ઈરાનના નવા સુપ્રીમ લીડર બન્યા મોજતબા ખામેનેઈ, ખુરશી સંભાળતા જ અમેરિકા અને ઈઝરાયલને આપી ખુલ્લી ધમકી

અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ ઈરાને મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર જાહેર કર્યા છે. સત્તા સંભાળતા જ તેમણે આકરી ધમકી આપી છે. જાણો મોજતબા ખામેનેઈ કોણ છે.

તહેરાન, રવિવાર
અમેરિકા અને ઈઝરાયલના ભયંકર હુમલામાં આયતુલ્લાહ અલી ખામેનાઈના નિધન બાદ ઈરાને હવે પોતાના નવા સર્વોચ્ચ નેતાની જાહેરાત કરી દીધી છે. ખામેનાઈના પુત્ર મોજતબા ખામેનેઈ હવે ઈરાનના નવા સુપ્રીમ લીડર બની ગયા છે. સત્તા હાથમાં આવતાની સાથે જ તેમણે અમેરિકા અને ઈઝરાયલને આકરા શબ્દોમાં ખુલ્લી ધમકી આપીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.

ઈરાનની અત્યંત તાકાતવર ગણાતી એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ દ્વારા એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મોજતબા ખામેનેઈની સત્તાવાર રીતે નવા સુપ્રીમ લીડર તરીકે પસંદગી કરવામાં આવી છે. પિતાના અવસાનથી સત્તામાં જે મોટો શૂન્યાવકાશ ઉભો થયો હતો તેને ભરવા માટે આ ઝડપી નિર્ણય લેવાયો છે. જોકે મોજતબા અગાઉથી જ ઈરાનના રાજકીય અને સૈન્ય માળખા પર પડદા પાછળ રહીને મજબૂત પકડ ધરાવતા હતા. આ કારણસર તેમની આ વરણીની અપેક્ષા નિષ્ણાતો પહેલેથી જ રાખી રહ્યા હતા.

મોજતબા ખામેનેઇનો જન્મ વર્ષ 1969માં મશહદ શહેરમાં થયો હતો. ધાર્મિક વાતાવરણમાં ઉછરેલા મોજતબાએ ઈરાન અને ઈરાક વચ્ચેના યુદ્ધના અંતિમ તબક્કામાં રેવોલ્યુશનરી ગાર્ડમાં પોતાની સેવાઓ આપી હતી. તેઓ તેમના પિતાના અત્યંત નજીકના અને વિશ્વાસુ સલાહકાર માનવામાં આવતા. અત્યાર સુધી તેમણે સરકારમાં કોઈ મોટું કે સત્તાવાર પદ સંભાળ્યું ન હતું પણ મોટાભાગના મહત્ત્વના નિર્ણયો લેવામાં તેમની સીધી દખલ રહેતી હતી.

આ નવી નિમણૂકમાં ઈરાનની સૌથી શક્તિશાળી સૈન્ય પાંખ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGC નો રોલ સૌથી મોટો રહ્યો છે. હાલમાં અમેરિકા અને ઈઝરાયેલ સાથે જે રીતે યુદ્ધનો તણાવ ચરમસીમાએ છે ત્યારે ઈરાની સેનાને એક એવા કડક નેતાની જરૂર હતી જે પિતાની કઠોર નીતિઓને આગળ વધારી શકે. મોજતબા સામે અત્યારે સૌથી મોટો અને કપરો પડકાર ઈઝરાયેલના હુમલાઓનો વળતો જવાબ આપવાનો અને પોતાના દેશની આંતરિક સુરક્ષા જાળવી રાખવાનો છે.

સત્તા સંભાળતા જ મોજતબાએ ઈતિહાસના સૌથી વિનાશક હુમલાની ચેતવણી આપીને દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. તેઓ એક કઠોરપંથી નેતા તરીકેની છાપ ધરાવે છે. તેમના નેતૃત્વમાં ઈરાન આવનારા દિવસોમાં વધુ આક્રમક બની શકે છે. ખાસ કરીને ઈરાનનો વિવાદિત પરમાણુ કાર્યક્રમ અને હિઝબુલ્લાહ તથા હમાસ જેવા એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ જૂથોને મળતા સમર્થન મુદ્દે ઈરાનનું વલણ કેવું રહે છે તેના પર હવે આખી દુનિયાની નજર મંડાયેલી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!