રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી જાહેરમાં હત્યા અને ગેંગવોરના બે મુખ્ય સૂત્રધારોને અમદાવાદ LCB એ સરખેજમાંથી ઝડપી પાડ્યા છે. આ કુખ્યાત આરોપીઓ પર 10 હજારનું ઇનામ હતું. વાંચો શું છે પૂરો મામલો.

અમદાવાદ, સોમવાર
અમદાવાદ પોલીસની LCB ઝોન-7ની ટીમે એક અત્યંત મહત્વનું ઓપરેશન પાર પાડીને રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી ચકચારી ગેંગવોર અને હત્યા કેસના બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી પકડાયેલા આ બંને ગેંગસ્ટરો પર ઉદયપુર પોલીસ દ્વારા 10,000 રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
ઉદયપુર ગેંગવોરનો શું હતો મામલો?
7 એપ્રિલના રોજ રાજસ્થાનના ઉદયપુરના બિચ્છુ ઘાટી વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા મુદ્દે બે કુખ્યાત ગેંગો સામસામે આવી ગઈ હતી. ઉદયપુરમાં સક્રિય ‘જાવેદ દાંતના’ ગેંગ અને ‘નઈમ ઠોકર’ ગેંગ વચ્ચે થયેલી આ લોહિયાળ અથડામણમાં સાહિલ આરીફખાન નામના યુવકની છાતીમાં છરીના ઘા ઝીંકીને જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ મુખ્ય સૂત્રધારો રાજસ્થાન પોલીસની ધરપકડથી બચવા માટે ગુજરાતમાં આવીને છુપાયા હતા.
સરખેજમાં કેવી રીતે ગોઠવી વોચ?
અમદાવાદ LCB ઝોન-7ની ટીમ જ્યારે સરખેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે બાતમીદારો પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે ઉદયપુરના બે શંકાસ્પદ શખસો સરખેજની એક ખાનગી હોટલ પાસે આટાફેરા કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક હોટલ પાસે વોચ ગોઠવી હતી અને જેવી આ બંને શખસો હોટલમાંથી બહાર નીકળ્યા કે તરત જ પોલીસે તેમને ચારેબાજુથી ઘેરીને દબોચી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓનો હિસ્ટ્રીશીટ રેકોર્ડ
પકડાયેલા બંને ગુનેગારો રીઢા છે અને તેમની સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
નઈમુદ્દીન ઉર્ફે નઈમ શેખ (ઉં.વ. 34): આ ‘નઈમ ઠોકર’ ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. તેની સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યા અને લૂંટ સહિતના 15 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
કુંદનસિંહ કુશવાહ (ઉં.વ. 32): આ પણ એક રીઢો ગુનેગાર છે અને તેની સામે પોલીસ ચોપડે હત્યા અને આર્મ્સ એક્ટ જેવા 17 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
રાજસ્થાન પોલીસને જાણ કરવામાં આવી
આ બંને આરોપીઓ લાંબા સમયથી પોલીસને હાથતાળી આપીને નાસતા ફરતા હતા. અમદાવાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને રાજસ્થાન પોલીસને પણ આ સફળતા અંગે જાણ કરી છે. અમદાવાદ પોલીસની આ કામગીરીને પગલે રાજસ્થાનના ગુનેગારોમાં ફફડાટ મચી ગયો છે.











