ગુજરાતના મુન્દ્રા દરિયાકાંઠે ATS અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન. શંકાસ્પદ જહાજમાંથી દરિયામાં ફેંકાયેલું 1150 કરોડ રૂપિયાનું 115 કિલો કોકેઈન જપ્ત. જાણો આ ડ્રગ્સ કેસની સંપૂર્ણ વિગતો.

કચ્છ, બુધવાર
ગુજરાતનો દરિયાકાંઠો જાણે ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ દેશની સુરક્ષા એજન્સીઓ પણ આ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવવા માટે સતત એલર્ટ મોડ પર કામ કરી રહી છે. તાજેતરમાં જ ગુજરાતના મુન્દ્રા દરિયાકાંઠેથી 1150 કરોડ રૂપિયાનું હાઈ-ક્વોલિટી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે.
અંધારી રાત્રે પાર પડાયું સિક્રેટ ઓપરેશન
મળતી માહિતી મુજબ, 25 અને 26 મે ની મધ્યરાત્રિએ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મુન્દ્રા એન્કરેજ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન એજન્સીઓની નજર ‘એમવી યુરોપ’ નામના એક શંકાસ્પદ કન્ટેનર જહાજ પર પડી.

જહાજ પર ચાલી રહેલી શંકાસ્પદ હિલચાલ દરમિયાન, કોઈએ દરિયામાં 5 બેગ ફેંકી દીધી હતી. એજન્સીઓએ ત્વરિત કાર્યવાહી કરીને આ શંકાસ્પદ બેગ દરિયામાંથી બહાર કાઢી લીધી હતી.
ઓપરેશનની મુખ્ય હાઈલાઈટ્સ
કયું ડ્રગ્સ મળ્યું?: બેગ ખોલીને તપાસ કરવામાં આવતા તેમાંથી સફેદ પાવડર મળી આવ્યો હતો. જેનું ટેસ્ટિંગ કરતા તે અસલી ‘કોકેઈન’ હોવાનું કન્ફર્મ થયું છે.
કેટલો જથ્થો પકડાયો?: સુરક્ષા અધિકારીઓએ કુલ 115 કિલો કોકેઈન જપ્ત કર્યું છે.
કેટલી છે કિંમત?: પકડાયેલા આ 115 કિલો કોકેઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 1150 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
આગળની તપાસ શરૂ
આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. હાલમાં ‘એમવી યુરોપ’ નામના આ જહાજને મુન્દ્રા પોર્ટ પર લાવવામાં આવ્યું છે. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું અને કોને પહોંચાડવાનું હતું, તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે વિવિધ કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ કામે લાગી ગઈ છે.
ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનું આ એક બહુ મોટું કમબેક ઓપરેશન ગણી શકાય. નોંધનીય છે કે, ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે એજન્સીઓ સતત સક્રિય છે. છેલ્લા 5 વર્ષના આંકડા પર નજર કરીએ તો, કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS નું આ 15મું સૌથી મોટું અને સફળ એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન છે.











