અમદાવાદ સિવિલ હોસ્પિટલનો નવો કીર્તિમાન: કાપા-કૂપી વિના 8 વર્ષના બાળકના આંતરડાની જોખમી ગાંઠ દૂર કરી

એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે 8 વર્ષના બાળકના મોટા આંતરડાની ગાંઠ ઓપન સર્જરી વિના એન્ડોસ્કોપીથી દૂર કરી એક નવો ઈતિહાસ રચ્યો છે.

અમદાવાદ, સોમવાર
એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલે તબીબી ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના નિષ્ણાત તબીબોએ 8 વર્ષના એક બાળકના મોટા આંતરડામાં રહેલી અત્યંત જોખમી ગાંઠ ને ઓપન સર્જરી કર્યા વિના જ સફળતાપૂર્વક દૂર કરી છે. સિવિલ હોસ્પિટલના ઈતિહાસમાં આ પ્રકારની જટિલ પ્રક્રિયા પ્રથમ વખત પાર પાડવામાં આવી છે, જે સરકારી આરોગ્ય સુવિધાઓ માટે એક મોટું ગૌરવ છે.

ઓપન સર્જરી વિના 8 વર્ષના બાળકની સફળ સારવાર
સામાન્ય સંજોગોમાં, આંતરડાની આટલી મોટી ગાંઠને કાઢવા માટે દર્દીનું મોટું ઓપરેશન કરવું પડતું હોય છે. જેમાં દર્દીના શરીર પર મોટો કાપો મૂકવામાં આવે છે અને રિકવરીમાં પણ ઘણો લાંબો સમય લાગે છે. પરંતુ, અમદાવાદ સિવિલના ડૉક્ટરોએ અત્યાધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને એન્ડોસ્કોપી મારફતે આ ગાંઠને કાઢી નાખી છે. તબીબી ભાષામાં આ પ્રક્રિયાને ‘સફળ પોલીપેક્ટોમી’ કહેવામાં આવે છે.

આ આધુનિક અને મિનિમલી ઇનવેસિવ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ થયો કે 8 વર્ષના બાળકને કોઈ જ મોટો કાપો કે ટાંકા આવ્યા નથી, જેથી તે ખૂબ જ ઝડપથી સાજો થઈ શકશે અને તેને રિકવરીમાં પીડાનો સામનો પણ નહીં કરવો પડે.

ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ નવી સુવિધા
સિવિલ હોસ્પિટલમાં આ સફળ ઓપરેશનની સાથે જ દર્દીઓ માટે એક નવી સુવિધાનો પણ શુભારંભ થઈ ગયો છે. હવેથી કોલોનિક પોલીપ જેવી આંતરડાની જટિલ સમસ્યાઓ માટે દર્દીઓએ ઓપન સર્જરી કરાવવાની જરૂર રહેશે નહીં. હોસ્પિટલમાં હવે અપર અને લોઅર GI સ્કોપીની આધુનિક સુવિધા કાર્યરત થઈ ગઈ છે.

ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચે થતી આ અત્યાધુનિક સારવાર હવે સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકો માટે તદ્દન નિઃશુલ્ક (મફત) ઉપલબ્ધ બનશે.

કાપા-કૂપી વિનાની આ જટિલ અને ઐતિહાસિક સર્જરીને સફળતાપૂર્વક પાર પાડવા બદલ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગની સમગ્ર ટીમને ચારેતરફથી ભારે પ્રશંસા અને અભિનંદન મળી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં મળતી આ પ્રકારની વર્લ્ડ ક્લાસ સારવાર સામાન્ય નાગરિકોનો આરોગ્ય તંત્ર પરનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!