અમદાવાદમાં 10 મિનિટમાં સામાન મેળવવાની ઉતાવળ પર્યાવરણને ભારે પડી રહી છે. રોજ 4500 લિટર પેટ્રોલનો બગાડ અને 13 હજાર કિલો કાર્બન ઉત્સર્જન ચિંતાનો વિષય બન્યો છે.

અમદાવાદ, શનિવાર
મોબાઈલ સ્ક્રીન પર સહેજ આંગળી અડાડતા જ ગણતરીની મિનિટોમાં કરિયાણું કે દૂધ-શાકભાજી ઘરના દરવાજે આવી જાય, આ સગવડ સાંભળવામાં અને વાપરવામાં ખૂબ સારી લાગે છે. કોરોનાના સમયથી શરૂ થયેલો આ ટ્રેન્ડ હવે આપણી આદત બની ગયો છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે આપણી આ 10 મિનિટની જીદ અમદાવાદ શહેરની હવાને કેટલી ઝેરી બનાવી રહી છે? એક તરફ આપણે ઇંધણ બચાવવાની વાતો કરીએ છીએ, તો બીજી તરફ આ ક્વિક કોમર્સ મોડેલના કારણે માત્ર અમદાવાદમાં જ દરરોજ હજારો લિટર પેટ્રોલનો બિનજરૂરી ધુમાડો થઈ રહ્યો છે.
ઝડપથી સામાન પહોંચાડવાની આ રેસ હવે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે મોટી આફત બનીને સામે આવી રહી છે. ગંભીર બાબત એ છે કે આ આડેધડ વપરાશના કારણે શહેરની હવામાં રોજ ટનબંધ કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાઈ રહ્યો છે, જે લાંબા ગાળે આપણી જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડી રહ્યો છે.
શહેરમાં રોજ થાય છે 1 લાખથી વધુ ઓર્ડર
અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં ઝડપી ડિલિવરી આપતી 5થી 7 મોટી કંપનીઓ સક્રિય છે. આ કંપનીઓએ આખા શહેરમાં અંદાજે 80 જેટલા ડાર્ક સ્ટોર એટલે કે પોતાના નાના ગોડાઉન ઊભા કર્યા છે. એક અંદાજ મુજબ, દરેક વેરહાઉસમાં 40થી 75 ડિલિવરી રાઇડર્સ કામ કરે છે. આ ગણતરીએ જોવા જઈએ તો આખા અમદાવાદમાં 3000થી વધુ ડિલિવરી પાર્ટનર્સ સવારથી રાત સુધી રસ્તા પર દોડતા રહે છે.
આ આખું નેટવર્ક કેવી રીતે કામ કરે છે તે સમજવું પણ જરૂરી છે. 10 મિનિટમાં સામાન પહોંચાડવા માટે ડાર્ક સ્ટોરની આસપાસના 5 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં જ ઓર્ડર લેવામાં આવે છે. આ નાનકડા વિસ્તારમાં જ એક-એક રાઇડર દિવસમાં 30થી વધુ ફેરા મારે છે. આ રીતે આખા શહેરમાં રોજનો ઓર્ડરનો આંકડો 1 લાખને પાર પહોંચી જાય છે.
70 ટકા ફેરા બિનજરૂરી: પર્યાવરણને મોટો ફટકો
રોજિંદા જીવનમાં કેટલીક વસ્તુઓની તાત્કાલિક જરૂર પડી શકે છે, જેમ કે કોઈ દવા અથવા અચાનક મહેમાન આવી જાય ત્યારે દૂધ કે ખાંડ. પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટાભાગના ઓર્ડર એવી વસ્તુઓના હોય છે જેને થોડા કલાકો પછી પણ મેળવી શકાય છે. માત્ર સગવડ મળી રહી છે એટલે લોકો નાની-નાની વસ્તુઓ માટે પણ વારંવાર ઓર્ડર કરે છે.
