પીએમ મોદીએ રચ્યો ઈતિહાસ: 4399 દિવસનો કાર્યકાળ પૂરો કરી પંડિત નેહરુને પાછળ છોડ્યા, મેલોનીએ ખાસ અંદાજમાં આપી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંડિત નેહરુનો 62 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે. સતત 4399 દિવસ સુધી PM પદે રહીને તેઓ દેશના સૌથી લાંબા કાર્યકાળ ધરાવતા નેતા બન્યા છે.

 

નવી દિલ્હી, બુધવાર
ભારતના લોકશાહી ઈતિહાસમાં આજે એક નવો અને સોનેરી અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન પદ પર રહેવાનો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેમણે આઝાદ ભારતના પ્રથમ પીએમ પંડિત જવાહરલાલ નેહરુનો 62 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે દેશભરમાં જશ્નનો માહોલ છે.

62 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
નરેન્દ્ર મોદીએ 26 મે 2014 ના રોજ પહેલીવાર પીએમ પદના શપથ લીધા હતા. આજે 9 જૂન 2026 ના રોજ તેમના કાર્યકાળના 4399 દિવસ સફળતાપૂર્વક પૂરા થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 1952 માં પહેલી ચૂંટણી યોજાઈ હતી, ત્યારે પંડિત નેહરુ મે 1952 થી 27 મે 1964 સુધી વડાપ્રધાન રહ્યા હતા. તેમણે 4398 દિવસ સુધી દેશની સેવા કરી હતી. આજે પીએમ મોદી 4399 દિવસ સાથે તેમનાથી પણ આગળ નીકળી ગયા છે. 9 જૂન 2024 ના રોજ મોદીએ NDA ના ત્રીજા કાર્યકાળના શપથ લીધા હતા અને હવે સત્તામાં તેમના 12 વર્ષ પણ પૂરા થયા છે.

વૈશ્વિક નેતાઓ તરફથી શુભેચ્છાઓનો વરસાદ
પીએમ મોદીની આ ઐતિહાસિક સિદ્ધિ પર દુનિયાભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.

ઇટાલી: પીએમ જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પીએમ મોદી સાથેનો એક ફોટો શેર કરીને ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે. તેમણે લખ્યું કે, “ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પીએમ બનવા બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન. આપણી સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ બંને દેશોના લોકો માટે ભવિષ્યમાં નવી તકો ઊભી કરશે.”

માલદીવ: રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝ્ઝુએ પણ પીએમ મોદીને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને ભારત સાથે સમાનતા અને સહયોગના આધારે સંબંધો વધુ મજબૂત કરવાની ખાતરી આપી છે.

મલેશિયા: વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે આ ઐતિહાસિક સિદ્ધિને પીએમ મોદીની વર્ષોની જનસેવા અને વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત સ્થિતિનું પ્રમાણ ગણાવ્યું છે.

કેબિનેટની બેઠકમાં વિશેષ સન્માન અને દેશભરમાં જશ્ન
આ ઐતિહાસિક અવસર પર આજે દેશભરમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે. નેતાઓ દ્વારા પીએમ મોદીના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને હવન કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના રસ્તાઓ પર પણ મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.

આટલી મોટી સિદ્ધિ છતાં પીએમ મોદી આજે પણ રાબેતા મુજબ પોતાના કામે લાગેલા છે. આજે તેમની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં સરકારના 12 વર્ષ પૂરા થવા પર એક વિશેષ પ્રસ્તાવ પસાર કરીને પીએમ મોદીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રસ્તાવમાં ગરીબ કલ્યાણ, અન્ન સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ નીતિ અને વિદેશ નીતિ જેવા તમામ મોરચે પીએમ મોદીના વિઝન અને સરકારની કામગીરીની જોરદાર પ્રશંસા કરવામાં આવી છે.

સતત 12 વર્ષ સુધી 140 કરોડ દેશવાસીઓનો વિશ્વાસ અકબંધ રાખવો એ કોઈ નાની વાત નથી. પીએમ મોદીએ પોતાના મજબૂત નેતૃત્વ થકી સાબિત કર્યું છે કે સતત લોકસંપર્ક અને દેશહિતમાં લીધેલા નિર્ણયો જ એક સફળ નેતાની સાચી ઓળખ છે. તેમની આ સફર ભારતીય રાજકારણમાં હંમેશા યાદ રાખવામાં આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!