એપ્રિલમાં જ પારો 40°Cને પાર કરી ગયો છે. વધતી ગરમીમાં હીટ સ્ટ્રોક (લૂ) થી બચવાના 5 મહત્ત્વના ઉપાયો અને શરીરની કૂલિંગ સિસ્ટમ વિશે જાણો અને પોતાને સુરક્ષિત રાખો.

અમદાવાદ, સોમવાર
સવાર પડે ને તડકો દઝાડવા લાગે, બપોરે લૂ ના સુસવાટા અને રાત્રે પણ બફારાથી શાંતિ ન મળે! અત્યારે હીટ વેવનો આ જ ભયાનક ચહેરો જોવા મળી રહ્યો છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં એપ્રિલ મહિનાના અંતમાં જ પારો 40°C ને પાર પહોંચી ગયો છે. નિષ્ણાતોની ચેતવણી છે કે મે અને જૂન મહિનામાં આ ગરમી હજુ પણ વિકરાળ રૂપ ધારણ કરી શકે છે.
પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલી ભયંકર ગરમીમાં આપણું શરીર કેવી રીતે ટકી રહે છે? શા માટે અમુક લોકોને તરત હીટ સ્ટ્રોક લાગી જાય છે, જ્યારે અમુક લોકો સામાન્ય રીતે કામ કરી શકે છે? ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ કે શરીરની સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને ગરમીના આ પ્રકોપથી બચવા આપણે શું કરવું જોઈએ.
હીટ વેવ એટલે શું અને કોને છે સૌથી વધુ ખતરો?
જ્યારે કોઈ વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં અસાધારણ રીતે વધી જાય અને આ સ્થિતિ સતત કેટલાક દિવસો સુધી રહે, તો તેને હીટ વેવ કહેવાય છે. જ્યારે તાપમાન 40°C કે તેથી વધુ થાય ત્યારે તે ગંભીર સ્વાસ્થ્ય સંકટ ઊભું કરે છે. ખાસ કરીને મોટા શહેરોમાં જ્યાં સિમેન્ટ-કોંક્રિટની ઈમારતો અને વાહનોનું પ્રદૂષણ વધારે હોય, ત્યાં આ ગરમી જીવલેણ બની જાય છે. ગરમીથી તો સૌએ સાવચેત રહેવું જોઈએ, પરંતુ બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બીમાર વ્યક્તિઓ (જેમ કે ડાયાબિટીસ કે હાર્ટના દર્દીઓ) માટે આ સમય વધુ કટોકટીભર્યો છે. આવા લોકોના શરીરમાં ગરમીને કંટ્રોલ કરવાની ક્ષમતા નબળી હોય છે.
શરીરની ‘કુદરતી કૂલિંગ સિસ્ટમ’ કેવી રીતે કામ કરે છે?
નિષ્ણાતોના મતે આપણું શરીર એક ‘નેચરલ થર્મોસ્ટેટ’ જેવું છે. સામાન્ય રીતે જ્યારે પણ શરીર ગરમ થાય છે, ત્યારે તે પરસેવો ઉત્પન્ન કરે છે. આ પરસેવો જ્યારે ચામડી પરથી હવામાં ઊડી જાય (બાષ્પીભવન) છે, ત્યારે તે શરીરની ગરમી પણ પોતાની સાથે ખેંચી લે છે, જેનાથી શરીર ઠંડુ થાય છે.
ક્યારે ફેલ થાય છે આ કૂલિંગ સિસ્ટમ?
ગરમી સામે શરીરની લડવાની તાકાત મુખ્યત્વે બે પરિસ્થિતિમાં ઘટી જાય છે:
ભેજ: જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો પરસેવો સરળતાથી સુકાતો નથી. પરિણામે શરીરની ગરમી બહાર નીકળી શકતી નથી.
અતિશય ગરમી: જ્યારે તાપમાન 40°C વટાવી જાય ત્યારે શરીર માટે પૂરતા પ્રમાણમાં પરસેવો બનાવવો અઘરો થઈ જાય છે.
