PM Modi Sikkim Visit: ગંગટોકની સવાર અને ફૂટબોલનો રોમાંચ, પીએમ મોદીએ સિક્કિમના બાળકો સાથે જમાવી રમત

પીએમ નરેન્દ્ર મોદી સિક્કિમના પ્રવાસે છે. ગંગટોકમાં તેમણે સ્થાનિક બાળકો સાથે ફૂટબોલ રમીને દિવસની અનોખી શરૂઆત કરી હતી. જાણો આજના મહત્વના કાર્યક્રમો અને વિકાસ યોજનાઓ વિશે.

સિક્કીમ, મંગળવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે સિક્કિમના બે દિવસીય પ્રવાસે છે અને તેમની આ મુલાકાતનો બીજો દિવસ ખૂબ જ રસપ્રદ રહ્યો છે. મંગળવારે સવારના સમયે ગંગટોકમાં પીએમ મોદી એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. સામાન્ય રીતે પ્રોટોકોલ અને સુરક્ષા વચ્ચે ઘેરાયેલા રહેતા પીએમ મોદી અહીંના સ્થાનિક યુવાનો અને નાના બાળકો સાથે મેદાનમાં ફૂટબોલ રમતા નજરે પડ્યા હતા.

નાનકડા દોસ્તો સાથે ફૂટબોલની મજા
ગંગટોકની આ સુંદર સવારની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે સિક્કિમમાં મારા નાનકડા દોસ્તો સાથે ફૂટબોલ રમવાની મજા જ કંઈક અલગ છે. આ પળોને તેમણે અત્યંત યાદગાર ગણાવી હતી. સ્થાનિક લોકો અને બાળકોમાં પણ દેશના વડાપ્રધાનને પોતાની વચ્ચે આ રીતે રમતા જોઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગંગટોકમાં ભવ્ય રોડ શો અને ઉષ્માભર્યું સ્વાગત
પીએમ મોદી સોમવારે સાંજે જ્યારે ગંગટોક પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. હેલીપેડથી લઈને લોકભવન સુધી યોજાયેલા રોડ શોમાં હજારો લોકો રસ્તાની બંને બાજુએ ઉભા હતા. લોકોના આ પ્રેમ અને ઉત્સાહને જોઈને પીએમ મોદીએ પણ વારંવાર ગાડીમાંથી બહાર આવીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું.

આજના મહત્વના કાર્યક્રમો
પીએમ મોદીની આ મુલાકાત સિક્કિમ માટે ઘણી રીતે ખાસ છે. આજે તેઓ નીચે મુજબના કાર્યક્રમોમાં હાજરી આપશેય

મૈત્રી મંજરી પાર્ક: પીએમ ગંગટોકમાં નવનિર્મિત સ્વર્ણ જયંતિ મૈત્રી મંજરી પાર્કની મુલાકાત લેશે. આ પાર્ક રાજ્યના સુંદર પુષ્પ વારસાને દર્શાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે.

સ્થાપના દિવસની ઉજવણી: પાલજોર સ્ટેડિયમ ખાતે સિક્કિમના 50મા સ્થાપના દિવસના સમાપન સમારોહમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.

વિકાસ યોજનાઓની ભેટ: આ ઐતિહાસિક અવસરે પીએમ મોદી સિક્કિમ માટે 4,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

ગયા વર્ષની અધૂરી ઈચ્છા હવે પૂરી થઈ
નોંધનીય છે કે સિક્કિમના 50મા વર્ષની ઉજવણી ગયા વર્ષે શરૂ થઈ હતી. તે સમયે પણ પીએમ મોદી આવવાના હતા પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર ઉતરી શક્યું નહોતું. ત્યારે તેમણે સિલિગુડીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. જોકે આ વર્ષે તેઓ પોતે રૂબરૂ હાજર રહીને સિક્કિમના લોકો સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે, જે રાજ્યના લોકો માટે ખૂબ જ ગર્વની વાત છે.

રાજકીય કાર્યક્રમોની સાથે પીએમ મોદીનો આ માનવીય અને ખેલપ્રેમી અંદાજ સોશિયલ મીડિયા પર અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સિક્કિમના આ પ્રવાસથી રાજ્યના વિકાસને એક નવી ગતિ મળશે તેવી આશા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!