અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી સામાન વેચતું રેકેટ ઝડપાયું. ક્રાઇમ બ્રાંચે 3 શખસોને ઝડપી પાડ્યા. નકલી સિગારેટ, અમૂલ ઘી અને મસાલા સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં જાણીતી અને ભરોસાપાત્ર બ્રાન્ડ્સના નામે ગ્રાહકોને નકલી સામાન પધરાવીને પૈસા કમાવતી એક ટોળકીને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી છે. આરોપીઓ ઓરિજિનલ જેવું જ દેખાતું પેકિંગ અને લોગો વાપરીને સસ્તા ભાવે ખરીદેલો ડુપ્લિકેટ માલ ઊંચા ભાવે વેચતા હતા. પોલીસે આ કેસમાં 3 શખસોની ધરપકડ કરી છે અને કોપીરાઇટ એક્ટના ભંગનો ગુનો નોંધ્યો છે.
બેંગ્લોરની એજન્સીએ આપી બાતમી, ડમી ગ્રાહક બનીને થઈ ધરપકડ
આખું ઓપરેશન બેંગ્લોરમાં રહેલી એક ઓથોરાઇઝ્ડ એજન્સીની બાતમી પર થયું હતું. એજન્સીના અધિકારીને ખબર મળી હતી કે અમદાવાદમાં જાણીતી ટોબેકો કંપનીની નકલી સિગારેટ વેચાઈ રહી છે.
આ બાતમીના આધારે એજન્સીના અધિકારીએ ડમી ગ્રાહક બનીને આરોપીઓનો સંપર્ક કર્યો. મોટા જથ્થામાં માલ લેવાના બહાને તેઓને એસ.જી. હાઇવે પર આવેલા સોલા ભાગવત ગેટ નજીક બોલાવ્યા. ત્યાં પહેલાથી જ વોચ ગોઠવીને બેઠેલી ક્રાઇમ બ્રાંચની ટીમે કાર લઈને આવેલા ત્રણેય શખસોને ઘેરી લીધા.
કારમાંથી મળ્યો લાખોનો નકલી સામાન
પોલીસે આરોપીઓ પાસેથી મોટો જથ્થો જપ્ત કર્યો હતો. કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે ત્યાં ફક્ત નકલી સિગારેટ જ નહીં, પરંતુ રોજિંદા ઉપયોગમાં આવતી અનેક જાણીતી વસ્તુઓના નકલી પેકેટ મળી આવ્યા હતા.
સિગારેટના 44 મોટા પેકેટ
અમૂલ ઘીના 15 પાઉચ
ચાના 12 પેકેટ
ડિટર્જન્ટના 14 પેકેટ
મસાલાના 60 પેકેટ
બીડીના 15 પેકેટ
પોલીસે કુલ 3,09,197 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ રીતે ચાલતું હતું કૌભાંડ
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર સુજીત પોદ્દારે કબૂલાત કરી હતી કે તે અલગ-અલગ સ્થાનો પરથી સસ્તા ભાવે આ ડુપ્લિકેટ માલ ખરીદી લાવતો હતો. ત્યારબાદ અરુણકુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા મારફતે આ સામાન છૂટક ગ્રાહકો અને નાના દુકાનદારોને ઓરિજિનલ ભાવે વેચી દેવામાં આવતો હતો.
આ પ્રકારનું નકલી સામાનનું વેચાણ ખાલી કંપનીઓની શાખ બગાડતું જ નથી, પરંતુ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરે છે. ક્રાઇમ બ્રાંચે હવે નકલી સામાન ક્યાં તૈયાર થતો હતો અને ક્યાંથી સપ્લાય થતો હતો તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટના ભંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











