સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર કોકરોચ જનતા પાર્ટી ને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે હાલ એકાઉન્ટ અનબ્લોક કરવાની ના પાડી કેન્દ્રને નોટિસ ફટકારી છે. જાણો શું છે સમગ્ર મામલો.

નવી દિલ્હી, શુક્રવાર
ઇન્ટરનેટ પર પોતાના ધારદાર કટાક્ષ અને મીમ્સથી ધૂમ મચાવનાર કોકરોચ જનતા પાર્ટી ને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ પેજનું X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું હતું, જેની સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવે આ મામલે શુક્રવારે સુનાવણી કરી હતી અને કેન્દ્ર સરકાર તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. જોકે, કોર્ટે એકાઉન્ટને તરત જ ચાલુ (રિસ્ટોર) કરવાનો વચગાળાનો કોઈ આદેશ આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે.
કોર્ટે તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કેમ કર્યો?
CJP ના સ્થાપક અભિજીત દીપકે કોર્ટ સમક્ષ એવી માંગ કરી હતી કે જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી વચગાળાની રાહત તરીકે તેમનું એકાઉન્ટ ચાલુ કરવામાં આવે. પરંતુ હાઈકોર્ટે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે સરકારની દલીલો સાંભળ્યા વિના આવો આદેશ આપી શકાય નહીં. આ મામલાની અસરો ઘણી મોટી અને દૂરગામી હોઈ શકે છે. ભલે અરજદારની વાતમાં દમ હોય, પરંતુ કેન્દ્ર સરકાર પોતાનો પક્ષ રજૂ કરે ત્યારબાદ જ સમગ્ર બાબતને હોલિસ્ટિકલી (સંપૂર્ણ રીતે) ધ્યાનમાં લેવાશે. કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો વિગતવાર જવાબ રજૂ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે અને હવે આ કેસની આગામી સુનાવણી 6 જુલાઈના રોજ થશે.
એકાઉન્ટ કેમ બ્લોક કરવામાં આવ્યું હતું?
પ્રાપ્ત અહેવાલો મુજબ, ઇન્ટેલિજન્સ બ્યુરો ના કેટલાક ઇનપુટ્સ મળ્યા હતા. જેના આધારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 ની કલમ 69 (A) નો ઉપયોગ કરીને X ને આ એકાઉન્ટ બ્લોક કરવા આદેશ અપાયો હતો. ખાસ વાત એ છે કે, હજુ સુધી આ બ્લોકિંગ ઓર્ડરની કોપી અરજદાર કે કોર્ટને બતાવવામાં આવી નથી. સરકારનો જવાબ આવ્યા પછી કોર્ટ નક્કી કરશે કે આ ઓર્ડર જાહેર કરવો કે નહીં.
શું છે આ કોકરોચ જનતા પાર્ટી?
આ કોઈ સાચો રાજકીય પક્ષ નથી, પરંતુ યુવાનોમાં હિટ થયેલું એક ડિજિટલ વ્યંગાત્મક આંદોલન છે.
શરૂઆત કેવી રીતે થઈ?: ગત 15 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે ચીફ જસ્ટિસ (CJI) ની બેન્ચે ચિંતા વ્યક્ત કરી હતી કે કેટલાક બેરોજગાર વકીલો પ્રેક્ટિસ છોડીને RTI એક્ટિવિઝમ કરે છે અને સમાજમાં કોકરોચ (વંદા) ની જેમ પરોપજીવી બની રહ્યા છે. (જોકે પછીથી સ્પષ્ટતા કરાઈ હતી કે આ ટિપ્પણી નકલી ડિગ્રીવાળા માટે હતી).
કોણે બનાવ્યું પેજ?: આ ટિપ્પણી પર કટાક્ષ કરવા માટે અમેરિકાના બોસ્ટનમાં રહેતા ભારતીય યુવક અભિજીત દીપકે કોકરોચ જનતા પાર્ટી બનાવી.
લોકપ્રિયતા: જોતજોતામાં ઇન્સ્ટાગ્રામ પર તેના 2.2 કરોડથી વધુ ફોલોઅર્સ અને X પર લાખો ફોલોઅર્સ જોડાઈ ગયા. આ પેજ બેરોજગારી, મીડિયાની આઝાદી અને સરકારી જવાબદારી જેવા ગંભીર મુદ્દાઓ પર મીમ્સ બનાવે છે.
અમેરિકાથી ઓનલાઈન હાજર રહેવા મળી મંજૂરી
અરજદાર અભિજીત દીપક હાલ ભારતમાં નથી, તેથી હાઈકોર્ટે આદેશ કર્યો છે કે સરકારની રિવ્યૂ કમિટી આ ઓર્ડરની સમીક્ષા કરે. આ દરમિયાન દીપક અમેરિકાથી જ વિડીયો કોન્ફરન્સિંગ (VC) દ્વારા કમિટી સામે પોતાનો પક્ષ રાખી શકશે. આ સુનાવણીમાં એક રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે સરકારી વકીલે કોર્ટમાં એવો દાવો કર્યો કે ટ્વિટર (X) આ મામલામાં અરજદારને આડકતરી રીતે મદદ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવું રહ્યું કે 6 જુલાઈની સુનાવણીમાં શું નવો ખુલાસો થાય છે.











