IMD Rain Alert: કાળઝાળ ગરમી વચ્ચે મોટા સમાચાર! યુપી, દિલ્હી સહિત આ રાજ્યોમાં 100 ની સ્પીડે પવન અને તોફાની વરસાદનું એલર્ટ

કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે IMD નું લેટેસ્ટ એલર્ટ! ઉત્તર પ્રદેશ, દિલ્હી અને દક્ષિણ ભારતમાં 100 ની સ્પીડે પવન અને તોફાની વરસાદની આગાહી. જાણો તમારા રાજ્યનું હવામાન.

અમદાવાદ, શુક્રવાર
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ઘડી આખરે આવી ગઈ છે. કાળઝાળ ગરમીમાં શેકાઈ રહેલા ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં હવામાન અચાનક પલટાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા ભીષણ ગરમી સહન કરી રહેલા અનેક રાજ્યોમાં ભારે પવન, ગાજવીજ અને તોફાની વરસાદનું લેટેસ્ટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ રાજ્યોમાં ગરમીથી મળશે મોટી રાહત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારત, રાજસ્થાન, વિદર્ભ અને પૂર્વ મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ ઘટશે. આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર-પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ચાલો જાણીએ કયા રાજ્યમાં કેવું રહેશે હવામાન.

ઉત્તર પ્રદેશ અને દિલ્હી પર મોટી આફત: 100 ની સ્પીડે ફૂંકાશે પવન
હવામાન વિભાગની ચેતવણી મુજબ, 28 મે થી 31 મે (ચાર દિવસ) દરમિયાન ઉત્તર અને મધ્ય ભારતમાં ખતરનાક વાવાઝોડાની સ્થિતિ સર્જાશે. આ દરમિયાન કેટલીક જગ્યાએ પવનની ગતિ 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

યુપી-દિલ્હી: 29 મે ના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 100 ની સ્પીડે તોફાની પવન ફૂંકાશે. જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ચંદીગઢમાં 28 અને 29 મે ના રોજ 90 ની સ્પીડે પવન અને ભારે વરસાદની શક્યતા છે.
પહાડી વિસ્તારો: 30 મે ના રોજ જમ્મુ કાશ્મીરમાં, 28-29 મે ના રોજ હિમાચલ પ્રદેશમાં અને 28-30 મે દરમિયાન ઉત્તરાખંડમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ થશે.
રાજસ્થાન: પશ્ચિમ રાજસ્થાનમાં 31 મે થી 2 જૂન અને પૂર્વ રાજસ્થાનમાં 31 મે થી 3 જૂન સુધી 80 કિમીની ઝડપે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

પૂર્વ ભારતમાં ‘મિની વાવાઝોડું’ અને કરા પડવાની આગાહી
પૂર્વ ભારતની વાત કરીએ તો અહીં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે, જે એક મિની વાવાઝોડા જેવો અહેસાસ કરાવશે. 29 મે ના રોજ બિહાર અને ગંગાના મેદાની વિસ્તારોમાં 80 ની સ્પીડે પવન ફૂંકાશે. ખાસ વાત એ છે કે 29 મે ના રોજ બિહારમાં કરા પડવાની પણ આગાહી છે. ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 28 થી 31 મે દરમિયાન 70 ની સ્પીડે પવન સાથે ગાજવીજ વાળો વરસાદ આવી શકે છે. નોર્થ-ઈસ્ટના રાજ્યો જેવા કે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને મિઝોરમમાં 28 મે થી 3 જૂન વચ્ચે અલગ-અલગ દિવસોમાં ભારે વરસાદ ખાબકશે.

દક્ષિણ ભારતમાં પણ મેઘરાજાની એન્ટ્રી
દક્ષિણ ભારતના રાજ્યો માટે પણ રાહતના સમાચાર છે. કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા અને પુડુચેરીમાં 28 મે થી 1 જૂન સુધી 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડશે. આ ઉપરાંત કેરળ, માહે અને લક્ષદ્વીપમાં 1 થી 3 જૂન વચ્ચે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

એક તરફ જ્યાં લોકો હીટવેવથી પરેશાન છે, ત્યાં હવામાન વિભાગની આ આગાહી એક મોટી રાહત લઈને આવી છે. જોકે, 100 ની સ્પીડે ફૂંકાતા પવન અને તોફાનને કારણે નુકસાન થવાની પણ ભીતિ છે, તેથી સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!