Heatwave Alert: ગુજરાતમાં 42 ડિગ્રીને પાર તાપમાન, તેલંગાણામાં હીટસ્ટ્રોકથી 16ના મોત

ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી. તેલંગાણામાં હીટસ્ટ્રોકથી 16 લોકોના મોત. દિલ્હીમાં 45 ડિગ્રીને પાર તાપમાન. જાણો ક્યાં ક્યાં લૂનું એલર્ટ છે.

નવી દિલ્હી, રવિવાર
દેશના મોટાભાગના રાજ્યો હાલમાં કાળઝાળ ગરમી અને અસહ્ય લૂ (હીટવેવ) ની ચપેટમાં આવી ગયા છે. શનિવારે દેશના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્સિયસને પાર નોંધાયો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પણ વટાવી ગયું છે. હવામાન વિભાગે (IMD) ચેતવણી આપી છે કે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં રવિવારથી તાપમાનમાં હજુ પણ વધુ વધારો થવાની સંભાવના છે.

ગુજરાતમાં પણ ભારે ગરમી
ગુજરાતમાં પણ ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યના 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જતું રહ્યું છે. જેમાં રાજકોટમાં 42.7 ડિગ્રી નોંધાયું હતું જે સૌથી ગરમ શહેર બની ગયું હતું. અમદાવાદમાં તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું હતું. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ દિવસ બાદ તાપમાનમાં આંશિક ઘટાડો શરૂ થશે.

તેલંગાણામાં ગરમીએ લીધો 16 લોકોનો ભોગ
ગરમીના કારણે દેશમાં સ્થિતિ ચિંતાજનક બની રહી છે. તેલંગાણાના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે રાજ્યના સાત જિલ્લાઓમાં લૂ લાગવાને (હીટસ્ટ્રોક) કારણે અત્યાર સુધીમાં 16 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ ભયાનક સ્થિતિને જોતા પંજાબના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. બલબીર સિંહે તમામ સરકારી હોસ્પિટલોને હીટસ્ટ્રોક મેનેજમેન્ટ માટે સમર્પિત વોર્ડ અથવા યુનિટ શરૂ કરવાના આદેશ આપ્યા છે, જ્યાં આઈસ પેક અને જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક રાખવામાં આવે.

દિલ્હી અને રાજસ્થાનમાં પારો 45 ડિગ્રીને પાર, હોસ્પિટલો ફૂલ
દિલ્હી-એનસીઆર (NCR) ની હોસ્પિટલોમાં ગરમી અને લૂ સંબંધિત બીમારીઓના દર્દીઓની સંખ્યામાં અચાનક મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં પણ ગરમીનો પારો આસમાને છે, જ્યાં છેલ્લા 24 કલાક દરમિયાન 44.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ચિત્તોડગઢ રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.

હરિયાણાના રોહતકમાં મહત્તમ તાપમાન 44.1 ડિગ્રી સેલ્સિયસ, હિંસારમાં 42.4 ડિગ્રી અને અંબાલામાં 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબના ભટીંડામાં પારો 43.8 ડિગ્રી, લુધિયાણામાં 41.2 ડિગ્રી અને અમૃતસરમાં 40.5 ડિગ્રી નોંધાયો છે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

પહાડી રાજ્ય હિમાચલમાં પણ લૂનું એલર્ટ, ઝારખંડમાં વરસાદની સંભાવના
ગરમીની અસર હવે પહાડી રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. શિમલા હવામાન કેન્દ્ર દ્વારા 26 અને 27 મેના રોજ હિમાચલ પ્રદેશના ઊના, બિલાસપુર, હમીરપુર, કાંગડા, સોલન અને સિરમૌર જેવા જિલ્લાઓમાં લૂ ચાલવાની આશંકા વ્યક્ત કરીને ‘યેલો એલર્ટ’ જાહેર કરાયું છે. જોકે પશ્ચિમી વિક્ષોભના (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) કારણે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે.

બીજી તરફ હવામાન વિભાગે સોમવાર માટે ઝારખંડના ત્રણ જિલ્લાઓ – ગઢવા, પલામુ અને ચતરા માટે લૂનું એલર્ટ આપ્યું છે. ધનબાદ સહિતના અન્ય કેટલાક જિલ્લાઓમાં રવિવારે વરસાદને લઈને ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!