કોવિડ દરમિયાન ફરજ પર અવસાન પામેલા એસટીના 115 કર્મચારીઓના વારસદારોને રૂ. 25 લાખની સહાય આપવામાં આવશે, જેનું વિતરણ 27 જુલાઈએ ગાંધીનગરમાં થશે.

ગાંધીનગર: કોવિડ-19 મહામારી દરમિયાન પોતાની ફરજ પર અડીખમ રહીને પ્રવાસી શ્રમિકોને સુરક્ષિત વતન પહોંચાડનાર ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) ના કર્મચારીઓના બલિદાનને રાજ્ય સરકાર યાદ કરી રહી છે. કોરોનાકાળમાં ફરજ દરમિયાન જીવ ગુમાવનાર 115 ‘કોરોના વોરિયર્સ’ના પરિવારોને રાજ્ય સરકાર દ્વારા રૂ. 25 લાખની આર્થિક સહાય (એક્સ-ગ્રેશિયા) આપવામાં આવશે.
મહત્વના અંશો:
શ્રમિકોની સેવા: મહામારીના કપરા કાળમાં GSRTC એ ત્રણ રાજ્યોમાં કુલ 22,953 ટ્રિપ્સ દ્વારા 6,99,357 મુસાફરોને તેમના ઘરે સુરક્ષિત પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
કર્મચારીઓનું બલિદાન:
આ સેવા આપતી વખતે એસટીના 115 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતા અને તેમનું નિધન થયું હતું. જેમાં 39 ડ્રાઇવર, 31 કંડક્ટર, 29 વહીવટી કર્મચારીઓ અને 16 મિકેનિકનો સમાવેશ થાય છે.
સહાયનું વિતરણ:
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા રચાયેલી સમિતિએ તમામ પાત્ર કર્મચારીઓના કાયદેસરના વારસદારોની ચકાસણી પૂર્ણ કરી લીધી છે. આ તમામ પરિવારોને રૂ. 25 લાખની સહાયના ચેકનું વિતરણ આગામી 27 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર એક વિશેષ કાર્યક્રમમાં કરવામાં આવશે.










