રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકોના તળાવમાં ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ચોથા બાળકની હાલત ગંભીર છે. જાણો વિગત.

રાજકોટ, શુક્રવાર
રાજકોટ જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. ગોંડલ તાલુકાના શેમળા ગામમાં એક જ શ્રમિક પરિવારના 3 માસૂમ બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. વેકેશનના સમયમાં એકસાથે ત્રણ વહાલસોયા બાળકો ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને આખા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
રમતા-રમતા ઊંડા પાણીમાં ગરકાવ થયા બાળકો
પ્રાપ્ત માહિતી અનુસાર, શેમળા ગામની એક વાડીમાં મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારના 4 બાળકો વાડીની નજીક આવેલા ઓરિયા તળાવ પાસે રમી રહ્યા હતા. રમતા-રમતા અચાનક પગ લપસી જવાને કારણે અથવા તો પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય માસૂમ બાળકો તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા.
લોકોએ બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા
બાળકો પાણીમાં ડૂબી રહ્યા હોવાની જાણ થતાં જ વાડીના માલિક અને પરિવારના સભ્યો તાત્કાલિક તળાવ તરફ દોડી ગયા હતા. ભારે જહેમત બાદ ચારેય બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સમય બગાડ્યા વિના તાત્કાલિક એક ખાનગી કાર મારફતે તેમને ગોંડલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસીને 3 બાળકોને મૃત જાહેર કર્યા હતા. એક જ પરિવારના ત્રણ-ત્રણ બાળકોના મોતથી હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ચોથા બાળક ‘સાહિલ’ની સ્થિતિ નાજુક
આ ગોઝારી ઘટનામાં ભોગ બનેલા ચોથા બાળકની સ્થિતિ અંગે વાત કરીએ તો આ ઘટનામાં ચોથા બાળક સાહિલનો આબાદ બચાવ થયો છે, પરંતુ તેની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. શરૂઆતમાં તેને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેની તબિયત વધુ લથડતા અને ફેફસામાં પાણી ભરાઈ ગયું હોવાથી વધુ ગંભીર સારવાર માટે તેને તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલમાં આ બાળક જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતક બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.











