ગાંધીનગરમાં રેત માફિયાઓ બેફામ. ખાણ ખનિજ વિભાગના મહિલા અધિકારીઓ પર ડમ્પર ચઢાવી હત્યાનો પ્રયાસ કરાયો. વણઝારા ગેંગ સામે 4.33 લાખનો દંડ અને પેથાપુરમાં ગુનો દાખલ.

ગાંધીનગર, ગુરૂવાર
ગાંધીનગરમાં ખનિજ માફિયાઓ જાણે કાયદાના ડર વગર બેફામ બની ગયા છે. ખાણ અને ખનિજ વિભાગના મહિલા અધિકારીઓ પર ડમ્પર ચઢાવીને તેમની હત્યા કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ ઘટના જાણે કોઈ બોલિવૂડ ફિલ્મનો સીન હોય તેવી રીતે બની હતી.
પિપળજ ચેકપોસ્ટથી શરૂ થઈ ભાગદોડ
ગાંધીનગર કચેરીમાં માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી નવ્યા સુધીશ અને તેમની ટીમ પિપળજ ચેકપોસ્ટ પર ફરજ પર હતા. આ સમયે નંબર પ્લેટ વગરનું એક શંકાસ્પદ ડમ્પર ત્યાંથી પસાર થયું. જ્યારે ટીમે તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ચાલકે વાહન રોકવાના બદલે મહિલા અધિકારી પર પૂરઝડપે ડમ્પર ચઢાવી દેવાની કોશિશ કરી અને તેને ભગાડી મૂક્યું.
રસ્તા પર 60 ટન રેતી ઠાલવી અને સરકારી ગાડીને ટક્કર મારવાનો પ્રયાસ
આ જીવલેણ હુમલાના પ્રયાસ પછી અધિકારીઓએ સરકારી ગાડીમાં ડમ્પરનો ફિલ્મી ઢબે પીછો શરૂ કર્યો. કચેરીમાંથી અન્ય મહિલા રોયલ્ટી ઇન્સ્પેકટર મેહુલા સભાયા પણ તેમની ટીમ સાથે ત્યાં પહોંચ્યા. આ દરમિયાન ક-7 નજીક પહોંચીને ડમ્પર ચાલકે રસ્તા વચ્ચે જ આશરે 60 મેટ્રીક ટન જેટલી રેતી હાઇડ્રોલીક ઉંચુ કરીને ઠાલવી દીધી અને રાંધેજા તરફ ભાગવા લાગ્યો.
જ્યારે બીજી ટીમે ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે ચાલકે હત્યાના ઈરાદે સરકારી ગાડીને સીધી ટક્કર મારવાનો પ્રયાસ કર્યો. આ જ સમયે કાળા કાચવાળી અલ્ટો ગાડી લઈને પ્રકાશ વણઝારા ઉર્ફે પી.કે. વચ્ચે આવી ગયો. તેણે સરકારી ગાડીની આગળ ધીમે ધીમે કાર ચલાવીને રસ્તો રોક્યો, જેથી ડમ્પર ચાલક આસાનીથી ફરાર થઈ શકે.
પોલીસ સ્ટેશનમાં માફિયાની એન્ટ્રી અને ધમકી
આ હુમલા અને સરકારી કામમાં અડચણ બાદ, મહિલા અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી માટે પેથાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા. અહીં એક નાટકીય વળાંક આવ્યો. વણઝારા ગેંગનો મુખ્ય સૂત્રધાર નાગજી વણઝારા કાળા કલરની થાર ગાડીમાં જરાય ડર રાખ્યા વિના પોલીસ મથકે પહોંચી ગયો. તેણે મહિલા અધિકારીઓને બિન્દાસ થઈને કહ્યું કે, “આ ડમ્પર મારું જ છે અને મારા કહેવાથી જ ચાલક ભાગ્યો છે. હું જ ગેરકાયદેસર રેતીની ચોરી કરું છું.” આમ કહીને તે અધિકારીઓ પર સમાધાન માટે દબાણ કરવા લાગ્યો હતો.
અંતે પોલીસે કરી કડક કાર્યવાહી
આ સમગ્ર ઘટનાક્રમ બાદ ખાણ ખનિજ વિભાગે કડક વલણ અપનાવ્યું છે.
દંડની કાર્યવાહી: ખનિજ ચોરી અને નિયમોના ઉલ્લંઘન મામલે વિભાગે કુલ રૂપિયા 4.33 લાખનો તોતિંગ દંડ ફટકાર્યો છે.
ગુનો દાખલ: સરકારી ફરજમાં રૂકાવટ કરવા, કર્મચારીઓ પર ડમ્પર ચઢાવી હત્યાનો પ્રયાસ કરવા અને ગેરકાયદેસર રીતે ખનિજની હેરફેર કરવા બદલ પ્રકાશ વણઝારા અને ડમ્પર ચાલક વિરુદ્ધ પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઘટના દર્શાવે છે કે રેત માફિયાઓના હોંસલા કેટલા બુલંદ છે, પરંતુ સરકારી તંત્રએ કડક પગલાં લઈને દાખલો બેસાડ્યો છે.











