મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ તૈયારીઓની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી, સમગ્ર રાજ્યમાં યોજાનારી 230 રથયાત્રાઓ માટે આપ્યું માર્ગદર્શન : 65 ડ્રોન, 2800થી વધુ બોડી વોર્ન કેમેરા અને 240થી વધુ ધાબા પોઈન્ટથી રહેશે ચાંપતી નજર, 16 કિમી લાંબી યાત્રામાં 101 ટ્રકો અને 30 અખાડા જોડાશે

ગાંધીનગાર, શનિવાર : અમદાવાદમાં આગામી 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું છે. ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યભરમાં યોજાનારી અંદાજે 230 રથયાત્રાઓ શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે પોલીસ અને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદ શહેરમાં યોજાનારી મુખ્ય રથયાત્રા દરમિયાન રૂટ પર આવેલી જર્જરિત ઇમારતો અને મકાનો પાસે લોકોની ભીડ ન થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ વર્ષે ‘ઝીરો રિસ્ક’ અભિગમ સાથે સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા દરમિયાન 31 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ ફરજ પર રહેશે. સમગ્ર રૂટ પર 240થી વધુ ધાબા પોઈન્ટ, 65 ડ્રોન અને 2800થી વધુ બોડી વોર્ન કેમેરાની મદદથી સતત નજર રાખવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આરોગ્ય અને અગ્નિશામક સેવાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 15 મેડિકલ ઓફિસર, 100થી વધુ આરોગ્ય કર્મચારીઓ, 31 ફાયર વાહનો અને 237 ફાયર જવાનો તૈનાત રહેશે.
16 કિલોમીટર લાંબી આ ભવ્ય રથયાત્રામાં 101 ટ્રકો, 30 અખાડા અને 18 ભજન મંડળીઓ ભાગ લેશે, જે ભક્તિમય વાતાવરણ સર્જશે. રથયાત્રા પૂર્વે શહેર પોલીસે શાંતિ સમિતિની 69 બેઠકો, મહોલ્લા સમિતિની 79 બેઠકો અને વિવિધ ધાર્મિક આગેવાનો સાથે 178 બેઠકો યોજી સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત કોમી એકતાને વધુ મજબૂત બનાવવા બ્લડ ડોનેશન કેમ્પ, રાત્રિ ક્રિકેટ અને વોલીબોલ ટૂર્નામેન્ટ, લોકડાયરા તેમજ યુવાનો સાથે સંવાદ જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, પોલીસ મહાનિદેશક જી.એસ. મલિક, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સચિવ ડો. અજય કુમાર તેમજ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શરદ સિંઘલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.











