ચિંતાજનક: સરકારી કચેરીઓમાં જાતીય સતામણીમાં ગુજરાત દેશમાં બીજા નંબરે, મોટાભાગની ફરિયાદોનો હજુ કોઈ નિકાલ નહીં

ગુજરાતની સરકારી કચેરીઓમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? કેન્દ્ર સરકારના ‘શી’ (SHe) બોક્સ પોર્ટલના આંકડા ચોંકાવનારા છે. જાતીય સતામણીની ફરિયાદોમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. જાણો કેટલા કેસ નોંધાયા અને કેટલા ઉકેલાયા.

ગાંધીનગર, સોમવાર
સરકારી કચેરીઓમાં નોકરી કરતી મહિલાઓની સુરક્ષાને લઈને અવારનવાર સવાલો ઉઠતા રહે છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારના ‘શી’ (SHe) બોક્સ પોર્ટલ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓએ ગુજરાતની ચિંતામાં વધારો કર્યો છે. સરકારી કચેરીઓમાં થતી જાતીય સતામણીની ફરિયાદોના મામલે ગુજરાત સમગ્ર દેશમાં બીજા નંબરે આવ્યું છે. સૌથી વધુ હેરાન કરનારી બાબત એ છે કે ફરિયાદ તો નોંધાય છે, પણ તેનો નિકાલ ગોકળગાયની ગતિએ થઈ રહ્યો છે.

ફરિયાદોનો ભરાવો: 7 માંથી માત્ર 1 નો જ નિકાલ
મળતી માહિતી મુજબ, સરકારી કચેરીઓ અથવા સરકાર સાથે જોડાયેલી એજન્સીઓમાં કામ કરતી મહિલાઓ માટે ફરિયાદ કરવા ‘શી’ (SHe) બોક્સ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ પર 29 ઓગસ્ટ, 2024 થી અત્યાર સુધીમાં ગુજરાતમાંથી કુલ 7 ફરિયાદો મળી છે. આંકડો ભલે નાનો લાગે, પરંતુ તેની ગંભીરતા મોટી છે.

આશ્ચર્યજનક વાત એ છે કે, છેલ્લા દોઢ વર્ષના સમયગાળામાં નોંધાયેલી આ 7 ફરિયાદોમાંથી માત્ર 1 જ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે. બાકીની 6 ફરિયાદો હજુ પણ પેન્ડિંગ છે. મતલબ કે, પીડિત મહિલાઓ હજુ પણ ન્યાયની રાહ જોઈને બેઠી છે અને તંત્ર દ્વારા કોઈ આખરી નિર્ણય કે ચુકાદો આપવામાં આવ્યો નથી.

દેશમાં કયું રાજ્ય કયા ક્રમે?
આંકડાઓ પર નજર કરીએ તો, જાતીય સતામણીની ફરિયાદોમાં દક્ષિણ ભારતનું કર્ણાટક રાજ્ય સૌથી આગળ છે. જ્યારે ગુજરાત અને રાજસ્થાન સંયુક્ત રીતે બીજા ક્રમે છે.
પ્રથમ ક્રમ: કર્ણાટક (10 ફરિયાદો)
બીજો ક્રમ: ગુજરાત અને રાજસ્થાન (7 ફરિયાદો)
ત્રીજો ક્રમ: મહારાષ્ટ્ર (6 ફરિયાદો)
દેશભરમાં શું છે સ્થિતિ?

માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં સરકારી કચેરીઓમાં આ મામલે સ્થિતિ સુધારવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન આખા ભારતમાં સરકારી કચેરીઓમાંથી જાતીય સતામણીની કુલ 79 ફરિયાદો ‘શી’ બોક્સ પર નોંધાઈ છે. તેમાંથી માત્ર 23 ફરિયાદોનો જ નિકાલ થઈ શક્યો છે, જ્યારે 56 ફરિયાદો હજુ પણ પેન્ડિંગ બોલી રહી છે.

આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા માટે માત્ર કાયદા બનાવવા પૂરતા નથી, પરંતુ ફરિયાદોનો ઝડપી નિકાલ થાય તે પણ એટલું જ જરૂરી છે. ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં જ્યારે મોટાભાગના કેસો અનિર્ણિત હોય, ત્યારે તંત્રની કામગીરી પર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!