વિજ્ઞાન જાથાની કાનૂની કાર્યવાહીની ચીમકીને પગલે શરૂઆતમાં આગાહી બંધ કરનારા જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે, આગાહી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

ગાંધીનગર: ગુજરાતમાં વરસાદની ચોક્કસ અને જાણીતી આગાહીઓ માટે ઓળખાતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે, ફરી એકવાર આગાહી ચાલુ રાખવાની જાહેરાત કરીને મોટી ‘યૂ-ટર્ન’ લીધી છે. વિજ્ઞાન જાથા દ્વારા કાનૂની કાર્યવાહીની ચીમકી મળ્યા બાદ અંબાલાલ પટેલે આગાહી બંધ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો સાથેની મુલાકાત બાદ, તેમણે ખેડૂતોના હિતમાં આ નિર્ણય બદલી નાખ્યો છે.
વિજ્ઞાન જાથાનો દાવા અને કાનૂની કાર્યવાહીની ચીમકી
વિજ્ઞાન જાથા દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે, અંબાલાલ પટેલની વરસાદની આગાહીઓના કારણે ખેડૂતોને આ વર્ષે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ દાવાના આધારે, વિજ્ઞાન જાથાએ હવામાનની આગાહીઓ કરનારા અને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારાઓ સામે કાનૂની કાર્યવાહીની માગ કરી હતી. આ આક્ષેપો અને કાનૂની કાર્યવાહીના ડરથી, અંબાલાલ પટેલે સોમવારે જાહેરાત કરી હતી કે તેઓ ભવિષ્યમાં કોઈ આગાહી કરશે નહીં.
ભારતીય કિસાન સંઘનું સમર્થન અને વિનંતી
અંબાલાલ પટેલ દ્વારા આગાહી બંધ કરવાની જાહેરાત બાદ, ગુજરાતના ખેડૂત સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ પરિસ્થિતિમાં ભારતીય કિસાન સંઘ અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યું છે. સંઘના મુખ્ય હોદ્દેદારોએ ગાંધીનગરમાં અંબાલાલ પટેલ સાથે મુલાકાત કરી હતી. ખેડૂત સંઘના નેતાઓએ તેમને ખેડૂતોના હિતમાં અને તેમની આવશ્યક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, આગાહી ચાલુ રાખવા માટે હૃદયપૂર્વકની વિનંતી કરી હતી.

કાનૂની ગૂંચ ઉકેલાઈ: ખેડૂતોના હિતમાં આગાહી ચાલુ રહેશે
કિસાન સંઘ સાથેની બેઠક બાદ, અંબાલાલ પટેલે તેમના નિર્ણયમાં મહત્વપૂર્ણ બદલાવ લાવીને ફરી આગાહી કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, “ખેડૂતો અમારા ભગવાન છે અને કિસાન સંઘના સમર્થનથી હું હવે ફરી આગાહી કરીશ. આમા જે કાયદાકીય ગૂંચ હતી, તે મેં જાણી લીધી છે. અમારો આશય ખેડૂત ભાઈઓને માત્ર માહિતગાર કરવાનો છે, તેમને છેતરવાનો નહીં. ખેડૂત ભાઈઓનું સમર્થન અમારા માટે અત્યંત મહત્વનું છે.”
ખેડૂતોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
અંબાલાલ પટેલે પોતાની ‘યૂ-ટર્ન’ પાછળ ખેડૂતોની આર્થિક અને સામાજિક સ્થિતિને કારણભૂત ગણાવી. તેમણે કહ્યું કે, ખેડૂતોને મૂકીને મારો કોઈ પણ નિર્ણય યોગ્ય નથી. આ નિર્ણયથી લાંબા સમયથી હવામાનની સચોટ માહિતી માટે અંબાલાલ પટેલ પર નિર્ભર રહેલા ખેડૂતોમાં એક મોટી રાહતની લાગણી ફેલાઈ છે.











