મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા: ઈરાન અને રશિયાના સંયુક્ત યુદ્ધાભ્યાસથી ડોનાલ્ડ ટ્રમ્પનું ટેન્શન વધ્યું

Middle East tension: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઓમાન સાગરમાં ઈરાન અને રશિયાની સંયુક્ત નેવી ડ્રીલથી અમેરિકાની ચિંતા વધી છે. જાણો શું છે સમગ્ર મામલો.

નવી દિલ્હી, ગુરૂવાર
Middle East tension: મધ્ય પૂર્વમાં (Middle East) સ્થિતિ દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ હવે એક નવો અને ખતરનાક વળાંક લઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓમાન સાગર અને ઉત્તરી હિન્દ મહાસાગરમાં ઈરાન હવે રશિયા સાથે મળીને સંયુક્ત યુદ્ધાભ્યાસ (Navy Drill) કરવા જઈ રહ્યું છે. આ મોટા પગલાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતાઓમાં ભારે વધારો કર્યો છે.

અમેરિકાની જંગી તૈયારીઓ
રશિયા અને ઈરાનની આ હિલચાલને જોતા અમેરિકા પણ એલર્ટ મોડ પર છે. અમેરિકાએ મધ્ય પૂર્વમાં પહેલાથી જ પોતાના પ્રચંડ વિમાનવાહક જહાજો અને અન્ય યુદ્ધ જહાજોનો કાફલો ગોઠવી દીધો છે. આટલું જ નહીં, મંગળવારે અમેરિકાએ માત્ર 24 કલાકની અંદર 50 થી વધુ ઘાતક ફાઈટર જેટ્સ પણ આ વિસ્તારમાં તૈનાત કરી દીધા છે.

ક્યારે અને ક્યાં થશે યુદ્ધાભ્યાસ?
ઈરાનની અર્ધસરકારી ન્યૂઝ એજન્સી ‘ફાર્સ’ ના રિપોર્ટ મુજબ, ઈરાન અને રશિયા ગુરુવારે ઓમાન સાગર અને ઉત્તર હિન્દ મહાસાગરમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ ઈરાનની ‘રિવોલ્યુશનરી ગાર્ડ્સ’ દ્વારા પણ આવી જ એક મોટી લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી.

શું છે આ નેવી ડ્રીલનો હેતુ?
ઈરાનના નેવી કમાન્ડર હસન મધસુદલુએ આ સંયુક્ત કવાયત વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નેવી ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો (ઈરાન અને રશિયા) વચ્ચેનો તાલમેલ વધુ મજબૂત કરવાનો છે. સમુદ્રી સુરક્ષા સામે ઉભા થતા ખતરાઓ અને ખાસ કરીને સમુદ્રી આતંકવાદનો જડબાતોડ જવાબ આપવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એક તરફ અમેરિકાના યુદ્ધ જહાજો અને 50 થી વધુ ફાઈટર જેટ્સ મધ્ય પૂર્વમાં પડાવ નાખીને બેઠા છે, તો બીજી તરફ ઈરાનની વહારે હવે રશિયા પણ મેદાનમાં ઉતર્યું છે. આ ‘રશિયન ફેક્ટર’ ઉમેરાતા મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત તંગ અને વિસ્ફોટક બની ગઈ છે. અહીં પરિસ્થિતિ ક્યારે કયું સ્વરૂપ લેશે અને યુદ્ધ ફાટી નીકળશે કે કેમ, તે હાલમાં કહેવું ઘણું મુશ્કેલ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!