ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનું સંકટ: 18થી 20 માર્ચ સુધી આ જિલ્લાઓમાં ભારે પવન સાથે માવઠાની આગાહી

ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 18 થી 20 માર્ચ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી. જાણો કયા જિલ્લામાં કેવું રહેશે વાતાવરણ.

ગાંધીનગર, બુધવાર
ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા માટે હવામાન વિભાગે એક મહત્ત્વની આગાહી કરી છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત વચ્ચે જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 18 થી 20 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ (માવઠું) પડવાની પ્રબળ શક્યતા છે.

18 માર્ચે ક્યાં ક્યાં પલટાશે વાતાવરણ?
હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 17 માર્ચે રાજ્યનું હવામાન સૂકું રહેશે, પરંતુ 18 માર્ચથી વાતાવરણમાં અચાનક પલટો આવશે. આ દિવસે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો પ્રભાવિત થશે.

બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ખેતરોમાં ઉભેલા રવિ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.

19 માર્ચે વરસાદનો વ્યાપ અને જોર વધશે
19 માર્ચનો દિવસ વરસાદની દ્રષ્ટિએ સૌથી વધુ અસરકારક સાબિત થઈ શકે છે. આ દિવસે વરસાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોને ઘમરોળશે.
ઉત્તર અને મધ્ય ગુજરાત: દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત: ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં પણ વરસાદ જોવા મળશે.
સૌરાષ્ટ્ર: રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ તૂટી પડશે.
ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ દિવસે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થશે અને પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે.

20 માર્ચે કેવું રહેશે હવામાન?
20 માર્ચના રોજ પણ વરસાદી માહોલ સંપૂર્ણપણે વિદાય નહીં લે. આ દિવસે સરહદી અને અમુક ચોક્કસ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ચાલુ રહેશે. જોકે, રાહતની વાત એ છે કે 20 માર્ચ પસાર થયા બાદ રાજ્યનું વાતાવરણ ધીમે ધીમે ચોખ્ખું થવાની આશા છે.

તાપમાનમાં થશે ઘટાડો, હાલ રાજકોટ સૌથી ગરમ
હવામાન વિભાગની માહિતી મુજબ, આ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી માહોલની અસરથી આગામી ત્રણ દિવસમાં રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જોકે, વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો પારો ઊંચો છે. હાલમાં રાજકોટમાં સૌથી વધુ 38.3 ડિગ્રી અને અમદાવાદમાં 37.7 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન નોંધાયું છે.

આગામી ત્રણ દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પવન, ગાજવીજ અને કમોસમી વરસાદનો સામનો કરવો પડશે. જેને પગલે ખેડૂતોને પોતાનો તૈયાર પાક અને ખેતપેદાશો સુરક્ષિત જગ્યાએ ખસેડવા તથા લોકોને ખરાબ વાતાવરણમાં સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!