અમેરિકા અને નાઇજીરીયાની સેનાએ આફ્રિકામાં મોટું સંયુક્ત ઓપરેશન કરીને ISISના બીજા નંબરના સૌથી શક્તિશાળી કમાન્ડર અબુ-બિલાલ અલ-મિનુકીને ઠાર કર્યો છે.

અમેરિકા, શનિવાર
દુનિયાભરમાં આતંકનો પર્યાય બનેલા સંગઠન ઇસ્લામિક સ્ટેટ એટલે કે ISISને લઈને એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે વૈશ્વિક સ્તરે ISISનો બીજા નંબરનો સૌથી શક્તિશાળી કમાન્ડર અબુ-બિલાલ અલ-મિનુકી એક ગુપ્ત સૈન્ય ઓપરેશનમાં માર્યો ગયો છે. આ ઓપરેશન આફ્રિકાના જંગલોમાં અમેરિકા અને નાઇજીરીયાના સૈન્ય દળોએ સાથે મળીને પાર પાડ્યું છે, જેને આતંકવાદ સામેની લડાઈમાં બહુ મોટી સફળતા ગણવામાં આવી રહી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ મિશનની સફળતા અંગેની વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે આ અત્યંત જટિલ મિશન સીધું તેમના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પના લખ્યા અનુસાર, તેમની સૂચનાથી અમેરિકન સૈનિકો અને નાઇજીરીયાના સશસ્ત્ર દળોએ સાથે મળીને ઝીણવટપૂર્વક આયોજન કર્યું અને દુનિયાના સૌથી સક્રિય આતંકવાદીને યુદ્ધના મેદાનમાંથી જ ખતમ કરી દીધો.
અબુ-બિલાલ અલ-મિનુકી આફ્રિકાના જંગલોમાં છુપાઈને એમ વિચારતો હતો કે તે બચી જશે. પરંતુ ગ્લોબલ એજન્સીઓ તેના દરેક પગલા પર નજર રાખી રહી હતી. આ સફળ ઓપરેશન બાદ હવે તે આફ્રિકાના લોકોને ડરાવી નહીં શકે કે અમેરિકા પર કોઈ નવા હુમલાનું પ્લાનિંગ પણ નહીં કરી શકે. તેના ખાતમાથી દુનિયાભરમાં ફેલાયેલું ISISનું આતંકવાદી નેટવર્ક સાવ નબળું પડી ગયું છે. આ મિશનમાં મળેલા શાનદાર સપોર્ટ બદલ પ્રમુખ ટ્રમ્પે નાઇજીરીયા સરકારનો આભાર પણ માન્યો છે.
કોણ હતો અબુ-બિલાલ અલ-મિનુકી?
સંરક્ષણ ક્ષેત્રના અહેવાલો મુજબ, અબુ-બિલાલ અલ-મિનુકી આતંકવાદી સંગઠન ISISમાં ગ્લોબલ ડેપ્યુટી કમાન્ડર હતો, એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં તેનો બીજો નંબર હતો. તે અબુ બક્ર ઇબ્ન મુહમ્મદ ઇબ્ન અલી અલ-મૈનુકી તરીકે પણ ઓળખાતો હતો. આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવા અને તેના માટે ફંડ ભેગું કરવાના ગુનામાં સંડોવાયેલો હોવાના કારણે, વર્ષ 2023માં જ અમેરિકાના વિદેશ મંત્રાલયે એક્ઝિક્યુટિવ ઓર્ડર 13224 હેઠળ તેને બ્લેકલિસ્ટ કરીને તેના પર આકરા આર્થિક અને સૈન્ય પ્રતિબંધો લગાવી દીધા હતા.
આફ્રિકાના 12 દેશોમાં ફેલાયેલું હતું આતંકનું નેટવર્ક
અલ-મૈનુકી મુખ્યત્વે આફ્રિકાના સાહેલ વિસ્તારમાં સક્રિય હતો, જે અંદાજે 12 દેશોમાં ફેલાયેલો છે. તે આફ્રિકામાં સક્રિય આતંકી સંગઠન ISWAPના સિનિયર કમાન્ડર તરીકે કામ કરતો હતો. લેક ચાડ વિસ્તારમાં થતા તમામ આતંકવાદી હુમલાઓનું હેન્ડલિંગ તેની પાસે જ હતું.
સમગ્ર આફ્રિકા ક્ષેત્રમાં ISISના તમામ ઓપરેશન્સની દેખરેખ તે પોતે કરતો હોવાથી તેના મૃત્યુથી આ વિસ્તારમાં સંગઠનને બહુ મોટો ઝટકો લાગ્યો છે અને તેમનું આખું નેટવર્ક વેરવિખેર થઈ ગયું છે. વૈશ્વિક સુરક્ષા એજન્સીઓ આ ઓપરેશનને આગામી સમય માટે એક ટર્નિંગ પોઇન્ટ તરીકે જોઈ રહી છે.










