વ્હાઇટ હાઉસ બહાર અંધાધૂંધ ફાયરિંગ: ટ્રમ્પની હાજરીમાં 21 વર્ષીય હુમલાખોર ઠાર, પોતાને ‘યીશુ મસીહ’ સમજતો હતો શખ્સ

અમેરિકાના વ્હાઇટ હાઉસ બહાર પ્રમુખ ટ્રમ્પની હાજરીમાં 21 વર્ષીય યુવકે 25 રાઉન્ડ ફાયરિંગ કર્યું. સિક્રેટ સર્વિસે હુમલાખોરને ઠાર માર્યો. જાણો સમગ્ર ઘટના અને તપાસની વિગતો.

અમેરિકા, રવિવાર
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં આવેલા વ્હાઇટ હાઉસ સંકુલ બહાર શનિવારે સાંજે ભારે દોડધામ મચી ગઈ હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર હાજર હતા, તેવા સમયે બહાર એક 21 વર્ષીય યુવકે અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જોકે, સિક્રેટ સર્વિસના એજન્ટોએ ચપળતા દાખવીને હુમલાખોરને ઘટનાસ્થળે જ ઠાર માર્યો હતો. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટતા કરી છે કે પ્રમુખ ટ્રમ્પ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને હુમલાખોર વ્હાઇટ હાઉસની મુખ્ય સુરક્ષા રેખા ઓળંગવામાં નિષ્ફળ રહ્યો હતો.

બેગમાંથી હથિયાર કાઢી 25 રાઉન્ડ ફાયરિંગ
સ્થાનિક મીડિયા અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે આશરે 6 વાગ્યે 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ નોર્થવેસ્ટ વિસ્તારમાં આ ઘટના બની હતી. એક યુવક બેગ લઈને સિક્રેટ સર્વિસના ચેકપોઇન્ટ તરફ આગળ વધ્યો હતો. સુરક્ષાકર્મીઓ કંઈ સમજે તે પહેલાં તેણે બેગમાંથી પિસ્તોલ અને રિવોલ્વર કાઢીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘટનાસ્થળે હાજર એક રિપોર્ટરના મતે અંદાજે 20 થી 25 રાઉન્ડ ગોળીઓ ચાલવાનો અવાજ સંભળાયો હતો, જ્યારે અન્ય અહેવાલોમાં 3 રાઉન્ડ ફાયરિંગનો ઉલ્લેખ છે.

આ હુમલામાં એક સામાન્ય નાગરિક પણ ઘાયલ થયો છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

હુમલાખોર કોણ હતો? પોતાને ‘યીશુ મસીહ’ સમજતો હતો
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, હુમલાખોરની ઓળખ મેરીલેન્ડના રહેવાસી 21 વર્ષીય નેસિર બેસ્ટ (Nasir Best) તરીકે થઈ છે. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. નેસિર ગંભીર માનસિક બીમારીથી પીડાતો હતો અને પોતાને ‘યીશુ મસીહ’ (Jesus Christ) સમજતો હતો. તે પહેલાથી જ સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો. જૂન 2025 માં સિક્રેટ સર્વિસના એજન્ટોને ધમકી આપવા બદલ તેની અટકાયત થઈ હતી. જુલાઈ 2025 માં પણ તે પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પકડાયો હતો.

વ્હાઇટ હાઉસમાં હાઈ-સિક્યોરિટી લોકડાઉન
ફાયરિંગની ઘટના બાદ તુરંત જ વ્હાઇટ હાઉસને હાઈ-સિક્યોરિટી લોકડાઉન હેઠળ લઈ લેવામાં આવ્યું હતું. સુરક્ષાના ભાગરૂપે સિક્રેટ સર્વિસની સ્નાઈપર ટીમોને છત પર તૈનાત કરવામાં આવી હતી અને નોર્થ લોન વિસ્તારમાં હથિયારધારી એજન્ટોએ સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. સુરક્ષાના કારણોસર વ્હાઇટ હાઉસના પ્રેસ બ્રીફિંગ રૂમને પણ તાત્કાલિક બંધ કરી દેવાયો હતો અને પત્રકારોને અંદર જ રહેવાની સૂચના અપાઈ હતી. રિપબ્લિકન પાર્ટીએ સોશિયલ મીડિયા પર ‘Thank God Trump is Safe’ લખીને સિક્રેટ સર્વિસનો આભાર માન્યો હતો.

FBI અને સિક્રેટ સર્વિસ સંયુક્ત તપાસ કરશે
ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડાયરેક્ટર કાશ પટેલે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે FBI ની ટીમ સિક્રેટ સર્વિસ સાથે મળીને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન ક્વામે મમદાનીએ આ ઘટના પર આઘાત વ્યક્ત કરતા કહ્યું કે, “આપણા લોકશાહીમાં રાજકીય હિંસા માટે કોઈ સ્થાન નથી.”

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!