કસ્ટમ્સ ગુજરાત ઝોન અમદાવાદના અધિક કમિશનરના આદેશ અનુસાર, કંડલા કસ્ટમ હાઉસ હેઠળ ફરજ બજાવતા સુપ્રિન્ટેન્ડેન્ટ કક્ષાના 54 જેટલા અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી અને નવી નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે

કંડલા સ્થિત ‘ઓફિસ ઓફ ધ કમિશનર ઓફ કસ્ટમ્સ’ દ્વારા વાર્ષિક સામાન્ય બદલી પ્રક્રિયા અંતર્ગત એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. કસ્ટમ્સ ગુજરાત ઝોન અમદાવાદના અધિક કમિશનરના આદેશ અનુસાર, કંડલા કસ્ટમ હાઉસ હેઠળ ફરજ બજાવતા સુપ્રિન્ટેન્ડેન્ટ કક્ષાના ૫૪ જેટલા અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી અને નવી નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે.
સામૂહિક બદલીઓ
આ સામૂહિક બદલીઓમાં કંડલા કસ્ટમ્સના વિવિધ વહીવટી અને ફિલ્ડ વિભાગો જેવા કે સેઝ, ઇન્વેસ્ટિગેશન, બોન્ડ, એડજ્યુડિકેશન, લીગલ, એસ.આઇ.આઇ.બી., ઓડિટ, વિજિલન્સ, કૉન્ફિડેન્શિયલ અને એક્સપોર્ટ અસેસમેન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુંદરા અને ભુજ કસ્ટમ સર્કલમાં કાર્યરત અધિકારીઓની પણ કંડલા ખાતે જુદા જુદા વિભાગોમાં આંતરિક બદલી કરવામાં આવી છે.
વહીવટી કડકાઈ અને સૂચનાઓ
બદલીના આદેશ સાથે કસ્ટમ વિભાગ દ્વારા વહીવટી કડકાઈના સંકેત આપીને તમામ ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનરોને સૂચના આપી છે કે, બદલી પામેલા અધિકારીઓના છૂટા થયા અને હાજર થયાના રિપોર્ટ મુખ્ય કચેરીને સત્વરે મોકલી આપવાના રહેશે. આ ઉપરાંત, જે-તે વિભાગમાં બાકી રહેલા મહત્વના કેસોની અંતિમ યાદી બનાવીને નવા આવનાર અધિકારીને ચાર્જ સોંપવાનો રહેશે.
પારદર્શિતા માટે વિશેષ આદેશ
વહીવટી પારદર્શિતા જાળવી રાખવા માટે તુણા પોર્ટ ખાતે ફરજ બજાવતા સુપરિટેન્ડેન્ટ અને ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓનું માસિક ધોરણે રોટેશન એટલે કે અદલા-બદલી કરવાનો પણ ખાસ આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.











