ગાંધીનગર મહાનગરપાલિકાની નવી ઈ-બસ સેવાને નાગરિકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, જ્યાં શરૂઆતના માત્ર 14 દિવસમાં જ 1.53 લાખથી વધુ મુસાફરોએ પ્રદૂષણમુક્ત સફરનો લાભ લીધો છે

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પરિવહન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા શહેરીજનો માટે શરૂ કરવામાં આવેલી અત્યાધુનિક ઈ-બસ સેવાને જનતાએ બે હાથે વધાવી લીધી છે. શરૂઆતના થોડા દિવસોમાં સામાન્ય પ્રતિસાદ મળ્યા બાદ, આ બસોની આરામદાયક સુવિધા અને કનેક્ટિવિટીને કારણે મુસાફરોનો અસાધારણ ધસારો જોવા મળી રહ્યો છે. લોન્ચિંગના શરૂઆતના 14 દિવસના ટૂંકા ગાળામાં જ રેકોર્ડબ્રેક 1 લાખ 53 હજારથી વધુ નાગરિકોએ પોતાના અંગત વાહનો છોડીને આ પર્યાવરણ અનુકૂળ સેવાનો લાભ લીધો છે.
ધીમી શરૂઆત બાદ મુસાફરોની સંખ્યામાં બમ્પર ઉછાળો
આ આધુનિક ઇલેક્ટ્રિક બસ સેવાની સફર શરૂઆતમાં થોડી ધીમી રહી હતી. ગત 29 જૂનના રોજ પ્રથમ દિવસે માત્ર 6,120 મુસાફરોએ મુસાફરી કરી હતી. પરંતુ, જેમ-જેમ લોકોને આ એરકન્ડિશન્ડ બસોના સુખદ અનુભવની જાણ થઈ, તેમ તેમ ગ્રાફ ઝડપથી ઉપર ગયો હતો. હાલમાં દૈનિક મુસાફરોની સરેરાશ સંખ્યા વધીને 10,965 પર પહોંચી ગઈ છે. એટલું જ નહીં, ગત 11 જુલાઈના રોજ આ સેવામાં અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે એક જ દિવસમાં 13,615 નાગરિકોએ ઈ-બસમાં સવારી કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો.
ખાનગી વાહનો ઘરે મૂકવા માટે તંત્રનો માસ્ટરસ્ટ્રોક
શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને પ્રદૂષણ નિયંત્રણના હેતુથી વહીવટીતંત્ર દ્વારા શરૂઆતના 15 દિવસ માટે તમામ મુસાફરોને મફત મુસાફરી કરાવવાનો નવતર નિર્ણય લેવાયો હતો. તંત્રનો આ સકારાત્મક પ્રયોગ સો ટકા સફળ સાબિત થયો છે. મફત મુસાફરીની જાહેરાતને પગલે હજારો લોકોએ પોતાના ટુ-વ્હીલર અને કાર ગેરેજમાં મૂકીને ઈ-બસ અપનાવી લીધી છે. આ જનજાગૃતિના કારણે પાટનગરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા હળવી થઈ છે અને વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવાનો તંત્રનો દાવો છે.
CCTV કેમેરા કવચ: મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે હરતું-ફરતું સુરક્ષિત આશ્રય
નિયમિત અપડાઉન કરતા મહિલા મુસાફરોના મતે, મહાનગરપાલિકાની આ સેવા મધ્યમ વર્ગ અને વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. કાળઝાળ ગરમી અને રસ્તા પરના ધૂળ-ધુમાડાથી બચાવતી આ બસો સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ છે. સૌથી મહત્વની બાબત એ છે કે, સમગ્ર બસ રૂટ અને અંદરનું વાતાવરણ CCTV કેમેરાની કડક દેખરેખ હેઠળ છે. આ સુરક્ષા વ્યવસ્થાને કારણે કોલેજ જતી યુવતીઓ અને નોકરીયાત મહિલાઓ કોઈપણ ભય વિના મુસાફરી કરી શકે છે, જેનાથી વાલીઓની ચિંતા પણ કાયમ માટે દૂર થઈ છે.
આઈઆઈટી-પીડીઈયુ સહિત કલોલ, કડી અને ચાંદખેડા સુધી સીધું કનેક્શન
પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવ અને રીક્ષાચાલકોના મોંઘા ભાડા સામે આ ઈ-બસ સેવાનું ભાડું ખૂબ જ આર્થિક અને રાહત દરે રાખવામાં આવ્યું છે. આ સેવાની રૂટ કનેક્ટિવિટી પણ જોરદાર છે; સચિવાલય, પથિકાશ્રમ ટર્મિનલ અને સરગાસણ સર્કલ જેવા હાર્દસમા વિસ્તારોથી લઈને કલોલ, કડી, દહેગામ, ચિલોડા અને ચાંદખેડા સુધીના રૂટ સાંકળી લેવાયા છે. તદુપરાંત, IIT ગાંધીનગર અને PDEU જેવી ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓ આ રૂટ પર આવતી હોવાથી વિદ્યાર્થીઓનો કિંમતી સમય બચે છે અને વારંવાર વાહન બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે.











