ઈરાન પર સૌથી મોટો હુમલો: અમેરિકા અને ઈઝરાયલના એરસ્ટ્રાઈકમાં સુપ્રીમ લીડર ખામેનેઈનું મોત, 40 દિવસનો રાષ્ટ્રીય શોક

અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનેઈનું મોત. ઈરાની મીડિયા અને IRGC દ્વારા પુષ્ટિ. જાણો યુદ્ધની લેટેસ્ટ અપડેટ.

અમદાવાદ, રવિવાર
મધ્ય પૂર્વના રાજકારણમાં એક એવો વળાંક આવ્યો છે જેની કદાચ થોડા સમય પહેલા કોઈએ કલ્પના પણ નહોતી કરી. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા અત્યંત ભયાનક સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ માર્યા ગયા છે. આ કોઈ અફવા નથી પરંતુ ખુદ ઈરાની મીડિયા અને સેનાએ તેની સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે. ઈરાનની સરકારી ન્યૂઝ ચેનલ પ્રેસ ટીવી અને સેના IRGC તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ હુમલામાં ખામેનેઈ અને તેમના પરિવારના કેટલાક સભ્યોએ જીવ ગુમાવ્યો છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ મોટા ઓપરેશનની સફળતા વિશે માહિતી આપી હતી. તેમણે ખામેનેઈને ઇતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંના એક ગણાવ્યા. ટ્રમ્પના કહેવા મુજબ ઈઝરાયલ સાથે મળીને આ એકદમ સચોટ અને આધુનિક ગુપ્તચર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જેના કારણે ખામેનેઈ અને તેમના સાથીઓ બચી શક્યા નથી. આ ઘટનાને તેમણે ઈરાનની જનતા માટે આઝાદીની એક મોટી તક તરીકે વર્ણવી છે.

આ મોટા સમાચાર બહાર આવતા જ સમગ્ર ઈરાનમાં 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. હુમલાની તીવ્રતા કેટલી ભયંકર હતી તેનો અંદાજો ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવેદન પરથી લગાવી શકાય છે. તેમણે સંકેત આપ્યા છે કે ખામેનેઈ જે જગ્યાએ સંતાયા હતા તે આખો મહેલ જમીનદોસ્ત કરી દેવાયો છે અને કાટમાળમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે.

હવે ઈરાનની અંદરની સુરક્ષા સ્થિતિ ખૂબ જ નાજુક બની ગઈ છે. એવા દાવા થઈ રહ્યા છે કે ઈરાનની ક્રાંતિકારી ગાર્ડ્સ (IRGC), સ્થાનિક પોલીસ અને સેના હવે લડવાની સ્થિતિમાં નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાની સુરક્ષા દળો અમેરિકા પાસે માફી માંગી રહ્યા છે અને શરણાગતિ સ્વીકારવા તૈયાર છે. તેમણે સૈનિકોને ખુલ્લો સંદેશ આપ્યો છે કે જો અત્યારે શરણાગતિ સ્વીકારી લેશે તો તેમને માફી મળી શકે છે અન્યથા મોત નિશ્ચિત છે.

જોકે આ કાર્યવાહી અહીં જ અટકવાની નથી. અમેરિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે મધ્ય પૂર્વમાં લાંબા ગાળાની શાંતિ લાવવાના ઉદ્દેશ્યથી ઈરાનના વ્યુહાત્મક લશ્કરી સ્થળો પર બોમ્બમારો હજુ પણ ચાલુ રહેશે. જરૂર પડશે તો આખું અઠવાડિયું હુમલાઓ ચાલુ રખાશે. માત્ર એક નેતાનું મોત પૂરતું નથી પરંતુ ઈરાનની સૈન્ય તાકાતને સંપૂર્ણપણે ખતમ કરવાની દિશામાં નક્કર કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!