ચીને સિચુઆનના પહાડો કોતરીને ગુપ્ત પરમાણુ પ્લાન્ટ બનાવ્યો હોવાનો સેટેલાઈટ તસવીરોમાં ખુલાસો થયો છે. જાણો ડ્રેગનની આ હરકત ભારત અને અમેરિકા માટે કેમ ચિંતાનો વિષય છે. વાંચો સંપૂર્ણ રિપોર્ટ.

ચીન, મંગળવાર
ચીન હંમેશા પોતાની ગતિવિધિઓને દુનિયાથી છુપાવવામાં માહિર રહ્યું છે, પણ આ વખતે અવકાશમાંથી લેવાયેલી તસવીરોએ ડ્રેગનની પોલ ખોલી નાખી છે. ચીનની આ નવી હરકત જોઈને માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા અને અન્ય દેશોની ચિંતામાં પણ વધારો થયો છે. વાત જાણે એમ છે કે, ચીને પહાડો ખોદીને એક મોટો પરમાણુ પ્લાન્ટ તૈયાર કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સેટેલાઈટ તસવીરોએ ખોલી ડ્રેગનની પોલ
તાજેતરમાં સામે આવેલી સેટેલાઈટ તસવીરોએ સુરક્ષા એજન્સીઓના કાન સરવા કરી દીધા છે. એક રિપોર્ટ અનુસાર, 2022 થી 2026 સુધીના સમયગાળાનું અનુમાન લગાવતી આ તસવીરો દર્શાવે છે કે ચીન સિચુઆન પ્રાંતમાં અત્યંત ગુપ્ત રીતે પરમાણુ પ્લાન્ટ બનાવી ચૂક્યું છે. જિયોસ્પેશિયલ ઈન્ટેલિજન્સ એક્સપર્ટ્સનું માનવું છે કે 2019 પછી ચીને પરમાણુ હથિયારો બનાવવાની ગતિ ખૂબ વધારી દીધી છે. આ માત્ર સેનાની તાકાત વધારવાની વાત નથી, પણ વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો પણ છે.
પહાડ કોતરીને બનાવ્યા બંકર અને સુરંગો
ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા ‘જીટૉન્ગ’ નામના વિસ્તારમાં જે બાંધકામ જોવા મળ્યું છે તે ચોંકાવનારું છે. અહીં બે મોટી પહાડીઓ અને ખીણોની વચ્ચે મોટા-મોટા બંકર બનાવવામાં આવ્યા છે. આખા વિસ્તારમાં પાઈપલાઈનનું મોટું નેટવર્ક પાથરવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે, આ કોઈ સામાન્ય કન્સ્ટ્રક્શન નથી પણ પહાડ ખોદીને તૈયાર કરાયેલું ન્યુક્લિયર ફેસિલિટી સેન્ટર છે. આ સ્થળ પર ‘હાઈ એક્સપ્લોઝિવ ટેસ્ટિંગ સેન્ટર’ પણ હોવાની શંકા છે, જ્યાં ધડાકા કરવા છતાં તેની શોક વેવ બહાર સુધી ખાસ અસર કરતી નથી, જેના કારણે દુનિયાને તેની જાણ જલ્દી થતી નથી.
અમેરિકાને પહેલાથી જ હતી શંકા
આ વાત સાવ નવી નથી. અમેરિકાએ 2020માં જ દાવો કર્યો હતો કે ચીન દુનિયાની નજર ચૂકવીને ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે રશિયા અને ચીને અમેરિકા સાથે પરમાણુ હથિયારોના નિયંત્રણ માટે કરાર કરવો જોઈએ. જોકે, ચીન પોતાની સૈન્ય તાકાત વધારવાની ધૂનમાં કોઈની વાત સાંભળવા તૈયાર નથી. હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે પણ પરમાણુ હથિયારોને લઈને તણાવ ચાલી રહ્યો છે, તેવામાં ચીનની આ હરકત બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે.
પરમાણુ હથિયારોનો ભંડાર: ડરામણા આંકડા
પેન્ટાગોનના અંદાજ મુજબ ચીન જે ઝડપે આગળ વધી રહ્યું છે તે જોતા વર્ષ 2026ના અંત સુધીમાં ચીન પાસે 500 થી વધુ પરમાણુ હથિયારો હોઈ શકે છે. ડ્રેગનનું લક્ષ્ય 2030 સુધીમાં આ આંકડો ડબલ કરીને 1,000 સુધી પહોંચાડવાનું છે. જોકે, રાહતની વાત એ છે કે હાલમાં ચીન અમેરિકા અને રશિયા કરતા ઘણું પાછળ છે. નિષ્ણાતોના મતે આવનારા 10 વર્ષમાં પણ ચીન રશિયાની બરાબરી કરી શકે તેમ નથી.
ભારત માટે કેમ છે ચિંતાનો વિષય?
આપણા પાડોશી દેશમાં ચાલી રહેલી આવી હલચલ ભારત માટે સીધું ટેન્શન છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના નિષ્ણાતોના મતે જીટૉન્ગ અને પિંગટોંગમાં ચાલી રહેલું બાંધકામ ખરેખર ચિંતાજનક છે. અહીં એક નવું કોમ્પલેક્સ પણ બની રહ્યું છે. ચીનનો ઈરાદો સ્પષ્ટ છે તે પોતાની સેનાને આધુનિક બનાવીને સુપરપાવર બનવા માંગે છે. ભારતની સરહદ નજીક આવી ગતિવિધિઓ ભવિષ્યમાં સુરક્ષા માટે મોટો પડકાર બની શકે છે.