જ્યારે શરીર ગરમીને બહાર કાઢી શકતું નથી, ત્યારે તે વધારાની ગરમી શરીરની અંદર જ જમા થવા લાગે છે. મેડિકલ ભાષામાં તેને ‘હાયપરથર્મિયા’ કહે છે, જે આગળ જતાં જીવલેણ હીટ સ્ટ્રોકનું કારણ બને છે.
હીટ સ્ટ્રોક (લૂ) ના આ લક્ષણોને ક્યારેય હળવાશથી ન લો!
શરીરનું તાપમાન અચાનક ખૂબ વધી જાય અને કૂલિંગ સિસ્ટમ સાવ બંધ પડી જાય તેને હીટ સ્ટ્રોક કહે છે. લોકો ઘણીવાર આને સામાન્ય થાક સમજીને અવગણવાની ભૂલ કરે છે. જો નીચે મુજબના લક્ષણો દેખાય તો તરત સાવધાન થઈ જાવ:
માથામાં સખત અને તીવ્ર દુખાવો થવો
102°F કે તેથી વધારે તાવ આવવો
ઉલટી થવી કે ઉપકા આવવા
શરીરમાં અતિશય નબળાઈ લાગવી
પરસેવો થવાનું બિલકુલ બંધ થઈ જવું (ચામડી એકદમ સૂકી થઈ જવી)
હૃદયના ધબકારા ખૂબ ઝડપી થઈ જવા
ચક્કર આવવા કે બેહોશ થઈ જવું
હીટ સ્ટ્રોકથી બચવાના 5 સરળ અને ચોક્કસ ઉપાયો
શરીરને હાઇડ્રેટ રાખો: ડૉક્ટર્સનું સ્પષ્ટ કહેવું છે કે લૂ થી બચવાનો સૌથી સચોટ રસ્તો છે– ડિહાઇડ્રેશન (પાણીની કમી) થી બચવું. તરસ ન લાગી હોય તો પણ થોડી-થોડી વારે પાણી પીતા રહો જેથી શરીરને ગરમી સામે લડવાની તાકાત મળતી રહે.
સમયનું ખાસ ધ્યાન રાખો: સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી તડકો સૌથી વધુ આકરો હોય છે. આ સમયે કામ વગર ઘરની બહાર જવાનું ટાળો. જો જવું જ પડે તો સાથે પાણીની બોટલ ચોક્કસ રાખો.
યોગ્ય કપડાંની પસંદગી: ઉનાળામાં હંમેશા હળવા રંગના, ઢીલા અને સુતરાઉ (કોટન) કપડાં પહેરો. તેનાથી તમારી ત્વચા મુક્તપણે શ્વાસ લઈ શકશે અને પરસેવો કપડાંમાં શોષાતો રહેશે.
તકલીફ લાગે તો તુરંત આરામ કરો: જો તડકામાં ચક્કર આવે, બેચેની લાગે કે તાવ જેવું ફીલ થાય તો તરત છાંયડામાં કે એસી/પંખા નીચે જતા રહો. ઠંડુ પાણી પીવો અને શરીરના તાપમાનને નીચે લાવવાનો પ્રયાસ કરો.
હોસ્પિટલ જવામાં મોડું ન કરો: જો કોઈ વ્યક્તિની હાલત ગરમીના લીધે વધારે ખરાબ લાગે તો ‘ફક્ત ગરમી જ તો છે, આપોઆપ મટી જશે’ એવું વિચારીને ઘરે ન બેસો. તરત જ દર્દીને ડૉક્ટર પાસે લઈ જાઓ. હીટ સ્ટ્રોક એક ઈમરજન્સી છે અને સમયસરની સારવારથી જ દર્દીનો જીવ બચાવી શકાય છે.
ગરમી દર વર્ષે આવે છે, પરંતુ નાની બેદરકારી મોટું નુકસાન કરી શકે છે. પૂરતું પાણી પીવો, સાવચેત રહો અને તમારા પરિવારને સુરક્ષિત રાખો.











