ભારત માટે ચિંતાના સમાચાર: બેંગલુરુમાં ‘ઇબોલા’ વાયરસનો શંકાસ્પદ કેસ, યુગાન્ડાથી આવેલી મહિલા આઇસોલેટ

ભારતમાં ઘાતક ઇબોલા વાયરસનો ખતરો! બેંગલુરુ એરપોર્ટ પર યુગાન્ડાથી આવેલી 28 વર્ષીય મહિલામાં શંકાસ્પદ લક્ષણો દેખાતા આઇસોલેટ કરાઈ. સેમ્પલ પુણે NIV મોકલાયા.

નવી દિલ્હી, બુધવાર
કોરોના મહામારીના ભયાનક દિવસો હજુ લોકો ભૂલ્યા નથી ત્યાં વિશ્વ સમક્ષ વધુ એક અત્યંત જીવલેણ વાયરસનો નવો ખતરો આવીને ઊભો રહ્યો છે. આફ્રિકાના દેશોમાં હાહાકાર મચાવનારો ઘાતક ‘ઇબોલા’ (Ebola) વાયરસ હવે ભારતની સરહદ સુધી પહોંચી ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ઇબોલા વાયરસનો એક અત્યંત શંકાસ્પદ કેસ સામે આવતા જ આખા દેશનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.

આફ્રિકન દેશ યુગાન્ડાથી બેંગલુરુ આવેલી એક 28 વર્ષીય મહિલામાં ઇબોલા જેવા પ્રાથમિક લક્ષણો જોવા મળ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા આરોગ્ય વિભાગે તેને તાત્કાલિક ધોરણે સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં ખસેડી દીધી છે અને એરપોર્ટ પર સર્વેલન્સ વધારી દીધું છે.

એરપોર્ટ પર હેલ્થ સ્ક્રીનિંગ દરમિયાન ફૂટ્યો ભાંડો
મળતી માહિતી મુજબ, આ 28 વર્ષની મહિલા 23 મેના રોજ યુગાન્ડાથી ફ્લાઈટ પકડીને બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) પર ઉતરી હતી. એરપોર્ટ પર એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (APHO) ની ટીમ દ્વારા નિયમ મુજબ પ્રવાસીઓનું રૂટિન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું હતું.

આ તપાસ દરમિયાન ડૉક્ટરોને ધ્યાને આવ્યું કે મહિલાને અતિશય અશક્તિ, ભયંકર થાક અને આખા શરીરમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. જોકે, રાહતની વાત એ હતી કે સ્ક્રીનિંગ વખતે તેને તાવ નહોતો. પરંતુ, તે જે દેશમાંથી આવી રહી હતી ત્યાં હાલ ઇબોલાનો ભારે પ્રકોપ હોવાથી તંત્રએ સહેજ પણ આળસ દાખવી નહીં. પ્રોટોકોલને ફોલો કરીને મહિલાને તાત્કાલિક બેંગલુરુની ઇન્દિરાનગર સરકારી હોસ્પિટલના સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દેવામાં આવી હતી.

હાઈ-સિક્યોરિટી લેબ પુણે NIV ખાતે મોકલાયા નમૂના
આ ચિંતાજનક ઘટના અંગે કર્ણાટક આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ઋત્વિક રંજનમ પાંડેએ સત્તાવાર નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, “અમે અત્યારથી જ આ કેસ 100 ટકા ઇબોલાનો જ છે તેવું કહી શકીએ નહીં. પરંતુ એરપોર્ટ પર મહિલાના શરીરના લક્ષણો અને તેની ટ્રાવેલ હિસ્ટ્રી જોતા અમે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા નથી માગતા.”

મહિલાના લોહીના સેમ્પલ લઈને દેશની સૌથી સુરક્ષિત ગણાતી પુણે સ્થિત ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી’ (NIV) લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે, પરંતુ જ્યાં સુધી પુણે લેબમાંથી રિપોર્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી તેને કોઈ પણ સંજોગોમાં રજા આપવામાં આવશે નહીં. સુરક્ષા માટે 24 કલાક પછી તેના ફરીથી સેમ્પલ લઈને ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવશે.

WHO નું ગ્લોબલ એલર્ટ: કર્ણાટક સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન
આફ્રિકન દેશોમાં ઇબોલાની વણસતી સ્થિતિને જોઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ 17 મેના રોજ જ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડા માટે “ઇન્ટરનેશનલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી” જાહેર કરી દીધી છે.

આ વૈશ્વિક ચેતવણી બાદ કર્ણાટક સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટે નવી કડક ગાઈડલાઈન જાહેર કરી દીધી છે.

21 દિવસનું આઇસોલેશન: આફ્રિકા અથવા ઇબોલા પ્રભાવિત દેશોમાંથી આવતા દરેક મુસાફરોએ ફરજિયાત 21 દિવસ સુધી પોતાના ઘરમાં જ ‘સેલ્ફ-મોનિટરિંગ’ (સ્વ-નિરીક્ષણ) કરવાનું રહેશે.

એરપોર્ટ પર કડકાઈ: બેંગલુરુ સહિત દેશના તમામ પ્રમુખ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થર્મલ સ્કેનિંગ અને ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવાનું કામ ડબલ શિફ્ટમાં શરૂ કરી દેવાયું છે.

કેટલો ખતરનાક છે ઇબોલા વાયરસ? તેના લક્ષણો જાણો
ઇબોલા એ સામાન્ય વાયરસ નથી, પરંતુ મેડિકલ સાયન્સની ભાષામાં તેને અત્યંત જીવલેણ ‘હેમરેજિક ફીવર’ માનવામાં આવે છે. આ વાયરસ વન્ય જીવો (જેમ કે ચામાચીડિયા કે વાંદરા) માંથી માણસોમાં આવે છે અને પછી લાળ, લોહી કે સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્ક દ્વારા બીજા માણસોમાં રોકેટ ગતિએ ફેલાય છે.

ઇબોલાના મુખ્ય લક્ષણો

અચાનક તીવ્ર તાવ આવવો.

માથામાં અસહ્ય દુખાવો અને સ્નાયુઓ જકડાઈ જવા.

શરીરમાં ભારે નબળાઈ અને સતત ઉલ્ટી-ઝાડા થવા.

રોગ ગંભીર બને ત્યારે દર્દીના શરીરની અંદરના અંગો અને બહાર (નાક, કાન કે આંખ) માંથી લોહી નીકળવા લાગે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!