Bomb Threat: અમદાવાદ-વડોદરાની સ્કૂલોમાં ફરી બોમ્બની ધમકીથી હડકંપ, બાળકોને ઘરે મોકલાયા, જુઓ લિસ્ટ

અમદાવાદ અને વડોદરાની 16થી વધુ નામાંકિત સ્કૂલ-કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. બાળકોને તાત્કાલિક ઘરે મોકલી દેવાયા છે. કઈ-કઈ સ્કૂલોનું નામ છે લિસ્ટમાં? જાણો વિગતે.

અમદાવાદ, સોમવાર
સોમવારની સવાર ગુજરાતના વાલીઓ અને તંત્ર માટે ચિંતાજનક સાબિત થઈ છે. અમદાવાદ અને વડોદરામાં ફરી એકવાર સ્કૂલ અને કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઈલ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ધમકી મળતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી રજા આપી દીધી છે અને પોલીસ કાફલો તપાસમાં જોતરાઈ ગયો છે.

વડોદરામાં કઈ સ્કૂલો નિશાના પર?
વડોદરા શહેરમાં શિક્ષણ જગત માટે આજે ભયનો માહોલ છે. શહેરની જાણીતી એવી ઉર્મિ સ્કૂલ, ડી.આર. અમીન, નાલંદા, જીવનસાધના, શાનેન સ્કૂલ અને નવયુગ સ્કૂલને ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે. આ સમાચાર મળતા જ સંચાલકોએ કોઈ પણ જોખમ લીધા વિના બાળકોને સ્કૂલમાંથી બહાર કાઢી સુરક્ષિત રીતે ઘરે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. એટલું જ નહીં, સાવચેતીના ભાગરૂપે ઉર્મિ સ્કૂલની હોસ્ટેલને પણ તાત્કાલિક ખાલી કરી દેવામાં આવી છે.

અમદાવાદની 16 જેટલી સ્કૂલોમાં પોલીસનું ચેકિંગ
બીજી તરફ અમદાવાદમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. શહેરના પોશ વિસ્તારો ગણાતા બોપલ, વસ્ત્રાપુર, સેટેલાઇટ અને મકરબા વિસ્તારની લગભગ 16 જેટલી શાળાઓને ટાર્ગેટ કરવામાં આવી છે. જે સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓને ધમકી મળી છે, તેમાં નીચેના નામો સામેલ છે:

તુલીપ સ્કૂલ (બોપલ)
SGVP ગુરુકુળ
સિલ્વર બેલ સ્કૂલ
નિરમા યુનિવર્સિટી
AG હાઈ સ્કૂલ
JG ઇન્ટરનેશનલ સ્કૂલ
વિદ્યાનગર સ્કૂલ
દિવાન બલ્લુભાઈ સ્કૂલ
સીએન સ્કૂલ
ખાલસા લિટલ સ્કૂલ (બાપુનગર)
એશિયા સ્કૂલ
DAV સ્કૂલ
એ વન સ્કૂલ
અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલ
સંત કબીર સ્કૂલ (નવરંગપુરા)
જીવીબા સ્કૂલ (ઘોડાસર)

ચાલુ પરીક્ષાએ દોડધામ અને વાલીઓનો જીવ તાળવે
સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ DAV સ્કૂલમાં જોવા મળી હતી, જ્યાં વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી હતી. ધમકીની જાણ થતાં જ સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓને મેસેજ અને કોલ કરીને જાણ કરી હતી. પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત વાલીઓ સ્કૂલ પર દોડી આવ્યા હતા. હાલમાં આ તમામ સ્કૂલોની બહાર સિક્યુરિટી વધારી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવ્યું છે.

પોલીસ એક્શન મોડમાં
ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદ અને વડોદરા બંને શહેરોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. હાલમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોવાના સમાચાર નથી, પરંતુ તંત્ર કોઈ કચાસ રાખવા માંગતું નથી.

અગાઉ પણ મળી હતી આવી ધમકી
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે ગુજરાતની સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવી હોય. હજુ થોડા સમય પહેલાં જ એટલે કે 23 જાન્યુઆરી, 2026ના રોજ પણ અમદાવાદની સંત કબીર, ડીપીએસ બોપલ, અને સેન્ટ ઝેવિયર્સ લોયોલા જેવી નામાંકિત સ્કૂલોને આવા જ ધમકીભર્યા મેઈલ મળ્યા હતા.

આ વખતના ઈમેઈલમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે, ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન છે, તમારા બાળકોને બચાવી લો’. આ પ્રકારના લખાણને કારણે પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે કે આખરે આ ઈમેઈલ કોના દ્વારા અને ક્યાંથી મોકલવામાં આવી રહ્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!