સુપ્રીમ કોર્ટે અદાલતોમાં થતા વિલંબને રોકવા ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે હાઈકોર્ટે સુરક્ષિત ચુકાદા 3 મહિનામાં અને જામીન પર બીજા જ દિવસે નિર્ણય આપવો પડશે. જાણો નવા નિયમો.

નવી દિલ્હી, શુક્રવાર
દેશની અદાલતોમાં વર્ષો સુધી ચાલતા કેસો અને તારીખો પર તારીખો મળવાની પ્રક્રિયાથી સામાન્ય માણસ ત્રસ્ત છે. પરંતુ હવે દેશની સર્વોચ્ચ અદાલતે ન્યાય પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે એક મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટ માટે કેટલાક કડક અને બંધનકર્તા નિયમો બનાવ્યા છે, જેથી સામાન્ય લોકોને સમયસર ન્યાય મળી શકે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ મહત્ત્વનો આદેશ આપ્યો છે.
જામીન અરજીઓ પર હવે તાત્કાલિક નિર્ણય
કોઈપણ વ્યક્તિની સ્વતંત્રતા સૌથી મહત્વની છે, તે વાતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે જામીન અરજીઓ માટે મોટી રાહત આપી છે. નવા આદેશ મુજબ, જામીન સંબંધિત કેસોમાં સુનાવણી પૂરી થયાના બીજા જ દિવસે કોર્ટે પોતાનો ચુકાદો આપી દેવો પડશે.
એટલું જ નહીં, જેલમાં બંધ અંડરટ્રાયલ કેદીઓને જો જામીન મળે, તો તે જ દિવસે અથવા વધુમાં વધુ બીજા દિવસે જેલમાંથી મુક્ત કરવા પડશે. આ અંગે જેલ સત્તાધીશોને તાત્કાલિક જાણ કરવાની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે અને ટ્રાયલ કોર્ટે નિયમોના પાલનનો રિપોર્ટ હાઈકોર્ટને આપવો પડશે.
સુપ્રીમ કોર્ટના નવા કડક નિયમોની મુખ્ય વાતો:
વાચકોની સરળતા માટે સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઈન્સના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
3 મહિનાની ડેડલાઈન: હાઈકોર્ટે કોઈપણ કેસમાં સુરક્ષિત રાખેલો ફેંસલો વધુમાં વધુ 3 મહિનાની અંદર સંભળાવી દેવો પડશે.
7 દિવસમાં કારણો અપલોડ કરવાના: ચુકાદો સંભળાવતી વખતે કોર્ટે માત્ર મુખ્ય નિર્ણય (ઓપરેટિવ પાર્ટ) જ જાહેર કરવાનો રહેશે. પરંતુ આ નિર્ણય પાછળના કારણો અને પૂરી વિગતો 7 દિવસની અંદર કોર્ટની વેબસાઇટ પર મૂકવી ફરજિયાત છે.
વેબસાઈટ પર પારદર્શિતા: કયા કેસનો ચુકાદો કઈ તારીખથી સુરક્ષિત રાખવામાં આવ્યો છે, તેની ચોક્કસ માહિતી હાઈકોર્ટની વેબસાઈટ પર મૂકવાની રહેશે.
જો જજ 3 મહિનામાં ચુકાદો ન આપે તો શું થશે?
સુપ્રીમ કોર્ટે વિલંબ કરનારા જજો માટે પણ કડક જોગવાઈ કરી છે. જો કોઈ જજ 3 મહિનામાં રિઝર્વ ફેંસલો ન સંભળાવે, તો રજિસ્ટ્રાર જનરલ આ રિપોર્ટ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને સોંપશે. ચીફ જસ્ટિસ વધુમાં વધુ 2 અઠવાડિયાનો વધારાનો સમય આપી શકશે. જો ત્યારબાદ પણ ચુકાદો નહીં આવે, તો તે કેસની સુનાવણી બીજી બેન્ચને ટ્રાન્સફર કરી દેવાશે.
તેવી જ રીતે, જો ચુકાદો આવ્યા પછી 15 દિવસમાં વેબસાઈટ પર કારણો અપલોડ ન થાય, તો પક્ષકાર અરજી કરી શકશે. અને જો 30 દિવસ સુધી કોઈ ડિટેલ અપલોડ ન થાય, તો કેસ પાછો ખેંચીને નવી બેન્ચ પાસે સુનાવણી કરાવવા અરજી કરી શકાશે.
આ કડક નિર્ણય કેમ લેવાયો?
આ ઐતિહાસિક નિર્ણય પાછળ એક ગંભીર ફરિયાદ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી આવી હતી જેમાં જણાવાયું હતું કે, ઝારખંડ હાઈકોર્ટે એક ફોજદારી અપીલ પર સંપૂર્ણ ચર્ચા સાંભળી લીધા પછી પણ છેલ્લા 2 થી 3 વર્ષથી ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો અને કોઈ જ ચુકાદો આપ્યો ન હતો. આ આઘાતજનક વિલંબ જોઈને ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે દેશભરની હાઈકોર્ટ પાસેથી સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો હતો. આ રિપોર્ટના આધારે જ આ નવી અને કડક ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં આવી છે, જેનું પાલન કરાવવા તમામ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આદેશ અપાયો છે. સુપ્રીમ કોર્ટના આ લેટેસ્ટ નિર્ણયથી દેશની ન્યાય પ્રણાલીમાં મોટી ક્રાંતિ આવશે. “ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇનકાર છે” તે કહેવતને દૂર કરી હવે લોકોને સમયસર અને ઝડપી ન્યાય મળશે તેવી પૂરી શક્યતા છે.











