દહેગામ પોલીસે ચાર વર્ષથી ફરાર દુષ્કર્મના આરોપીને પકડ્યો

દહેગામ પોલીસે ચાર વર્ષથી નાસતા ફરતા અને વસો કોર્ટ દ્વારા સજા ફટકારેલા દુષ્કર્મના આરોપી કાળાજી ઠાકોરને હાથીજણથી વતન આવતા સમયે વચમાંથી જ ઝડપી મધ્યસ્થ જેલ ભેગો કર્યો છે

દહેગામ: ગંભીર ગુના આચરીને કાયદાની આંખમાં ધૂળ નાખતા તત્વો સામે દહેગામ પોલીસે લાલ આંખ કરી છે. બળાત્કાર અને પોક્સો જેવા શર્મજનક ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા ચાર વર્ષથી પોલીસને હાથતાળી આપતો એક રીઢો ગુનેગાર આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. ટેકનિકલ સર્વેલન્સ અને જાસૂસોની સચોટ બાતમીના આધારે પોલીસે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે.

રહેઠાણ અને સરનામાં બદલીને નાસતો ફરતો
સમગ્ર વિગત એવી છે કે, મૂળ દહેગામના ટીંબાની મુવાડીનો વતની કાળાજી અભાજી ચૌહાણ (ઠાકોર) સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો હતો. કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ આ આરોપી કાયદાના સકંજામાંથી છટકવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને છેલ્લા ચાર વર્ષથી એક પણ મુદતમાં કોર્ટમાં હાજર થયો નહોતો. આ ઉપરાંત, આણંદ જિલ્લાની વસો કોર્ટે પણ તેને બે અલગ-અલગ કેસમાં એક-એક વર્ષની કેદની સજા ફટકારી હતી. આ સજાના વોરંટથી બચવા માટે તે સતત પોતાના રહેઠાણ અને સરનામાં બદલીને નાસતો ફરતો હતો.

ગુનેગારોને પકડવા માટે એક ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી
દરમિયાન, નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દહેગામ પોલીસ વિભાગ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે એક ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત દહેગામ પોલીસની ટીમને એક સચોટ કડી મળી હતી કે, આરોપી કાળાજી હાલ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં નામ બદલીને રહી રહ્યો છે અને તે વહેલી સવારે પોતાના વતન તરફ આવવાનો છે.

બાતમી મળતા જ એક્શનમાં આવેલી દહેગામ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી દીધી હતી. આરોપી જેવો દહેગામની હદમાં પ્રવેશ્યો કે તુરંત જ તરાપ મારીને પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લીધો હતો અને ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપી સામે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેને અમદાવાદ મધ્યસ્થ જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!