ખુદ ડિલિવરી રાઇડર્સ પણ સ્વીકારે છે કે તેઓ જે ફેરા મારે છે તેમાંથી 70થી 80 ટકા ફેરા બિનજરૂરી હોય છે. આ બિનજરૂરી દોડધામના કારણે અમદાવાદમાં રોજનું 4500 લિટર પેટ્રોલ નકામું બળે છે. વૈજ્ઞાનિક ગણતરી મુજબ, ટુ-વ્હીલરમાં 1 લિટર પેટ્રોલ બળવાથી વાતાવરણમાં 2.4 કિલો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. એટલે કે, ક્વિક કોમર્સના લીધે અમદાવાદની હવામાં રોજનો 13 હજાર કિલો વધારાનો કાર્બન ડાયોક્સાઇડ ઠલવાઈ રહ્યો છે.
શું છે નુકસાન?
વાહનોમાંથી નીકળતો કાર્બન મોનોઓક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને પીએમ 2.5 જેવા સૂક્ષ્મ કણો અમદાવાદને એક અર્બન હીટ આઇલેન્ડ બનાવી રહ્યા છે. આ ઝેરી વાયુઓ ગરમ હવાને વાતાવરણમાં જ રોકી રાખે છે, જેનાથી શહેરનું તાપમાન સતત વધી રહ્યું છે. તેનાથી શહેરીજનોમાં અસ્થમા, બ્રોન્કાઇટીસ અને હૃદયની બીમારીઓનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
જૂની સ્લોટ સિસ્ટમ અને સ્માર્ટ કોમર્સની જરૂરિયાત
ક્વિક કોમર્સના આગમન પહેલાં પણ ઓનલાઇન સામાન મળતો જ હતો, પણ ત્યારે કામ કરવાની પદ્ધતિ અલગ હતી. કંપનીઓ સવાર, બપોર કે સાંજની સ્લોટ સિસ્ટમ રાખતી હતી. ડિલિવરી પાર્ટનર વેરહાઉસમાંથી એક સાથે 10થી 20 ઓર્ડર લઈને નીકળતો અને એક જ રૂટ પર આવતા તમામ ઘરોમાં સામાન વહેંચી દેતો હતો. એટલે કે જે કામ પહેલાં 1 ફેરામાં થતું હતું, તેના માટે હવે 20 અલગ-અલગ ફેરા કરવા પડે છે. જો ફરીથી આવી સ્માર્ટ સિસ્ટમ અપનાવવામાં આવે તો મોટા પાયે ઇંધણ અને પ્રદૂષણ બંને અટકાવી શકાય તેમ છે.
અમદાવાદમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો નહિવત ઉપયોગ
આ બિઝનેસ મોડેલ રોજગારી આપતું હોવાથી તેને સંપૂર્ણ બંધ કરવું શક્ય નથી, પરંતુ તેનો પર્યાવરણ ફ્રેન્ડલી વિકલ્પ શોધવો જ રહ્યો. ડિલિવરી માટે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સૌથી ઉત્તમ માધ્યમ છે. દેશના અન્ય મોટા શહેરોની સરખામણી કરીએ તો સ્થિતિ નીચે મુજબ છે:
અમદાવાદમાં માંડ 5થી 10 ટકા રાઇડર્સ જ ઇલેક્ટ્રિક વાહનો વાપરે છે. જો સરકાર અને ક્વિક કોમર્સ કંપનીઓ સાથે મળીને કોઈ ચોક્કસ પોલિસી બનાવે અને રાઇડર્સને ઇવી તરફ વાળવામાં આવે, તો જ આ સુવિધા લાંબા સમય સુધી ટકી શકશે. ગ્રાહકો તરીકે આપણે પણ વિચારવાની જરૂર છે કે 10 મિનિટની ઉતાવળ આપણા પોતાના સ્વાસ્થ્યના ભોગે યોગ્ય છે કે નહીં.










