરૂવાર
ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો પર થતી ગેરરીતિઓ અને અનાજની ચોરી રોકવા માટે સરકાર હવે ટેકનોલોજીનો આશરો લઈ રહી છે. આગામી 15 ફેબ્રુઆરીથી રાજ્યની રેશનિંગ વ્યવસ્થામાં એક ઐતિહાસિક પરિવર્તન આવવા જઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના મહાત્મા મંદિરથી અમદાવાદના સાબરમતી વિસ્તાર માટે ‘અનાજ ATM’ અને ‘ડિજિટલ કાર્ડ’ સિસ્ટમનું ઈ-લોકાર્પણ કરશે.
હવે તોલમાં નહીં થાય કોઈ પાપ, મશીન આપશે સચોટ માપ
અત્યાર સુધી રેશનકાર્ડ ધારકોએ દુકાનદાર પાસે જઈને અનાજ લેવું પડતું હતું, જ્યાં ઘણીવાર ઓછું વજન મળતું હોવાની ફરિયાદો ઉઠતી હતી. પરંતુ હવે નવી વ્યવસ્થા મુજબ, ATM જેવા મશીનમાંથી સીધું જ 1 કિલોના પેકિંગમાં અનાજ બહાર આવશે. આ મશીન દ્વારા લાભાર્થીને તેમના હકનું પૂરેપૂરું અનાજ મળશે, જેથી તોલમાં થતી ગેરરીતિ કે કાપકૂપના કિસ્સાઓ ભૂતકાળ બની જશે. સરકારનો આગામી લક્ષ્યાંક આ સુવિધાને 24×7 ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી શ્રમિક વર્ગ પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે અનાજ મેળવી શકે.
‘ડિજિટલ કાર્ડ’ થી બોગસ રેશનકાર્ડનો ખેલ ખતમ
ઘણીવાર એક જ વ્યક્તિના નામે અનેક કાર્ડ અથવા મૃત વ્યક્તિઓના નામે અનાજ ઉપાડી લેવાની ફરિયાદો ઉઠતી હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે સરકાર ‘ડિજિટલ કાર્ડ’ સિસ્ટમ લાવી રહી છે.
દરેક સાચા લાભાર્થીને એક સ્પેશિયલ કાર્ડ આપવામાં આવશે.
આ કાર્ડના આધારે જ ATM માંથી અનાજ મેળવી શકાશે.
આ વ્યવસ્થાથી ડુપ્લિકેશન અટકશે અને અનાજ સીધું જરૂરિયાતમંદ પરિવારો સુધી જ પહોંચશે.
પેકિંગમાં મળશે દાળ અને ચણા, ગુણવત્તામાં સુધારો
દુકાનદારો દ્વારા હલકી ગુણવત્તાનું અનાજ આપવાની કે સ્ટોક નથી તેમ કહીને ગ્રાહકોને ધક્કા ખવડાવવાની ફરિયાદોને સરકારે ગંભીરતાથી લીધી છે. હવેથી ચણા અને તુવેર દાળ છૂટક આપવાને બદલે સીલબંધ 1 કિલોના પેકિંગમાં જ આપવામાં આવશે. આ નિર્ણયથી કાળાબજારી પર લગામ લાગશે અને ગરીબ પરિવારોને શુદ્ધ ખોરાક મળશે.
અમદાવાદના આ વિસ્તારોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ
આ નવી સિસ્ટમનો પ્રાયોગિક ધોરણે અમલ અમદાવાદના સાબરમતી વિધાનસભા હેઠળ આવતા ત્રણ મુખ્ય વિસ્તારોમાં કરવામાં આવશે:
રાણીપ
ચાંદલોડિયા
નારણપુરા
જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે, તો ટૂંક સમયમાં જ સમગ્ર ગુજરાતમાં આ ‘અનાજ ATM’ અને ડિજિટલ કાર્ડની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. રાજ્ય સરકારના આ ક્રાંતિકારી પગલાથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ટેકનોલોજીના માધ્યમથી રેશનિંગ વ્યવસ્થાને પારદર્શક બનાવવાનો આ પ્રયાસ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની દિશામાં એક મોટું પગલું છે. હવે ગરીબોના હકનું અનાજ સીધું તેમના હાથમાં પહોંચશે, વચેટિયાઓનો ખેલ હવે પૂરો થશે.










