31 મે 2026ના રોજ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ‘માઇક્રો બ્લુ મૂન’ દેખાશે. જાણો શ્રેષ્ઠ સમય, ખાસિયત અને શા માટે આ ઘટના દર અઢી વર્ષે માત્ર એક જ વાર બને છે.

ગુજરાત, ગુરુવાર
અંગ્રેજીમાં એક જાણીતી કહેવત છે – “Once in a blue moon.” એટલે કે ક્યારેક જ થાય તેવી દુર્લભ ઘટના. આ કહેવત જે ખગોળીય ઘટના પરથી પ્રચલિત થઈ છે, તે અદ્ભુત નજારો 31 મે 2026ના રોજ ગુજરાત સહિત આખા ભારતના આકાશમાં જોવા મળવાનો છે. અધિક જ્યેષ્ઠ મહિનાની પૂનમની રાતે આકાશમાં ‘બ્લુ મૂન’ ઝળહળશે. આ વખતે તો આ ઘટના વધુ ખાસ છે, કારણ કે વૈજ્ઞાનિકો તેને ‘માઇક્રો બ્લુ મૂન’ નામ આપી રહ્યા છે.
ગુજરાતમાં ક્યાંથી દેખાશે?
ખગોળપ્રેમીઓ માટે રાહતની વાત એ છે કે આ નજારો જોવા માટે કોઈ ખાસ સ્થળે જવાની જરૂર નથી. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા કે ગુજરાતના કોઈ પણ ખૂણેથી, જો વાદળ ન હોય અને આકાશ સાફ હોય, તો નરી આંખે આ બ્લુ મૂન જોઈ શકાશે. ટેલિસ્કોપની પણ કોઈ જરૂર નથી.
જોવાનો શ્રેષ્ઠ સમય કયો?
ખગોળશાસ્ત્રીય ગણતરી મુજબ, ચંદ્ર 31 મે 2026ના રોજ ભારતીય સમય અનુસાર બપોરે 2:15 વાગ્યે 100% પૂર્ણ કળાએ પહોંચી જશે. પરંતુ એ સમયે ભારતમાં દિવસ હોવાથી ચંદ્ર દેખાય નહીં.
તમારા માટે જોવાનો સૌથી યોગ્ય સમય
31 મેના રોજ સાંજે 7:15 વાગ્યા પછી, જ્યારે ચંદ્રોદય (Moonrise) થશે
પૂર્વ-દક્ષિણ દિશામાં આકાશમાં ચંદ્ર ઉગતો દેખાશે
આખી રાત આ નજારો માણી શકાશે
શું ચંદ્ર ખરેખર વાદળી રંગનો દેખાશે?
ઘણા લોકોને એવી ગેરસમજ હોય છે કે ‘બ્લુ મૂન’ એટલે ચંદ્ર ભૂરા રંગનો દેખાશે. પરંતુ હકીકતમાં એવું નથી. ગુરુદેવ ઓબ્ઝર્વેટરીના સંચાલક દિવ્યદર્શન પુરોહિતે આ વિશે સ્પષ્ટ ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, “ચંદ્ર ખૂબ જ વિરલ વાતાવરણીય પરિસ્થિતિમાં ક્યારેક વાદળી ભાસી શકે છે, પણ ‘બ્લુ મૂન’ શબ્દ ખગોળીય કેલેન્ડરના નિયમ પરથી આવ્યો છે.”
1 મે 2026 – મહિનાની પ્રથમ પૂનમ
31 મે 2026 – મહિનાની બીજી પૂનમ
આ વખતે ‘માઇક્રો’ કેમ કહેવાય છે?
આ વખતની ઘટના વધુ ખાસ એટલા માટે છે કે 31 મેના રોજ ચંદ્ર પૃથ્વીથી તેના સામાન્ય અંતર કરતાં ઘણો વધુ દૂર રહેશે. ચંદ્ર પૃથ્વીથી આશરે 2,52,360 માઇલ દૂર હશે. આ અંતરને કારણે ચંદ્ર રોજની પૂનમ કરતાં 6% થી 7% નાનો દેખાશે. થોડો ઝાંખો પણ લાગી શકે. આ જ કારણસર વૈજ્ઞાનિકો આ ઘટનાને ‘માઇક્રો બ્લુ મૂન’ નામ આપી રહ્યા છે. ‘સુપરમૂન’ની બિલકુલ ઊલટી ઘટના સમજી શકાય.
દર અઢી વર્ષે જ બને છે આ સંયોગ
બ્લુ મૂનની ઘટના એટલી દુર્લભ છે કે તે દર 30 મહિનામાં, એટલે કે લગભગ અઢી વર્ષે એક વાર જ બને છે. છેલ્લે આ ઘટના 31 ઓગસ્ટ 2023ના રોજ જોવા મળી હતી. હવે 31 મે 2026 પછી, આવો જ નજારો ફરીથી ડિસેમ્બર 2028 માં જોવા મળશે.
કેવી રીતે જોશો?
ખુલ્લા ધાબા, અગાસી કે ટેરેસ પરથી જોવો
સાંજે 7:15 પછી પૂર્વ-દક્ષિણ દિશામાં જુઓ
ટેલિસ્કોપ વિના, નરી આંખે જોઈ શકાશે
આકાશ સાફ હોય તો નજારો વધુ સ્પષ્ટ દેખાશે
કુદરતની આ અનોખી ભેટ, જે અઢી-અઢી વર્ષે એક જ વાર મળે છે, તે ચૂકવા જેવી નથી. તો 31 મેની રાતે પરિવાર સાથે ધાબા પર બેસીને આ દુર્લભ ‘માઇક્રો બ્લુ મૂન’ ને જરૂર માણજો.











