ગાંધીનગરના પેથાપુર પોલીસે કોલવડા-પુન્દ્રાસણ રોડ પર દારૂના કટિંગ પર દરોડો પાડીને 2 ગાડીઓ અને રૂ. 2.52 લાખના વિદેશી દારૂ સહિત કુલ 9.52 લાખના મુદ્દામાલ સાથે 4 બુટલેગરોને ઝડપી લીધા છે.

ગાંધીનગર તાલુકાના કોલવડા-પુન્દ્રાસણ રોડ પર પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પેથાપુર પોલીસે મોડી રાત્રે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ગરનાળા નજીક આવેલા ચરાની ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂના મોટા જથ્થાનું કટિંગ ચાલી રહ્યું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ ગુપ્ત માહિતી મળતાની સાથે જ પેથાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર દેસાઈ અને તેમની ટીમે સમય બગાડ્યા વિના ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો.
પોલીસને જોઈ બુટલેગરોમાં મચી નાસભાગ
ચરાના અંધારામાં બે વૈભવી ગાડીઓમાંથી દારૂની હેરાફેરી કરી રહેલા બુટલેગરોમાં પોલીસની ગાડીઓ જોઈને ફફડાટ વ્યાપી ગયો હતો. આરોપીઓએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એલર્ટ પોલીસે વ્યૂહાત્મક ઘેરાબંધી કરીને સ્થળ પરથી જ ચાર ઈસમોને દબોચી લીધા હતા. જોકે, આ અંધાધૂંધીનો લાભ લઈને બ્રેઝા ગાડીમાંથી ઉતરેલો એક અજાણ્યો સાગરીત અંધારામાં નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
બે લક્ઝરી કાર અને દારૂનો મોટો જથ્થો જપ્ત
પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી દારૂની હેરાફેરીમાં વપરાયેલી બે લક્ઝરી ગાડીઓ મળી આવી હતી, જેમાં રાજસ્થાન પાસિંગની સુઝુકી એસ-ક્રોસ (RJ.45.CH.3572) અને ગાંધીનગર પાસિંગની બ્રેઝા (GJ.18.BH.8199) નો સમાવેશ થાય છે. આ બંને વાહનો તેમજ ત્યાં પડેલી પ્લાસ્ટિકની ગુણોની તલાશી લેતા પોલીસને અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કાચ અને પ્લાસ્ટિકની કુલ 1337 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા આ દારૂના જથ્થાની બજાર કિંમત અંદાજે રૂ. 2,52,430 થાય છે.
રાજસ્થાન અને સ્થાનિક કનેક્શન ખુલ્યું
આ દરોડામાં પોલીસે વિદેશી દારૂ અને બંને મોંઘીદાટ ગાડીઓ મળીને કુલ રૂ. 9.52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ નેટવર્કમાં રાજસ્થાન અને સ્થાનિક કનેક્શન જોડાયેલું છે. પકડાયેલા શખ્સોમાં રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના પવનકુમાર ગુર્જર, ક્રિશનકુમાર ગુર્જર, વિજેન્દ્રકુમાર કસાના અને કોલવડા ગામના અક્ષય નાથબાવા સામેલ છે. પેથાપુર પોલીસે આ તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











