ગુજરાતમાં અમદાવાદ SOGએ નકલી બ્લડ પ્લાઝ્મા સપ્લાય કરતા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 3 રાજ્યોમાં ફેલાયેલા આ નેટવર્કનો મુખ્ય આરોપી ઝડપાયો. જાણો મામલો.

અમદાવાદ, ગુરુવાર
લોકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે ચેડાં કરતા એક અત્યંત ગંભીર અને હાઇ-પ્રોફાઇલ મેડિકલ કૌભાંડનો ગુજરાતમાં પર્દાફાશ થયો છે. ફાર્માસ્યુટિકલ (દવા બનાવતી) કંપનીઓને અસલી બ્લડ પ્લાઝ્માના બદલે નકલી અને ભેળસેળવાળો પ્લાઝ્મા પધરાવી દેતી એક મોટી ગેંગને અમદાવાદ ગ્રામીણની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે ખુલ્લી પાડી છે. આ મામલામાં પોલીસે આંતરરાજ્ય નેટવર્કના એક મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે.
કોણ છે પકડાયેલ આરોપી અને શું હતો તેનો રોલ?
અમદાવાદ SOGએ નકલી બ્લડ પ્લાઝ્માના ટ્રાન્સપોર્ટેશનમાં (હેરફેર) મુખ્ય ભૂમિકા ભજવતા 33 વર્ષીય અજીત સોલંકીની ધરપકડ કરી છે. અજીત મૂળ ધોળકાના કાદીપુર ગામનો વતની છે અને હાલ બાવળાની દેવયાની સોસાયટીમાં રહેતો હતો. પોલીસે તેની પાસેથી ગુનામાં વપરાયેલી 2.5 લાખ રૂપિયાની કિંમતની બોલેરો પિકઅપ ગાડી પણ જપ્ત કરી લીધી છે.

કઈ રીતે આચરવામાં આવતી હતી છેતરપિંડી?
આ કૌભાંડમાં માત્ર એક-બે લોકો નહીં, પરંતુ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓ, બ્લડ બેન્કના અધિકારીઓ અને વચેટિયાઓની આખી ચેઈન જોડાયેલી હતી.
દિનેશ ચૌધરી નામના મુખ્ય આરોપીએ ફાર્મા કંપનીમાં જ ડ્રાઇવર તરીકે નોકરી કરતા જિતેન્દ્ર સોલંકી અને રફીક ખલીફા સાથે મળીને આખો પ્લાન બનાવ્યો હતો.
દિનેશ મહારાષ્ટ્રની ‘શ્રી ગજાનંદ બ્લડ બેન્ક’ના મેનેજર મોહન ગાયકવાડ પાસેથી નકલી પ્લાઝ્મા મંગાવતો હતો.
આ નકલી માલને પ્રકાશ અને અશોક સાંગલે નામના શખ્સો આગળ મોકલતા હતા.
જ્યારે કંપનીનો અસલી અને કિંમતી બ્લડ પ્લાઝ્મા રસ્તામાં જતો હોય, ત્યારે આરોપીઓ વાહન ઊભું રાખીને અસલી પ્લાઝ્મા ચોરી લેતા અને તે બોક્સમાં નકલી પ્લાઝ્મા મૂકીને કંપનીમાં ડિલિવરી આપી દેતા હતા.
3 રાજ્યોમાં ફેલાયેલું હતું નેટવર્ક
પોલીસની તપાસમાં ખૂલ્યું છે કે આ કૌભાંડ માત્ર ગુજરાત પૂરતું સીમિત નહોતું. આ વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આવેલી દવા બનાવતી કંપનીઓમાં પણ આ જ રીતે રસ્તામાંથી માલ ડાયવર્ટ કરીને નકલી પ્લાઝ્મા ઘુસાડવામાં આવ્યો હતો. કંપનીના પ્રોસેસિંગ સેન્ટર પર માલ પહોંચે તે પહેલાં જ મુખ્ય આરોપી દિનેશ ચૌધરીએ બોલેરોમાં પ્લાઝ્માના 12 બોક્સ સપ્લાય કરી દીધા હતા.
1,140 યુનિટ ઝેરી પ્લાઝ્માનો કરાયો નાશ
આ મામલે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજની પેથોલોજી લેબમાં ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આરોપી પાસેથી મળેલા 1,140 યુનિટ પ્લાઝ્મા સંપૂર્ણપણે ભેળસેળવાળા, દૂષિત અને માણસો માટે અત્યંત ખતરનાક હતા.

રિપોર્ટ આવ્યા બાદ સાણંદ કોર્ટની મંજૂરી લઈને આ તમામ જોખમી પ્લાઝ્માનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની હાજરીમાં ‘ઇડોલાઈ વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ’ ખાતે તેનો નિકાલ કરાયો હતો.
આગળની તપાસમાં શું થશે?
આ કૌભાંડ પકડાયું તે પહેલાં જ કોઈ નકલી પ્લાઝ્મા દવા બનાવવામાં વપરાઈ તો નથી ગયો ને? તે દિશામાં SOG ગંભીરતાથી તપાસ કરી રહી છે. હાલ પોલીસ આરોપીઓના બેન્ક વ્યવહારો, ટ્રાન્સપોર્ટના રેકોર્ડ અને આ નેટવર્કમાં અન્ય કઈ બ્લડ બેન્કો સામેલ છે તેની સઘન પૂછપરછ ચલાવી રહી છે. અધિકારીઓના મતે, મેડિકલ ક્ષેત્રે આ એક બહુ મોટો અને ગંભીર ગુનો છે.











